________________
૫૧૨ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
જ્ઞાન થયું છે. એ અતીન્દ્રિય સ્વાદના લોલુપી સમ્યગ્દષ્ટિને સ્ત્રી આદિ વિષયોમાં લોલુપતા ન હોય. તેનો અર્થ એવો નથી કે સ્ત્રીને છોડી દે પણ સ્ત્રી હોવા છતાં તેને વિષયની વાસનાનો પ્રેમ ન હોય.
જેને શ્રી આદિ વિષયો પ્રત્યેની વાસનાનો પ્રેમ છે તેને નિર્વિકારી ભગવાન આત્માનો અને તેના અનાકુળ આનંદનો પ્રેમ નથી અને જેણે ભગવાન પૂર્ણ અનાકુળ આનંદના નાથને શેય બનાવ્યો છે તેના હૃદયમાં તો એ નાથ વસે છે. તેને વિષયોનો પ્રેમ હોતો નથી.
જેના જ્ઞાનમાં આત્મા વસ્યો છે તેને રાગના ભોગકાળે પણ શ્રદ્ધા-જ્ઞાનમાંથી આત્મા ખસતો નથી. અને અજ્ઞાની કદાચ ધર્મના નામે બાહ્યક્રિયા કરવામાં પડ્યો હોય પણ તેના જ્ઞાનમાં એક ક્ષણ પણ ભગવાન આત્મા વસ્યો નથી. તેના જ્ઞાનમાં તો વિકલ્પ અને રાગ જ વસેલાં છે.
જે ભોગની આસક્તિમાં અર્પાઈ ગયો છે તેના શ્રદ્ધા જ્ઞાનમાં વીતરાગ ચિદાનંદ સ્વરૂપ કેવી રીતે આવે ! હજારો રાણીઓને છોડીને બેઠો હોય પણ જેના રાગમાં વિષય વસેલો છે તેના રાગમાં સ્રી વસેલી છે. ભગવાન આત્મા તેના રાગમાં ન આવે, એ તો રાગથી પૃથક્ થઈને અરાગી શ્રદ્ધા-જ્ઞાનમાં આત્માને વસાવે તો એ નિર્મળ જ્ઞાનમાં ભગવાન આવે, રાગમાં ભગવાન કદી ન આવે.
રાગનો પણ આદર હોય અને ચૈતન્યનો પણ આદર હોય એમ બે જાતનો રાગ એક સાથે રહી શકતો નથી. જેમ એક મ્યાનમાં બે તલવાર સમાતી નથી તેમ રાગની રુચિમાં રોકાયેલાને ભગવાન આત્માની રુચિ તો નહિ થાય પણ તેનો વિચાર સુદ્ધાં આવતો નથી.
આમ હે પ્રભાકર ભટ્ટ તું વિચાર કર ! બહુ ખેદની વાત છે કે એક મ્યાનમાં બે તલવાર સમાઈ શકતી નથી. જ્યાં ભગવાન વસે ત્યાં રાગ કેમ હોય! અને જ્યાં રાગ વસ્યો છે ત્યાં ભગવાન કેમ હોય !
આ સમ્યગ્દષ્ટિથી માંડીને બધાં જ્ઞાનીની વાત છે. ચોથા ગુણસ્થાનથી જ જ્ઞાનીના જ્ઞાનમાં આત્મા વસી જાય છે તેને રાગાદિ ભાવ થાય છે પણ તે દૃષ્ટિમાં વસતાં નથી. કેમ કે તેની દૃષ્ટિમાં રાગને રહેવા માટે સ્થાન જ હોતું નથી. દૃષ્ટિમાં એક પૂર્ણાનંદના નાથનું જ સ્થાન છે. રાગના પ્રેમમાં આત્મા વસતો નથી અને આત્માના પ્રેમમાં રાગ વસતો નથી.
આમ કહીને, આચાર્યદેવે ભગવાન આત્માની પ્રાપ્તિનું માહાત્મ્ય બતાવ્યું છે. અંતરદૃષ્ટિ થતાં જ રાગનો પ્રેમ છૂટી જાય છે.
*