________________
પ્રવચન-૧૩]
[ ૬૯ ભગવાન ચૈતન્યપ્રભુ ! તારા ચૈતન્યહીરામાં કેવળજ્ઞાન ચમકે છે જેમાં રાગના એક વિકલ્પને ગ્રહણ કરવારૂપ કાલિમા નથી. સિદ્ધ ભગવાન રાગને ગ્રહણ કરતાં નથી એ તો પર્યાયની વાત થઈ. આ તો દ્રવ્યસ્વભાવમાં પણ રાગ રહિત સિદ્ધ સમાન પોતાના આત્માનું ધ્યાન કરો.
અનાદિથી રાગની જાળમાં પ્રભુ ગુમ થઈ ગયો છે. હવે તું સ્વભાવને ગ્રહણ કર તો રાગ ગુમ થઈ જાય.
શ્રીમદ્ કહે છે ને ! “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય”, કરવું કાંઈ નથી. સમજવું એ જ ક્રિયા છે. “સદ્દગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય” પોતે સમજે તો ગુરુને નિમિત્ત કહેવાય. પણ અજ્ઞાનીની આજ્ઞા તો નિમિત્ત પણ ન થાય.
યોગસારમાં પણ છે ને ! “સર્વ જીવ છે જ્ઞાનમય, જાણે સમતાભાવ.” સર્વ જીવ જ્ઞાનમય વસ્તુ છે. જ્ઞાન એ આત્માનો મુખ્ય ધર્મ છે. તેની સાથે બીજા ધર્મો ભલે હો પણ, જ્ઞાન એ પ્રધાન ધર્મ છે. આત્મા જ્ઞાનમય છે. કર્મમય તો આત્મા નથી પણ રાગાદિ વિકલ્પથી પણ આત્મા તન્મય નથી-ભિન્ન છે. દયા-દાનના શુભ વિકલ્પ તો આસવ તત્ત્વ છે. ભગવાન જ્ઞાયક તત્ત્વમાં તેનો પ્રવેશ જ નથી.
અરે ! દીકરો રતન જેવો પાક્યો હોય અને કોઈ વખાણ કરે તો કેવો રાજી થાય છે ! તો આ તો પોતાના ભગવાન આત્માના વખાણ થાય છે તે સાંભળીને તેને રાજીપો નથી થતો ! સાળાની વહુના વખાણ સાંભળતા પણ તને પોરહ ચડે છે અને નિજ ભગવાનની મહિમા કરતાં તને રાજીપો નથી આવતો ? વિકારની મહિમા ખસતી નથી અને સ્વભાવની મહિમા આવતી નથી, તો તો તું પરની ખુશીથી ખુશી છો. તારા સ્વભાવની મહિનામાં તારું વીર્ય કેમ ઊછળતું નથી?
સંસાર અવસ્થામાં શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી બધાં જીવો શક્તિરૂપે પરમાત્મા છે. જો શક્તિરૂપે પરમાત્મા ન હોય તો પ્રગટ પરમાત્મા કયાંથી થાય? લીંડીપીપરમાં અંદર ચોસઠ પહોરી તીખાશ પડી છે તો તેને ઘૂટવાથી પ્રગટ થાય છે. તેમ દરેક આત્મામાં પરમાત્મશક્તિ પડી છે તો અનંત જ્ઞાન દર્શનાદિ પર્યાયમાં પ્રગટ થાય છે.
ચૌદ બ્રહ્માંડરૂપી ગોદામમાં અનંત આત્મારૂપી કોથળા અનંત જ્ઞાનાદિશક્તિથી ભર્યા છે. નિગોદમાં રહેલા હોય તો પણ જીવ છે ને ! કીડીમાં પણ જીવ છે ને ! એ બધાં અનંત શક્તિથી ભરપૂર છે. ક્ષેત્ર નાનું હોવાથી ભાવ પણ નાનો ન હોય. ભગવાન આત્માને અલ્પજ્ઞ અને અલ્પશક્તિવાળો માને છે તેણે પોતાની દૃષ્ટિમાં ચૈતન્યની મહિમાનો નાશ કરી દીધો છે.
અરે ! એને આ વાત કેમ બેસે? એક જરી દાળ બરાબર ન થઈ હોય ત્યાં માથું