________________
અનુભવ સંજીવની
-
૭૯
ડિસેમ્બર - ૧૯૮૮
મુમુક્ષુજીવને સહજ પુરુષાર્થ ઉત્પન્ન થવાના કારણભૂત, પુરુષાર્થ કરવાની ભાવના તીવ્ર ભાવના અવશ્ય હોય છે. જેમ જ્ઞાન પ્રાપ્તિ માટે પૂર્વભૂમિકામાં જિજ્ઞાસા અવશ્ય હોય છે. તેમ એક ન્યાયે આવા યથાર્થ કારણમાં કાર્યાંશનો ઉપચાર પણ કરવામાં આવે છે. જે પૂર્વ - ઉત્તર પરિણામની સંધિરૂપે છે. આ પ્રકારે જ સ્વરૂપ પ્રાપ્તિની અંતરની ભાવના, સ્વાનુભવરૂપે ફળે છે. તોપણ તેમાં વિકલ્પ પરલક્ષ નથી, તેમ જાણવું.
(૨૭૮)
જ્ઞાનની યથાર્થતા, સમ્યજ્ઞાન થવામાં કારણ છે. અયથાર્થજ્ઞાન મિથ્યાજ્ઞાનરૂપે પરિણમે છે. તેથી મુમુક્ષુ જીવે સમજણની ભૂમિકામાં યથાર્થ - અયથાર્થતાના દૃષ્ટિકોણપૂર્વક જ્ઞાનમાર્ગમાં પ્રવર્તવું યોગ્ય છે.
(૨૭૯)
*
નિર્વિકલ્પ સૂક્ષ્મ આત્મસ્વરૂપ અને તેનો નિર્વિકલ્પ અનુભવ અવક્તવ્ય હોવાથી, તેમ જ માત્ર અનુભવગમ્ય હોવાથી, તેનો ઉપદેશ મહાન અનુભવી ગુરુ-જ્ઞાની દ્વારા જ મળી શકે છે. તેમની વાણીમાં પણ સંકેતરૂપે સૂક્ષ્મભાવો પ્રકાશિત થાય છે. બીજાની વાણીમાં, અનુભવ રહિતપણાને લીધે - તે સૂક્ષ્મતા પ્રકાશિત થવાનો સંભવ નથી. કારણ કે બીજાઓ તેથી અજાણ છે. તેમનું વિચાર - વિકલ્પાત્મક જ્ઞાન પણ સ્થૂળ છે. સ્વભાવની સૂક્ષ્મતાથી દૂર છે. તેમ સમજવા યોગ્ય
છે.
(૨૮૦)
પરરુચિ - અનાત્મરુચિ જેમ અવિવેક જ્વરને ઉત્પન્ન કરે છે, તેમ સ્વસન્મુખ થવાની શક્તિને નિઃસત્વ-હીનસત્વ કરે છે. તેથી સંશી હોવા છતાં અને પરલક્ષીશાનમાં ખ્યાલ (અંતર્મુખ થવાથી આત્મોપલબ્ધિ થશે, બહિર્મુખ ભાવમાં નહિ થાય, તેવો ખ્યાલ) આવવા છતાં, પરરુચિને લીધે જીવ સ્વરૂપ સન્મુખ થઈ શકતો નથી. જ્યારે સ્વભાવની રુચિમાં સહજ સન્મુખતા પ્રાપ્ત થવા યોગ્ય હોય છે.
(૨૮૧)
*
વર્તમાન પંચમકાળ હોવા છતાં, આ જ ભવમાં પૂર્ણતા પામવા માટે જેના પુરુષાર્થમાં જોર ઉછળતું હોય,—સહજપણે—તેવા મહાત્મા પ્રાયઃ એકાવતારી હોવા સંભવે છે. કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી અને પુરુષાર્થમૂર્તિ પૂ. નિહાલચંદ્રજી સોગાનીજી આ પ્રકારના ઉદાહરણ સ્વરૂપ લેખી શકાય. બન્ને ધર્માત્માઓના વચનો આજે પણ ઉક્ત લક્ષણની પ્રતીતિ કરાવે છે. તે સૌ આત્માર્થીને પુરુષાર્થની પ્રેરણાનું કારણ છે. (૨૮૨)