________________
પ્રવચન-૯ ]
| ૪૩
યુવાન રાજકુમારે સળગતી ભઠ્ઠીમાં નાખે તો જેવું દુ:ખ થાય તેનાથી અનંતગુણા દુ:ખ દેવાવાળી આ ચાર ગતિના દુઃખ અને કષાયની આકુળતાનો જેને ભય છે. અનંતકાળ તો આવા દુ:ખમાં વીતાવ્યો પણ હવે તેનાથી ડર્યા છે. જેમ અગ્નિથી માણસ ડરે તેમ આ શ્રોતાઓ આકુળતાથી ડરે છે. જે વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન સખરૂપી અમૃતથી વિપરીત નરકાદિ ચાર ગતિઓના દુઃખથી ભયભીત છે. ચારેય ગતિમાં શુભાશુભ વિકલ્પની જાળ જ દુઃખરૂપ છે—એમ જેને લાગે છે એવા શ્રોતાની વાત છે.
અહીં દુઃખ એટલે પ્રતિકૂળતાની વાત નથી. દુ:ખ એટલે કષાયનો વિકા૨ીભાવ એ જ દુઃખદાયક છે. આત્માની શાંતિનો લૂંટારો છે. સ્ત્રી, પુત્ર, પરિવાર, અનુકૂળ પ્રતિકૂળ સામગ્રી પ્રત્યેના પોતાના કષાયભાવની જ્વાળાથી ધર્મી ભયભીત થયા છે. અરે ! તીર્થંકરો પણ જે ચારગતિના દુઃખની આકુળતાથી ડર્યા તેનાથી જે ન ડરે એ તો મહા ભડ–સુભટ કહેવાય. અહીં તો ચોરાશી લાખ યોનીના ભયંકર દુઃખથી ભયભીત થયેલાં પાત્ર શ્રોતાને શ્રીગુરુ ઉત્તર આપે છે.
શ્રોતા માત્ર સાંભળવા ખાતર, શોખ ખાતર કે સાંભળીને બીજાને સમજાવવા માટે પ્રશ્ન પૂછતાં ન હતાં પણ દુઃખથી ભયભીત થઈને તેનાથી છૂટવા અને સુખામૃતને પામવાની ઉત્કૃષ્ટ ભાવનાથી પૂછે છે.
હું પ્રશ્ન કરું તો બધાંને એમ થાય કે આ કાંઈક વાંચન–વિચાર કરતો લાગે છે, રુચિવાળો છે, કેવો જિજ્ઞાસુ છે, એવું દુનિયા પાસેથી માન મેળવવા માટે આ શિષ્ય પ્રશ્ન પૂછતો નથી. શરીરના દુઃખથી કંટાળ્યો છે એમ પણ નથી પણ સ્વભાવના શાંત રસમાંથી નીકળી વિકલ્પમાં આવવું અને ચાર ગતિમાં રઝળપાટ કરવી એ દુઃખ છે, તેનાથી ભયભીત થઈને છૂટવા માગે છે, તેથી છૂટવાનો ઉપાય પૂછે છે.
આમ જુઓ તો ચક્રવર્તી રાજ્યમાં, ઇન્દ્રાણી જેવી ૯૬૦૦૦ રાણીના વૃંદમાં, મણિરતનનાં મહેલમાં બેઠો હોય તોપણ અંદરથી એ કષાય-અગ્નિના દુઃખથી ભયભીત છે. કષાય–અગ્નિની પાછળ અંદરમાં શાંતરસનો ગોળો છે તેમાં જવા માટે, શાંતિ પ્રગટ કરવા માટે તે પ્રયત્ન કરે છે. જેમ મોટો કાળો નાગ દેખે ત્યાં માણસ કેવો ભાગે ! તેમ, ધર્મી પુણ્ય-પાપના વિકારીભાવને કાળા નાગ જેવા દેખે છે તેથી તેનાથી ભાગે છે. ત્યાં રસ લેવા ઊભા રહેતાં નથી. પૂર્વના પુણ્યને લઈને ધર્મની બહારમાં અનુકૂળ સામગ્રી મળી હોય કે પાપના ઉદયથી પ્રતિકૂળતા હોય પણ ધર્મી તે બંનેથી ઉદાસ છે.
જેનો પ્રેમરસ એક ભગવાન આત્મા તરફ રેડાયો છે અને પુણ્ય-પાપની આકુળતાથી જે ભાગ્યા છે, એવા શ્રોતાઓએ પૂર્વે ભગવાનને પ્રશ્ન કર્યા હતાં અને ભગવાનને તેના ઉત્તર દીધાં હતા. આહાહા...! શ્રોતાની કેવી ભૂમિકા આમાં સ્થાપી છે !