________________
૬૮ )
[ ઘરમાકાશ પ્રવચનો
જગતમાં નથી. સિદ્ધ ભગવાન શુદ્ધ, બુદ્ધ, એક સ્વભાવરૂપ થાય છે. શુદ્ધ-રાગાદિ રહિત બુદ્ધ-પૂર્ણ જ્ઞાનપરિણતિ સહિત એકરૂપ અભેદદશા થઈ ગઈ છે. એવો જ આત્માનો સ્વભાવ છે તે ધ્યાન કરવા યોગ્ય છે.
ભાઈ ! આત્મા કોણ છે તેની તને કિંમત નથી. કોડી માટે આત્મા વેચી નાખ્યો છે. એક પુણ્યનો વિકલ્પ આવ્યો તેમાં જ જાણે સર્વસ્વ. અરે મૂઢ! એક રાગની મંદતાના શુભ વિકલ્પમાં આખો આત્મા તો તું ખોઈ બેઠો.
અહો ! જેણે આત્માની કિંમત કરી છે એવા સંતમુનિઓ મનુષ્યના વસવાટમાંથી તો ચાલ્યા ગયા પણ જ્યાં મનુષ્યનો પગરવ હોય ત્યાં પણ અમારું સ્થાન નહિ. મોટા રાજાઓ કે ચક્રવર્તીના રાજકુમારો પણ દીક્ષા લઈને આમ એકાંતમાં ચાલી નીકળે છે. જુઓને ! રામના પુત્રો લવ અને કુશ. કાકાના મૃત્યુથી થયેલી પિતાજીની પાગલ અવસ્થા જોઈને વૈરાગ્ય પામે છે. અરે આ સંસાર ! આ પદ્દમણી જેવી રાણીઓમાં અરે ! અમે કયાં પડ્યા છીએ, અમારું અસંખ્ય પ્રદેશ સ્થાન શોધવામાં આ વિકલ્પો અમને રોકે છે. પિતાજી ! અમને રજા આપો.
છ ખંડના ધણી ચક્રવર્તી રાજા પણ જ્યારે વૈરાગ્ય પામે છે ત્યારે ૯૬૦૦૦ રાણી અને ચક્રવર્તીનો વૈભવ જેમ બળખો છોડી દે તેમ છોડીને, ભૂતને દેખીને માણસ ભાગે એમ સંસાર છોડીને ભાગે છે. અરે ! આ ભર્યા ઘર અને ગરમાગરમ ભાત-ભાતના ભોજન છોડીને તમે ક્યાં જશો? અરે ! પર તરફના વિકલ્પમાં અમારું અતીન્દ્રિય આનંદમય જીવન લૂંટાય છે. એ અમને હવે પોસાય તેમ નથી. મડદાને ઠાઠડીમાં નાખીને સ્મશાનમાં લઈ જાય છે તેમ અમે જગતથી ઉદાસ–મડદા થઈને અમારી મેળે અમે જંગલમાં ચાલ્યા જઈએ છીએ. અમારા ચિદાનંદ પરમાત્મા અમારી દષ્ટિમાં આવ્યા છે તેને શોધવા અમે ચાલી નીકળીએ છીએ. સ્વરૂપને શોધે તે સાધુ છે, બાકી બધાં બાવા છે. *
બેહદ જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ પોતાના સ્વભાવને કદી છોડતી નથી અને જે ભાવે તીર્થકરગોત્ર બંધાય એવા ઉત્કૃષ્ટ શુભભાવને પણ વસ્તુ ગ્રહતી નથી. આવી વસ્તુને દૃષ્ટિમાં લેવી તે ધર્મ છે. બાકી બધી ધર્મને નામે ચાલતી વાતો જગતને ઠગવા માટે છે.
પરમાત્મા કેવા છે? અનંત જ્ઞાનાદિરૂપ પોતાના ભાવોને કદી છોડતા નથી અને કામ-ક્રોધાદિરૂપ પરભાવોને કદી ગ્રહણ કરતાં નથી. ત્રણકાળ, ત્રણલોકની બધી ચીજોને માત્ર જાણે છે–કેવલ જાણે છે. “કેવલ” કેમ કહ્યું કે કોઈ જાતના વિકલ્પના ઉત્થાન વિના માત્ર જાણે છે–બિલકુલ રાગની અપેક્ષા વિના જાણે છે. તેમ ભગવાન આત્મા કેવલ જાણવા-દેખવાના સ્વભાવવાળો છે. રાગાદિ વિકલ્પરહિત માત્ર જાણનારા–દેખનાર છે. તેની કિંમત કર ભાઈ ! બેખબરો ન થા.