________________
૧૦૭
અનુભવ સંજીવની
અધ્યાત્મનો વ્યામોહ, સ્વ-પર અહિત થવામાં, એક અસાધારણ નિમિત્ત / કારણ છે. જીવની બાહ્યદૃષ્ટિથી ઉપજેલી આ એક અનોખી વિકૃતિ છે; જેથી જીવને શુષ્કતા, સ્વેચ્છાચારીપણું (સ્વચ્છંદતા), અથવા ઉન્મતપ્રલાપદશા ઉત્પન્ન થાય છે. લોકસંજ્ઞા તીવ્ર થતાં, અસ્વાભાવિક (કૃત્રિમ) અધ્યાત્મપ્રધાનતા કરવાનું બને છે. અને જીવ જે અધ્યાત્મિક વિષયથી દર્શનમોહનો ઉપશમ કરી શકે, તે વિષયનો અંચળો ઓઢી, દર્શનમોહની વૃદ્ધિ કરીને ગૃહિત મિથ્યાત્વ સુધી ચાલ્યો જાય છે. અનેક અન્યમતો (છે તે) આ પ્રકારના પ્રગટ દૃષ્ટાંતો છે; તેમ જ જૈન-માર્ગમાં પણ વિભિન્ન સંપ્રદાયો થવામાં, કેટલાક કારણોમાં આ પણ એક કારણ રહ્યું હોય, તેમ દેખાય છે. ૐ નિરાકાર, નિર્વિકલ્પ, અનંતગુણમય, અધ્યાત્મતત્ત્વ આત્મા છે, તેનું અંતરમાં યથાર્થ અવલંબનથી ધ્યાન થાય છે; પરંતુ તથારૂપ દૃષ્ટિ સાધ્ય થયા વિના, પ્રાયઃ બાહ્યદૃષ્ટિએ તેનો વ્યામોહ થવાની સંભાવના હોવાથી, જૈનમાર્ગમાં સાકાર ભગવાનના સ્વરૂપના આલંબનથી ભક્તિ / ભાવના પ્રધાન દશા થવાથી શુષ્કતાઆદિ દોષો થતા નથી, અને આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણોને ભજે છે; તેથી (જીવ) અધ્યાત્મના વ્યામોહથી જીવ બચી જાય છે. આમ સ્થાપના (ભગવાનની પ્રતિમાની)નો એક ગંભીર હેતુ માલૂમ પડે છે. તેથી અનાદિ પરંપરામાં કાર્યપદ્ધતિમાં પારમાર્થિક હેતુનું રક્ષણ કરવામાં (આ રીતે) આવેલ છે. જે કોઈપણ બહાના તળે નિષેધ્ય નથી. વિવાદને યોગ્ય પણ નથી. (૪૦૦)
અતિ પુરુષાર્થવંત, આત્મ-રસથી તરબોળ વૃત્તિવાન ધર્માત્મા, પરમાર્થમાર્ગનો ઉપદેશ માટેની બાહ્યવૃત્તિ અને પ્રસંગમાં પણ નીરસ થઈ જાય; સહજ વાણી મૌનપણું ભજે; કહેવા / લખવાની વૃત્તિ સંક્ષેપ થઈ જાય / ગોપવાઈ જાય; દેહના અસ્તિત્વનું વિસ્મરણ થઈ જાય; આદિ પ્રકાર / લક્ષણ ‘નિશ્ચય-ભાવના' ના છે. આ બળવાન વીતરાગી અસંગભાવ છે. આવા મહાત્મા સહજપણે સર્વસંગ પરિત્યાગ કરી, નિગ્રંથપદમાં નિકટ ભવિષ્યમાં જ બિરાજમાન થાય છે વા થઈ શકવા યોગ્ય છે. જેમની મૌન મુખમુદ્રા પણ બોધનું કારણ થાય છે. આ વીતરાગી ગંભીરતા પ્રશસ્તભાવે સ્તવન કરવા યોગ્ય છે.
(૩૦૧)
વર્તમાનમાં આયુ અલ્પ છે, આયુના સદ્ભાવમાં પણ શરીર પ્રાયઃ અશાતા ભોગવવાનું જ સાધન બને છે; ગમે તેટલી શરીરની સાવધાની / માવજત કરવાં છતાં પણ રોગાદિ ઉપદ્રવ થયા જ કરે છે; અને પૂર્વકર્મ પ્રમાણે તે હોય છે, વર્તમાન પ્રયત્નથી, તેનાથી (પૂર્વકર્મથી) બચી શકાતું નથી. એવી સ્થિતિમાં કાયાને મોક્ષમાર્ગમાં ખપાવી દેતાં (કાયાથી ઉપેક્ષિત થઈને પુરુષાર્થને મોક્ષમાર્ગ પ્રતિ યોજવામાં આવે તો) જો પરમશુદ્ધ ચૈતન્યઘન અવિનાશી નિઃશ્રેયસપદની પ્રાપ્તિ થતી હોય તો ફૂટી કોડીના બદલામાં ચિંતામણી રત્નથી પણ અધિક લાભ થયો, તેમ સમજવા યોગ્ય છે.
(૪૦૨)