________________
પ્રવચન-૭૫ /
[ ૫૯ પુણ્ય-પાપથી મલિન ચિત્તમાં નિર્મળાનંદ પ્રભુનો પ્રકાશ ક્યાંથી દેખાય ! પ્રભુ એટલે આત્મા પોતે, અહીં બીજાં પ્રભુની વાત નથી. ચૈતન્ય પોતે જ દેવ છે, રાગની એકતાથી રંગાયેલા ચિત્તમાં વીતરાગી ચૈતન્યના દર્શન ક્યાંથી થાય ! ન જ થાય. જેમ દર્પણ મેલું હોય તો તેમાં મુખ દેખાતું નથી તેમ જેનું હૃદય રાગરૂપી મેલથી મેલું છે તેને નિર્મળ એવો આત્મા રાગમાં દેખાતો નથી. એમ નિઃશંક સમજો. સંદેહ રહિત નક્કી કર કે રાગથી મલિન મનમાં આત્મા દેખાય જ નહિ અને રાગથી રહિત નિર્મળ મનમાં ભગવાન આત્મા દેખાયા વિના રહે જ નહિ એમ નિભ્રતિ થા.
ભાવાર્થ યોગીન્દ્રદેવ એમ ઉપદેશ છે કે જેમ સહસ્ત્ર કિરણોથી શોભિત સૂર્ય આકાશમાં પ્રત્યક્ષ દેખાય છે પરંતુ મેઘસમૂહથી ઢંકાયેલાં આકાશમાં સૂર્ય દેખાતો નથી તેમ, કેવળજ્ઞાનાદિ અનંત ગુણરૂપ કિરણોથી લોકાલોકને પ્રકાશવાવાળો ચૈતન્યસૂર્ય આ દેહરૂપી ઘટમાં શક્તિરૂપે બિરાજમાન હોવા છતાં કામ-ક્રોધાદિ રાગ-દ્વેષ ભાવોસ્વરૂપ વિકલ્પજાળરૂપ વાદળોથી ઢંકાયેલો હોવાથી દેખાતો નથી.
ભગવાન આત્મા તો સ્વભાવથી જ જાણનાર–દેખનાર છે તેથી લોકાલોક હો કે ગમે તે હો તે જ્ઞાનમાં જણાય છે. આ તો શેયનું માપ બતાવ્યું કે ત્રણકાળ ત્રણલોકરૂપ શેયને આત્મા એક સમયમાં જ્ઞાનમાં જાણી લે એવો જ જ્ઞાનનો સ્વભાવ છે. આવો સ્વભાવવાન આત્મા ક્યારે છે અને ક્યાં છે?—કે ચૈતન્યસૂર્ય ભગવાન આત્મા અત્યારે જ આ દેહરૂપી ઘટમાં બિરાજે છે–વિદ્યમાન જ છે. દેહમાં પણ દેહથી તદ્દન ભિન્ન....તદ્દન ભિન્ન ભગવાન અંદરમાં બિરાજે છે તેમાં વર્તમાનમાં કેવળજ્ઞાનની પર્યાય પ્રગટરૂપ નથી પણ કેવળજ્ઞાન થાય એવી શક્તિ અત્યારે જ અંદરમાં રહેલી છે.
જેમ અબરખમાં હજારપૂટ થવાનું સામર્થ્ય છે તેમ, આત્મામાં અનંત જ્ઞાન, આનંદ, અનંત વીર્યનું સામર્થ્ય રહેલું છે. આવો નિજશુદ્ધાત્મરૂપ પરમ જ્યોતિ ચિતૂપ સૂર્ય સાક્ષાત્ "અસ્તિ ધરાવતો હોવા છતાં બહિર્મુખી લાગણીના મેલમાં આ ભગવાન દેખાતો નથી.
જુઓ ! કેવળજ્ઞાનાવરણી પ્રકૃતિના કારણે જ્ઞાનસૂર્ય દેખાતો નથી એમ ન કહ્યું, પણ પોતે જ ઊંધો પડ્યો છે તેથી વિકારની એકાગ્રતામાં જ્ઞાનસૂર્ય દેખાતો નથી. વાદળમાં સૂર્ય દેખાતો નથી તેમ રાગાદિ વિકારની એકાગ્રતામાં ભગવાન સૂર્યના દર્શન થતાં નથી તો કોઈ એમ કહે કે આત્મા દેખાય કે ન દેખાય પણ અમારે તો ધર્મ કરવો છે ભાઈ ! આત્માને દેખવો તે જ ધર્મ છે. અખંડાનંદ પ્રભુ આત્મા રાગમાં એકાકાર થઈને રહે છે એ જે તેની અધર્મદશા છે. અધર્મ ક્યાંય બહારમાં હોતો નથી. અનંત ગુણના પુંજને દૃષ્ટિમાં ન લેતાં, એકલા રાગ-દ્વેષમાં એકાકાર થઈને રહેવું એ જ તેની અધર્મદશા છે. હવે જો તેને ધર્મ કરવો હોય તો રાગની એકાકારતા છોડીને ત્રિકાળી જ્ઞાનાનંદ ભગવાનમાં એકતાબુદ્ધ 'કરતાં તેને નિર્મળ શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિ પ્રગટ થાય તેને “ધર્મ કહેવામાં આવે છે.