________________
પ્રવચન-૧૨ )
/ ૬૧
આ ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ પૂરું થયું. ભગવાન આત્માના પૂર્ણ શુદ્ધ ચૈતન્યસ્વરૂપને ન જાણતો અલ્પજ્ઞપર્યાયને અને રાગ, નિમિત્તાદિને જ પોતાનું સ્વરૂપ માની રહ્યો છે તે મૂઢ બહિરાત્મા છે. તેનો બધો પુરુષાર્થ ઉલટો છે, અને જેનો પુરુષાર્થ સુલટો થયો છે–જે વિચક્ષણ છે તે અંતરાત્મા છે, જેણે દૃષ્ટિ અને જ્ઞાનમાં પોતાના ચૈતન્ય પૂર્ણાનંદ સ્વભાવને લીધો છે તેને વિચક્ષણ અને ડાહ્યો કહેવાય. બાકી વેપારમાં હોશિયાર હોય કે લોકોમાં ડહાપણવાળા ગણાતાં હોય એ કોઈ ડાહ્યા નથી.
આવા અંતરાત્મા જ પરમાત્માનું ધ્યાન યથાર્થ કરે છે. જેણે શુદ્ધતાનો અંશ પ્રગટ કર્યો છે તે પૂર્ણ શુદ્ધતાને જાણી શકે છે. અહો ! પૂર્ણ પર્યાયને પ્રગટ કરનારા ભગવાન આવા હોય.
હવે મુક્તિને પ્રાપ્ત થયા એવા પરમાત્માનું દશ દોહામાં વ્યાખ્યાન કરે છે. પહેલાં ત્રણ પ્રકારના આત્મામાં પરમાત્માનું સ્વરૂપ વર્ણવ્યું. હવે એકલાં સિદ્ધ પરમાત્માની વાત કરે છે.
કાલે વાત થઈ હતી કે ઉપદેશકે કોને કેવો ઉપદેશ આપવો જોઈએ તેની વાત હતી. જે નિશ્ચયની વાત સમજી શકે તેમ ન હોય તેને કષાય મંદ કરવાનો અને ભક્તિ-પૂજાનો ઉપદેશ અપાય પણ જે લોકો તેમાં જ ધર્મ માનીને બેઠાં હોય તેને એવો ઉપદેશ ન અપાય. જેને વ્યવહારનો આગ્રહ હોય તે વ્યવહારનો ઉપદેશ ગ્રહણ કરશે તો તેનું મિથ્યાત્વ વધારે પુષ્ટ થશે અને નિશ્ચયાભાસીને વ્યવહારનો ઉપદેશ નહિ મળે તો એ એકદમ શુષ્ક થઈ જૈશે, વૈરાગ્યશન્ય થઈ જશે. માટે જેને જેનો આગ્રહ હોય તેનાથી વિરુદ્ધ ઉપદેશ હોય તે ગ્રહણ કરવો. નિશ્ચયનો ગ્રહ હોય તેણે વૈરાગ્યનો અને અંતરથી ઉદાસ થવાનો ઉપદેશ ગ્રહણ કરવો. ઉપદેશક તો સમ્યગ્દષ્ટિ હોય; તેને જ ઉપદેશ કેવો અપાય તેની ખબર છે. સમ્યગ્દષ્ટિ, મુનિઓ, સંતો આવો ઉપદેશ આપે છે એમ ત્યાં (મોક્ષમાર્ગપ્રકાશકમાં) લખ્યું છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને અનુસાર જ તેની વાણી આવે.
નિશ્ચયદષ્ટિ ન થાય ત્યાં સુધી પૂજા, ભક્તિ, બ્રહ્મચર્ય, દયા, દાનાદિનો ભાવ ન હોય એમ ન હોય. નિશ્ચય અનુભવ વિના પણ એવા ભાવો હોય છે, પણ જે તેને જ પકડીને બેઠા છે તેને વ્યવહારનો ઉપદેશ ન અપાય. તેને તો એવો જ ઉપદેશ અપાય કે શુદ્ધાત્મસ્વભાવની દૃષ્ટિ વિના તારો ઉદ્ધાર નથી.
હવે અહીં પાંચ દોહામાં હરિ–હરાદિ મોટા પુરુષો મન સ્થિર કરીને જે પરમાત્માનું ધ્યાન કરે છે તેનું હે શિષ્ય ! તું પણ ધ્યાન કર એમ કહે છે.
જગતમાં જે મહાપુરુષો કહેવાય એવા હરિ–હરાદિ પણ જે સિદ્ધદશાને પ્રાપ્ત પરમાત્માનું ધ્યાન કરે છે તે પરમાત્માનું તું પણ ધ્યાન કર ! પરમાત્મા જ ધ્યાન કરવા લાયક છે.