________________
પ્રવચન-૯ ]
૪૭
વાણી આદિમાં ફેરફાર કરવો તે ભગવાનના દ્રવ્ય-ગુણમાં તો નથી પણ પર્યાયમાં પણ એ કાર્ય કરવાની શક્તિ નથી.
ભાઈ! હવે તું આવી બહિરાત્મબુદ્ધિ છોડી, અંતરાત્મપણા દ્વારા પરમાત્માનું સાધન કર ! સ્વભાવ કેવો છે?—કે એકલો જ્ઞાનથી પૂર્ણ, અકષાય, વિકલ્પ વિનાનો, ભાષા વિનાનો, વીતરાગસ્વરૂપ નિજ ભગવાન આત્મા છે તેને સ્વસંવેદનમાં પ્રાપ્ત કર !
તારે તો તારા આત્માનું જ્ઞાન કરવાનું છે તેમાં દુનિયા રાજી થાય કે ન થાય તેનાથી તને શું લાભ? રાજી થાય કે ન થાય એ તો પરદ્રવ્યનું એનું પોતાનું પરિણમન છે, તેનાથી તને લાભ-નુકશાન કાંઈ નથી. માટે તેનું લક્ષ છોડ અને “સ્વજ્ઞાનેન' શબ્દ (ગાથામાં) છે એટલે કે સ્વસંવેદનજ્ઞાનથી આત્માનું જ્ઞાન કર /
અરે ! અનંતકાળમાં માંડ...માંડ મનુષ્ય થયો, તેમાં માંડ સંજ્ઞીપણું અને આ તત્ત્વ મળ્યું. તો સંસારમાંથી ભાગીને છૂટવાનો કાળ આવ્યો છે, ત્યારે તું ચોંટીને પડ્યો છે. જેનાથી છૂટવાનું છે, તેને જ પકડીને બેઠો છો ભાઈ ! એ તારી કેવી અવળાઈ ! કેવી બહિરાત્મબુદ્ધિ! ભાઈ! હવે આ મૂઢબુદ્ધિ છોડ અને જ્ઞાનસ્વભાવને અપનાવી લે. બોલવું, ચાલવું, વિકલ્પ કરવા, બીજાથી રાજી થવું એ કાંઈ તારાં સ્વરૂપમાં નથી. તું તો માત્ર જ્ઞાનસ્વરૂપી છો તેનું સ્વસંવેદન જ્ઞાન પ્રગટ કર /
જ્ઞાન જેનું રૂપ છે, એવા જ્ઞાયકને જાણ. શરીરનું રૂપ અને સ્વરૂપ જેનામાં નથી, વાણીનું રૂપ અને સ્વરૂપ જેનામાં નથી, પુણ્ય-પાપના વિકલ્પનું રૂપ અને સ્વરૂપ જેનામાં નથી. માત્ર જ્ઞાન જેનું રૂપ અને સ્વરૂપ છે, એવા વીતરાગ જ્ઞાનમય આત્માનું જ્ઞાન કર અને ધ્યાન કર ! તેમાં જ વારંવાર એકાગ્ર થવા લાયક છે,
અહીં શિષ્યનો પ્રશ્ન હતો કે સ્વસંવેદન જ્ઞાનને વીતરાગ' વિશેષણ કેમ આપ્યું? પોતાથી પોતાને જાણવો તેમાં ‘વીતરાગ' શબ્દ કેમ મૂક્યો છે? સ્વસંવેદનજ્ઞાન થાય તે તો રાગ રહિત જ હોય ને! શિષ્યના આ પ્રશ્નનો ખુલાસો હવે પછી આવશે.