________________
૭૩૮ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
વિભાવથી રહિત છે. કેવળજ્ઞાનના કંદ એવા આત્માને આહારની ઇચ્છારૂપ સંજ્ઞા નથી. આત્મા તો સં+ન્ન એટલે સમ્યજ્ઞાન સ્વરૂપ છે. આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા એ ચારેય સંજ્ઞાથી રહિત એવું આત્મસ્વરૂપ શુદ્ધ છે. જે આહાર આદિની ગૃદ્ધિથી રહિત છે એવો આત્મા મારે સાંભળવો છે. પ્રભુ ! જે નિર્ભય કિલ્લામાં રહેલો છે, જેની પાસે પૂર્ણાનંદનું વજ્ર છે, તેને પછી ભય શેનો હોય ? એવો નિર્ભય ચૈતન્યમૂર્તિ આત્મા મારે સાંભળવો છે.
ભગવાન આત્મા સંયોગીચીજની મજાના રાગ વિનાનો મૈથુનસંજ્ઞા રહિત જ્ઞાનબિંબ છે. ઇન્દ્રાણી કે પટરાણીના રાગમાં રોકાઈ જાય એ આત્માની શોભા નથી. ચૈતન્યપ્રભુ એવા રાગ વિનાની વસ્તુ છે. અહા ! જેના વખાણ કેવળીની વાણીમાં પણ પૂરા ન આવે એ ચૈતન્ય હીરલો કેવો છે? એ મારે જોવો છે.
ચૈતન્ય હીરલો પરિગ્રહ સંજ્ઞાથી પણ રહિત છે, એટલે ગમે તેવાં મોટા ઇન્દ્ર ચક્રવર્તીના વૈભવમાં પણ આ ઠીક છે—એમ કરીને તેમાં રોકાય જાય એવો આત્મા નથી. ચાર સંજ્ઞા એ તો આકુળતાના દુઃખરૂપ અગ્નિના ભડકા છે. ભગવાન આત્મા તેનાથી રહિત છે, એવા ભગવાન આત્માનું સ્વરૂપ મારે સમજવું છે.
ભગવાન આત્મા અસંખ્ય પ્રકારના વિભાવભાવોથી રહિત છે તથા વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન થયેલાં પરમાનંદ—સુખામૃતથી જેનું હૃદય સંતુષ્ટ થયું છે, એવા નિકટ ભવ્ય જીવોને ચારગતિ ભ્રમણથી છોડાવનારો છે. જેમ ભૂખ ખૂબ લાગી હોય અને ઘરમાં પકવાન કે દૂધપાક જેવી ભાવતી વસ્તુ બનતી હોય તો કેવી લગની હોય કે ક્યારે દૂધપાક થાય ને ક્યારે ખાઉં અને પેટ ભરીને સંતુષ્ટ થાઉં? તેમ, જેને ચારગતિના દુઃખનો થાક લાગ્યો હોય અને પરમાનંદનો તરસ્યો હોય એવા નિકટ ભવ્ય જીવોના ચારગતિના ભ્રમણનો નાશ કરે એવું આત્મસ્વરૂપ છે તેને પ્રાપ્ત કરવા માટે જિજ્ઞાસુને કેટલી લગની હોય !
પરમાત્મા જન્મ-જરા-મરણના દુઃખનો નાશક છે. પર્યાયમાં આખો સંસાર ઊભો થયો છે તેનો ઉત્પાદક શુદ્ધ આત્મા નથી, શુદ્ધાત્મા તો તેનો નાશક છે.
જે મહામુનિઓ નિજસ્વરૂપમાં એકાકાર-લીન થાય છે તેને ભગવાન આત્મા નિર્વાણ દેવાવાળો છે પ૨મ સમાધિમાં લીન મુનિઓને તત્કાળ કેવળજ્ઞાન અને મુક્તિ પ્રાપ્ત થાય છે.
આમ, સર્વ રીતે આ આત્મા જ ધ્યાવવા યોગ્ય છે. જે ચાર પ્રકારની સંજ્ઞા અને સર્વ વિભાવથી રહિત છે, નિર્વિકલ્પ દૃષ્ટિવંતને જે પરમાનંદસુખામૃત અનુભવમાં આવ્યું તેના દ્વારા ચારગતિભ્રમણનો નાશ કરવાવાળો છે અને મહામુનિઓને નિર્વાણ દેનારો છે. એવો આ આત્મા જ સર્વ પ્રકારે ધ્યાન કરવા યોગ્ય છે.
શિષ્ય કહે છે પ્રભુ ! આવા આ આત્માનું સ્વરૂપ હું આપની કૃપાથી સાંભળવા