________________
૫૮ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
વ્રત–તપાદિ કરતાં હોય કે બોલતાં સારું આવડતું હોય તેને પંડિત માને છે. વિકાર આત્મા ન કરે, નિમિત્તથી થાય એવી સ્થૂલ ભૂલમાં જે પડ્યા છે—જેનું જાણપણું ક્ષયોપશમજ્ઞાન એટલું પણ સત્ય પકડી શકતું નથી કે વિકાર પરથી ન થાય, પોતાથી જ થાય, આવા સત્ય જ્ઞાન રહિત જીવોને લોકો મોટા પંડિત માની બેસે છે.
૧૩મી ગાથામાં બહિરાત્માની વાત કરી, ૧૪મી ગાથામાં અંતરાત્માની વાત કરી હવે ૧૫મી ગાથામાં મુનિરાજ પરમાત્માનું સ્વરૂપ કહે છે.
જેણે દૃષ્ટિમાંથી તો બધાં પરદ્રવ્યને છોડી દીધા હતાં પણ હવે જેણે અસ્થિરતાથી સંબંધ હતો તે પણ છોડીને પોતાનું કેવળજ્ઞાનમય સ્વરૂપ પર્યાયમાં પ્રાપ્ત કરી લીધું છે તે પરમાત્મા છે.
આ કોઈ સંપ્રદાયની વાત નથી, વસ્તુસ્થિતિની વાત છે. પૂર્ણાનંદના નાથ ઉપર દૃષ્ટિ કરીને, સ્વરૂપમાં સ્થિર થતાં જેની અશુદ્ધિનો સર્વથા નાશ થાય અને નિમિત્તરૂપે રહેલાં જ્ઞાનાવરણ આદિ કર્મોનો નાશ થાય તે પરમાત્મા થાય છે.
અંતરાત્માને શુદ્ધસ્વભાવનો સંબંધ થયો છે પણ પૂર્ણ સંબંધ થયો નથી કેમ કે પર્યાયમાં હજુ શરીર, કર્મ, વિકાર, આદિ સાથે સંબંધ છે તે સંબંધ પરમાત્માને સર્વથા છૂટી જાય છે અને શુદ્ધ આત્મસ્વરૂપ સાથે સંબંધ પૂર્ણ થઈ જાય છે, તેથી પર્યાયમાં પરમાત્મદશા પ્રગટ થઈ જાય છે.
જે વસ્તુનું સ્વરૂપ છે તેમાં તર્ક ન હોઇ શકે. મારે શુદ્ધ થવું છે એવો અંદરથી ભાવ જાગે ત્યાં બધાં પ્રશ્નોનો ઉકેલ આવી જાય છે. શુદ્ધતા કરવી છે તો પર્યાયમાં અશુદ્ધતા છે, તેનું નિમિત્ત છે, પૂર્ણ શુદ્ધ સ્વભાવ હોય તો શુદ્ધતા થઈ શકે આવી દૃષ્ટિ અને જ્ઞાન કર્યા વગર શુદ્ધતાનું સાધન થઈ શકતું નથી.