________________
૪૯ર )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો શ્રોતા –વધારે પૈસાવાળા તો વધારે દુઃખી છે.
પૂજ્ય ગુરુદેવશ્રી –વધારે પૈસાથી દુઃખી છે એમ નથી પણ વધારે ચિંતાથી તે વધુ દુઃખી છે. કોઈને પૈસા આદિ વધુ હોય પણ ચિંતા થોડી હોય અને કોઈને ચિંતા વધુ હોય. આમ, ચિંતાથી દુઃખનું પ્રમાણ છે. પૈસા સાથે દુખનું પ્રમાણ નથી. સંયોગથી દુઃખનું પ્રમાણ નથી પણ ભાવ ઉપર દુઃખનું પ્રમાણ છે.
પહેલાં એમ કહ્યું હતું કે ખોટાં ધ્યાનને છોડ એ ખોટા ધ્યાનને શાસ્ત્રમાં “અપધ્યાન કહ્યું છે. અપધ્યાનનું લક્ષણ એ છે કે “વશ્વવધેર્યારિ” દ્વેષથી પરને મારવા, બાંધવા, છેદવાનું ચિંતવન કરવું કે રાગથી પરસ્ત્રી આદિનું ચિંતવન કરવું તેને નિર્મળ બુદ્ધિવાળા પુરુષો જિનશાસનમાં અપધ્યાન' કહે છે. પરને મારા....મારા માનીને રાગ કરવો કે તેનાથી વિરુદ્ધ ઉપર દ્વેષ કરવો તે બધું અપધ્યાન જ છે.
અજ્ઞાન જીવને જ્યાં રાગ છે ત્યાં અહા ! આ બધાં મારા છે એમ થાય છે પણ જે તારા હોય તે તારાથી જુદા કેમ રહે ! તારી ચીજ તારાથી જુદી ન પડે અને જે તારા નથી તે તારા થાય નહિ એ વાત એ સમજતો નથી તેથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એમ બે પ્રકારના ધ્યાન અજ્ઞાની કરે છે. તેથી કહ્યું કે અજ્ઞાનીને પણ ધ્યાન કરતાં તો આવડે છે પણ તે ખોટા ધ્યાન—દુર્ગતિના કારણ થાય તેવા ધ્યાન કરે છે.
સ્ત્રી, પુત્ર, પૈસા, મકાન, દુકાન, આબરૂ આદિ જે આત્માથી જુદી ચીજ છે તેમાં મમતા કરીને અજ્ઞાની રાગભાવથી તેની ચિંતા કરે છે તે આર્તધ્યાન છે અને તેનાથી પણ વિશેષ તીવ્ર પરિણામ થાય તે રૌદ્રધ્યાન છે. જેમ ઘાણીમાં તલ પીલાય તેમ, વિકલ્પની જાળમાં આત્માની શાંતિ પલાય છે માટે તે આર્તધ્યાન છે–દુઃખરૂપ ધ્યાન છે. અતીન્દ્રિય આનંદની મૂર્તિને વિકલ્પ ઊઠે તેમાં તેની ચૈતન્યની શાંતિનો ઘાત થાય છે, ચૈતન્યના આનંદપ્રાણનો ઘાત થાય છે. બીજાને મારું, છેદું, એવા ષના ભાવ કે આ સ્ત્રી, પુત્રાદિ મારા છે તેને પ્રેમથી સંભાળું એવા રાગના ભાવ એ બંને પાપભાવ છે, તેમાં ચૈતન્યની શાંતિનો ઘાત થાય છે પણ અજ્ઞાનીને પોતાના ઘાતની ખબર ન મળે....આંખો ઓડે વઈ જાય તો દેખાય નહિ એમ એને પોતાનો ઘાત દેખાતો નથી.
જેને જોવાનો છે તેને અનાદિથી જીવે જોયો નથી અને બીજાને જોવાની ચિંતામાં પડ્યો છે. કીડી-મકોડાથી માંડીને રાજા-મહારાજા બધાંની આ દશા છે. પણ પ્રભુ ! તારો દેવ મંદિરમાં કે પર્વતમાં નથી. તારા દેહદેવળની અંદર જ પ્રભુ બિરાજે છે તેને જો ને ! તું ચિંતાની જાળમાં સળગી રહ્યો છો પણ અંતરમાં પ્રભુ બિરાજે છે. આ રોગ મટતો નથી, છોકરો કમાતો નથી, દીકરીનું સગપણ થતું નથી.....એમ અનેક પ્રકારની ચિંતામાં સળગી રહ્યો છે તેની પાછળ જ પ્રભુ બિરાજે છે. આનંદકંદમૂર્તિ આત્મા પોતે જ છે પણ પોતાની એને ખબર નથી.