________________
૫૧૮
* [ પરમાત્મપ્રકાશ પ્રવચનો અને જો તેને સર્વદર્શિ-સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્માનો ભરોસો આવ્યો, તો ત્યાં રાગનું કે પુણ્યનું કર્તુત્વ ઊભું નહિ રહી શકે. એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે તેમ જ્ઞાતાપણું અને રાગનું કર્તાપણું સાથે રહી શકતું નથી.
અહો ! એ આચાર્યપદનો કાળ, એ પ્રસંગે કલ્યાણકાળ. કહેવાય. આખા “ભરતક્ષેત્રમાં ધુરંધર આચાર્ય છે' એવા શબ્દો વિદેહક્ષેત્રમાં સીમંધરભગવાનના મુખેથી નીકળ્યા એ કાંઈ સામાન્ય વાત છે! કેવળીના મુખેથી જેના માટે વાણી આવે તેને બીજું શું જોઈએ ! ચક્રવર્તી ભગવાનને પૂછે છે–પ્રભુ ! આ કોણ છે? ત્યારે ત્રિલોકીનાથ સીમંધરભગવાનની વાણીમાં આવ્યું કે આ ભરતક્ષેત્રના પ્રવર (પ્રધાન) આચાર્ય છે. આહાહા....!'
એવા એ આચાર્યદેવ કહે છે કે પુણ્યના પરિણામનું કામ સર્વજ્ઞપર્યાયને ન સોંપાય. ચક્રવર્તીને ઝાડું કાઢવાનું કામ ન સોંપાય. જેમ કોઈ માણસ ઉપર ચક્રવર્તી ખુશ થઈને કહે કે, માગ ! માગ ! ત્યારે પહેલાએ એમ ન કહેવાય કે મારા ઘરમાં બાર મહિનાથી કચરો ભર્યો છે તો સાહેબ ! વાસીદુ કાઢી નાખો. જેના ઘરે દાસના દાસને દાસ હોય એને એવા કામ સોંપાય ! અરે ! એની તો દાસી એવી હોય કે, હાથેથી હીરાનું ચૂર્ણ કરીને ચક્રવર્તીને ચાંદલો કરે, તેને વાસીદાના કામ ન સોંપાય. એમ સર્વજ્ઞ અને સર્વદર્શિ પ્રભુ ભગવાન આત્માના ભાનવાળા જીવને રાગ કરવાનું કામ ન સોંપાય. તેને રાગ આવે છે પણ કર્તા થતાં નથી. માત્ર જાણે છે. વ્યવહારને જાણે છે પણ નિશ્ચયમાં વ્યવહારને એકમેક કરી દેતાં નથી.
ચૈતન્યપ્રભુ તરફ જેના વલણ થયા તેને હવે રાગ તરફ વલણ ન હોય. એ વ્યવહારને કરે નહિ. નિશ્ચયજ્ઞાન છે તે વ્યવહારને કરે નહિ અને વ્યવહારને કરે તે જ્ઞાન નિશ્ચય રહે નહિ. કારણ કે એક મ્યાનમાં બે તલવાર રહે નહિ. તેમ જ્ઞાતાપણું અને રાગનું કર્તાપણું એ બંને પરસ્પર વિરુદ્ધ હોવાથી સાથે રહે નહિ. એ વાત જ આ ગાથામાં સિદ્ધ કરવી છે. તર્કથી નક્કી કરો તોપણ એ જ વાત સિદ્ધ થાય છે. નિશ્ચય અને વ્યવહાર બે છે કે એક?—બે છે તો બે ને બેપણ રાખો તે જ યથાર્થ છે. બંનેને એક કરી નાંખો તો બે ક્યાં રહ્યા? નિશ્ચયમાં વ્યવહાર વસી જ ન શકે.
ચાલતાં અધિકારમાં ગાથામાં ભાવાર્થમાં કહે છે કે ચિત્તમાં બ્રહ્મ-વિદ્યા એટલે કે આનંદમૂર્તિ આત્માનું ભાન અને વિષય-વિનોદ એટલે રાગની એકત્વબુદ્ધિ–રાગનો પ્રેમ એ બંને સાથે ન રહી શકે. જ્યાં જ્ઞાનમૂર્તિ સર્વજ્ઞસ્વભાવીને શ્રદ્ધામાં વસાવ્યો અને જ્ઞાનમાં સર્વત્તને વસાવ્યા ત્યાં વિકારનો પ્રવેશ ન હોઈ શકે અને વિષય-વિકારની વાસના જ્યાં વસે છે ત્યાં ભગવાન આત્માનું જ્ઞાન ન હોઈ શકે. જ્યાં રાગની વાસનામાં રંગાયેલું ચિત્ત છે, તે ભલે પુણ્યની વાસના હોય પણ તેના રંગે રંગાયેલા ચિત્તમાં બ્રહ્મસ્વરૂપ આત્માનું જ્ઞાન થઈ શકતું નથી અને વસી શકતું નથી. કારણ કે બ્રહ્મ-વિદ્યા અને વાસનાને પરસ્પર વિરોધ છે.