________________
5
પ્રવચન-૭૫ ]
[ ૫૧૧
તેને વિકલ્પની મમતા તોડીને સમ્યક્-શ્રદ્ધા-જ્ઞાનમાં દેખવો તેનું નામ જ ધર્મ છે. વીતરાગ માર્ગમાં આ સિવાય બીજો કોઈ ધર્મ નથી.
અરે ! એને એમ થાય છે કે આમાં વ્યવહારનો લોપ થાય છે પણ બાપુ ! વ્યવહારનો લોપ થશે તો જ નિશ્ચય પ્રગટશે. નિશ્ચય પ્રગટ્યા વિના તેને વ્યવહાર કહેવાતો પણ નથી. વ્યવહાર ઘટતો જાય અને સ્થિરતા વધતી જાય ત્યારે જ ધર્મની વૃદ્ધિ થાય છે. પણ અરે ! જગતને પીરસણા મળ્યાં ઘણાં પણ ઊંધા મળ્યાં તેથી સત્ય વસ્તુ શું છે એ દૃષ્ટિમાં આવવી મુશ્કેલ પડે છે.
મેઘથી ઢંકાયેલો સૂર્ય દેખાતો નથી, તેમ રાગાદિથી મલિન ચિત્તમાં ભગવાન આત્મા દેખાતો જ નથી. જો રાગમાંથી એકતા તોડે અને ભગવાન આત્મામાં આદરપૂર્વક એકતા કરે તો પ્રભુના દર્શન થાય, શ્રદ્ધામાં આખો જ્ઞાનસૂર્ય આવી જાય અને જ્ઞાનમાં પણ આત્મા આવો છે એવું જ્ઞાન થઈ જાય છે. આવી શ્રદ્ધા-જ્ઞાનની પર્યાયને ધર્મ કહે છે. એ સિવાય સામાયિક લઈને બેસી જવું કે પોષા કરવા કે ૯૯ જાત્રા કરવી એ કોઈ ધર્મ નથી તેમાં તો શુભભાવ હોય એટલું પુણ્ય બંધાય પણ સંવર-નિર્જરા ન થાય. જે પુણ્ય-પાપથી રહિત સંબંધ સ્વરૂપ ભગવાનને લક્ષમાં લે તેને રાગરહિત શ્રદ્ધા-જ્ઞાન થાય છે તે જીવ જ્યારે સ્વરૂપમાં સ્થિર થાય ત્યારે તેને સામાયિક કહેવાય છે. જેને હજુ વિષયોનો રસ છે—તેમાં જ લીન છે તેને તો નિજપરમાત્માના દર્શન પણ થતાં નથી એ વાત હવે ૧૨૧મી ગાથામાં કહે છે.
ગાથાર્થ ઃ—જે પુરુષના ચિત્તમાં મૃગના સમાન નેત્રવાળી સ્ત્રી વસી રહી છે તેને પોતાના શુદ્ધાત્માનો વિચાર હોતો નથી. એમ હે પ્રભાકર ભટ્ટ ! તું તારાં મનમાં વિચાર કર. એક મ્યાનમાં બે તલવાર રહી શકે જ નહિ. ૧૨૧.
જગતમાં અજ્ઞાનીઓને સ્ત્રીનો પ્રેમ વિશેષ હોય છે તેથી આચાર્યદેવ આ વિષયનું નામ લઈને કહ્યું છે. ભગવાન આત્માનો ભોગ લેવાનું છોડીને એકલા સ્ત્રીના ભોગની આસક્તિમાં એકાકાર થઈને પડ્યો હોય તેને એ આસક્તિના અંધકારમાં ચૈતન્ય ક્યાંથી દેખાય ! જેના હૃદયમાં સ્ત્રીઓ અને રાગ વસ્યો છે તેને ભગવાન આત્માનો વિચાર પણ આવતો નથી તે આત્માને વિષય તો ક્યાંથી બનાવે ! વિષય બનાવવો એટલે કે આત્માને લક્ષમાં લેવો એ કામ અજ્ઞાની વિષયીથી થઈ શકતું નથી.
પ્રશ્ન થાય કે સમ્યગ્દષ્ટિને પણ સ્ત્રી તો હોય છે ને !–હા. સ્ત્રી હોય છે પણ તેની દૃષ્ટિમાં સ્ત્રી વસી નથી, તેના જ્ઞાનમાં રાગ વસ્યો નથી, તેની દૃષ્ટિ અને જ્ઞાનમાં તો ભગવાન વસેલાં છે. સમ્યગ્દષ્ટિ ચક્રવર્તી ૯૬,૦૦૦ રાણીના વૃંદમાં બેઠા હોય પણ તેના હૃદયમાં સ્ત્રી વસેલી નથી અને સ્ત્રી પ્રત્યેનો અશુભરાગ છે પણ તેમાં એ પોતાનું અસ્તિત્વ માનતો નથી. જેને અતીન્દ્રિય આનંદના સ્વાદ આવ્યા છે તેને વિષયોમાં સ્વાદ ક્યાંથી આવે ! સમ્યગ્દષ્ટિના જ્ઞાનમાં ચૈતન્ય ભાસ્યો છે એટલું જ નહિ પણ, અનાકુળ આનંદના સ્વાદ સહિત ચૈતન્યનું