________________
પ્રવચન-૧૩ /
[ ૬૭
આખો ભગવાન આત્મા ગુમ થઈ ગયો છે. એની નજરમાં શરીર, વાણી, સંયોગ અને પુણ્ય-પાપના ભાવ દેખાય છે પણ તેનાથી ભિન્ન પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન નજરમાં આવતો નથી. તેને કહે છે પ્રભુ ! તું તારી ઓળખાણ કર ! તારી કિંમત કર. પુણ્ય–પાપની કિંમત કરી તેમાં તો તું ચોરાશીના અવતારમાં અનંતકાળમાં દુઃખ પામ્યો. પોતાની પોતાને ખબર નથી અને પરની ખબર કાઢવા નીકળી પડ્યો.
આચાર્ય મહારાજ કહે છે ભગવાન ! આ ભાવ તો ભવના અભાવ માટે છે, તેમાં તું વિકારનું સેવન કરે છે તો તારા ભવની વૃદ્ધિ થાય છે. શું આ મનુષ્યભવ આ માટે છે? નરક-નિગોદમાં ભવ કરતાં કરતાં માંડ આ ૫૦-૬૦ વર્ષનો મનુષ્યભવનો કાળ મળ્યો છે.
એક શેઠ ગાતાં હતાં “વાલીડા મારા ટાણા રે આવ્યા તારા કામનાજી, મનુષ્યદેહના ટાણા રે વાલીડા ફરી નહિ મળે રે જી.” આ ભવ દેહ, ધન, ભોગ, કુટુંબ અને દેશની સંભાળ માટે નથી મળ્યો ભાઈ ! કોઈ કોઈની સંભાળ કરી શકતું નથી. તારે તો તારા આત્માની સંભાળ કરવી એ કરવાનું છે.
સત્ નામ શાશ્વત જ્ઞાનાનંદ, પરિપૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ શાંતિનો ભંડાર ભર્યો છે તેનું કદી લક્ષ કર્યું નહિ, વાત સાંભળી નહિ, વિશ્વાસ કર્યો નહિ અને બહારમાં ધર્મના નામે વ્રત, પૂજા, ભક્તિ, દાનાદિ કરીને કલ્યાણ માની લીધું પણ ભાઈ! એ રાગ છે–વિકાર છે, આત્માના કલ્યાણનું કારણ નથી.
ઘરમાં આઠ માણસ હોય, રાત્રે આઠ ખાટલા પાથર્યો હોય, તેમાં એક ખાલી કેમ ? આઠમી વ્યક્તિને શોધવા નીકળી પડે છે. પણ ભલા? તું કોણ છો? તું તને તો શોધ. તારી સુધ બુધ બધી ખોવાઈ ગઈ છે તેને પહેલાં શોધ. પરની શોધમાં તો તે અનંત કાળ વીતાવ્યો.
ઇન્દ્રિયનું કે દેવનું સુંદર શરીર આત્માને સુખનું કારણ નથી, દયા, દાનાદિના ઊંચા શુભભાવ પણ જીવને સુખ-શાંતિનું કારણ નથી, કેમ કે તે આત્મામાં નથી. આત્માને શાંતિનું કારણ તો પોતાના “ચેતનરૂપ અનૂપ અમૂરત, સિદ્ધ સમાન સદા પદ મેરી.” એવા શાંતરૂપ અને શિવસ્વરૂપ, પરમાનંદ પરિણત સિદ્ધ સમાન પોતાના સ્વરૂપનું ધ્યાન કરવું તે એક જ શાંતિનું કારણ છે.
અરે ! નિજસ્વરૂપની કિંમત નહિ અને પુય–પાપ આદિની કિંમત કરે છે તે કદી સંયોગથી છૂટશે નહિ. ભવપરિભ્રમણથી કયારેય નહિ છૂટે.
અનંતકાળના પરિભ્રમણમાં માંડ આ મનુષ્યભવનો થોડો કાળ આત્માની શોધ માટે મળ્યો છે. ભગવાન આત્માની શોધ કરે તે સિદ્ધ થયા વિના રહેતો નથી.
સિદ્ધ પરમાત્મા જ શિવરૂપ અને શાંતિરૂપ છે. બાકી કોઈ જગતકર્તા શિવ આ