________________
૫૧૦ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
કેવલિ પ્રરૂપિત ધર્મ જ શરણ છે, મંગલ છે અને ઉત્તમ છે એમ રોજ માંગલિક બોલી જવાથી માંગલિક થતું નથી. કેવલિ પ્રરૂપિત ધર્મ શું છે તેને પહેલાં જાણ તો ખરો ! પણ અજ્ઞાનીને એ કાંઈ જાણવું નથી તેને તો સવારમાં માંગલિક બોલીને દુકાન ખોલીએ તો દુકાન સારી ચાલે, ઘરમાં બધી અનુકૂળતા રહે એવી આશાઓ પડી હોય છે. આ બધા મિથ્યાશ્રદ્ધાના લક્ષણ છે. આ મળે તે મળે એવી ભાવના છે પણ ભગવાન કેમ મળે તેની ખબર નથી અને તેની ભાવના પણ નથી.
અનંતગુણનો પિંડ આત્મા સર્વજ્ઞ પરમેશ્વરે જેવો જોયો છે તેવો શ્રદ્ધામાં લેવો, તેમાં એકતા કરવી અને પુણ્ય-પાપની એકતા તોડવી તેનું નામ ધર્મ છે. તે વીતરાગી પર્યાય છે. વીતરાગ સ્વભાવ જ્ઞાનમાં જણાયો તે જ્ઞાન ધર્મ છે. જે શ્રદ્ધામાં આત્મા પ્રતીતમાં આવ્યો તે શ્રદ્ધા સમ્યગ્દર્શનરૂપ ધર્મ છે અને જેટલાં અંશે આત્મામાં ઠર્યો એટલા અંશે તે ચારિત્રરૂપ ધર્મ છે. કેવળી પણતો ધમ્મો આ છે. સંપ્રદાયમાં આ વાત જ નથી. ગાડી પાટેથી ઉતરી ગઈ છે અને ગાડી ચાલે છે એમ માને છે પણ ચાલીને ક્યાં જાય છે એ જો તો ખરો ! દિશા બદલાવવાની જરૂર છે તેની તો તેને ખબર નથી.
યોગીન્દ્રદેવ પણ મહાન સંત થઈ ગયા, છઠ્ઠા-સાતમા ગુણસ્થાને ઝૂલતાં ઝૂલતાં વિકલ્પ આવ્યો અંતે આવા શાસ્ત્રો લખાઈ ગયા છે, આગળ ૧૨૨મી ગાથામાં તેમને ભગવાન યોગીન્દ્રદેવ કહ્યા છે.
હંસ ક્યાં વસે છે !—કે માનસરોવરમાં. તેમ ભગવાન આત્મા ક્યાં વસે છે ! —કે નિર્મળ જ્ઞાનપર્યાયમાં ભગવાન આત્મા વસે છે. હંસ કોઈ નદી કે દરિયામાં વસતા નથી એ તો જ્યાં મોતી પાકતા હોય એવા માનસરોવરમાં જ વસે છે કેમ કે હંસને મોતીનો ચારો જ જોઈએ છે તે કાંઈ જુવાર કે બાજરાના ચારા ચરતાં નથી. રેતી અને દાણાને જુદા પાડી હંસ મોતીને જ મોઢામાં લે છે. તેની ચાંચમાં જ મોતી ઓગળીને પેટમાં જાય છે. તેમ ધર્મી રૂપી હંસલા ચૈતન્યના માનસરોવરમાં જ વસે છે કે જ્યાં શાંતિ અને આનંદનું વેદન થાય છે. સભ્યશ્રદ્ધા-જ્ઞાન દ્વારા ધર્મી આવા માનસરોવરના મોતીને ચરે છે. ધર્મી પુણ્ય-પાપના ચારાને ચરતાં નથી.
અજ્ઞાનરૂપી કાગડાં માંસ જેવા પાપના ચારાં ચરે છે. પરમાનંદની મૂર્તિની શ્રદ્ધા-જ્ઞાનના ચારાને છોડી પુણ્ય-પાપને સેવે છે. રાતના છાણ પડ્યું હોય તેમાં જીવાંત થઈ ગઈ હોય તેને કાગડાં સવારે ચાંચથી અંદરથી જીવડા ગોતીને ખાતા હોય છે તેમ પૂર્ણાનંદ અને શાંતિના સરોવરની શ્રદ્ધા છોડીને અજ્ઞાની એકલાં પુણ્ય-પાપ અને શરીર તે જ હું એવી મિથ્યા માન્યતાના ભાવમાં અજ્ઞાનીને એકલા રાગ-દ્વેષનો જ ખોરાક હોય છે.
અહીં કહે છે કે કામ-ક્રોધાદિ અને રાગ-દ્વેષાદિ વિકલ્પ જાળોથી ઢંકાયેલો આત્મા દેખાતો નથી. પરમાત્મા હાજરાહજૂર બિરાજે છે છતાં વિકલ્પની આડમાં તે દેખાતો નથી'