________________
૬૦ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો હે શિષ્ય ! તું રાગાદિ વિકલ્પ અને મિથ્યા શ્રદ્ધાથી રહિત થઈને સર્વ વિભાવની લાગણી છોડી તારા સ્વભાવને જાણ ત્યારે ભગવાનનું પૂર્ણસ્વરૂપ તને જણાય. આ શરત છે.
- પૂર્ણ પરમાત્મદશા પ્રગટ કરી છે એવા પરમાત્માને તો વિકલ્પ, વાસના, કર્મ કે શરીર આદિ કાંઈ નથી તો એવા નિર્વિકાર પરમાત્માને જાણવા માટે શિષ્યની પાત્રતા કેવી હોવી જોઈએ ? કે પરમાત્માને વિકલ્પ આદિનો સર્વથા અભાવ થયો છે તો શિષ્યને ભલે પર્યાયમાં રાગાદિનો સંબંધ હોય પણ દૃષ્ટિમાં તેનો ત્યાગ થઈ જવો જોઈએ. દેષ્ટિમાં કર્મ, શરીર, રાગાદિથી જુદો પડી જાય તે જીવ પરમાત્માને ઓળખી શકે. પરમાત્માને તો રાગાદિનું નિમિત્ત પણ નથી રહ્યું પણ શિષ્યને રાગ, કર્મ, આદિનું નિમિત્ત હોવા છતાં હું વર્તમાનમાં જ તે સર્વ ભાવોથી રહિત છું–મારો સ્વભાવ શુદ્ધ છે એમ જાણે ત્યારે તેના જ્ઞાનમાં પરમાત્મા જણાય. વિભાવથી રહિત નિર્મળ જ્ઞાનની પર્યાયથી આત્માને જાણે ત્યારે પરમાત્માને જાણ્યા કહેવાય.
કેવળજ્ઞાનાદિ ગુણયુક્ત પરમાત્મા જ ધ્યાન કરવા લાયક છે. પરમાત્માનું ધ્યાન કરવું એનો અર્થ એ કે પૂર્ણાનંદસ્વરૂપ પોતાના આત્માનું ધ્યાન કરવું. જેવી પરમાત્મદશા ભગવાનને પ્રગટ કરી છે એવી દશા મારે પણ પ્રગટ કરવી છે એવો ભાવ સ્વભાવ તરફ ઢળે ત્યારે જ પરમાત્માનું ધ્યાન થયું કહેવાય.
જુઓ ! “નમો અરિહંતાણં' ને જાણવા હોય તો આમ જાણ એમ કહ્યું છે. પ્રવચનસારની ૮૦મી ગાથામાં કહ્યું છે ને, અરિહંતના દ્રવ્ય, ગુણ અને પર્યાયને જાણીને આત્મા સાથે તેને મેળવે–રાગ અને શરીરનો આશ્રય છોડી નિજસ્વભાવનો આશ્રય કરે ત્યારે પરમાત્મા અંતરમાં બિરાજમાન થાય.
જગતમાં પૂર્ણ જ્ઞાન આનંદસ્વરૂપ પરમાત્માનું અસ્તિત્વ છે એમ જ્યાં નક્કી કરવા જાય ત્યાં પ્રથમ વિભાવ અને શરીર વિનાની આત્મસત્તાનો સ્વીકાર થાય ત્યારે જ પરમાત્માનો સ્વીકાર થાય. ત્યારે જ પરમાત્માનું જ્ઞાન થયું કહેવાય.
પૂર્ણ જ્ઞાન, પૂર્ણ દર્શન, પૂર્ણ શાંતિ, પૂર્ણ વિર્ય એવા અનંતા ગુણોની પૂર્ણ પર્યાય જેણે પ્રગટ કરી છે–શક્તિને વ્યક્ત કરી છે એવા પરમાત્માનું જ્ઞાન અને ધ્યાન કયારે થાય કે વિભાવ અને શરીર રહિત ચૈતન્યશરીરી નિજ આત્મા તરફ ઢળે, તેનું જ્ઞાન અને ધ્યાન કરે ત્યારે પરમાત્માનું ધ્યાન થાય.
પરમાત્માનું ધ્યાન કરનારે જ્ઞાનાવરણાદિ સમસ્ત કર્મ ત્યાગવા લાયક છે, સમસ્ત પદ્રવ્ય ત્યાગવા લાયક છે અને એક પૂર્ણાનંદસ્વરૂપ વસ્તુ જ આદરવા લાયક છે એવો અનુભવ જ્યારે થાય ત્યારે પરમાત્માની મહાસત્તાનો સ્વીકાર, જ્ઞાન અને ધ્યાન થયું કહેવાય. પોતાના દ્રવ્યપરમાત્માનું જ્ઞાન અને ધ્યાન થાય ત્યારે પર પરમાત્માનું જ્ઞાન અને ધ્યાન થાય.