________________
પ્રવચન-૭૩ ]
/ ૪૯૧ ઓળખાણ કર! ઓળખાણ સહિત નિર્ણય થઈ જાય પછી અન્ય સર્વ ચિંતા છોડીને વિકલ્પો છોડીને, આત્મામાં દષ્ટિ લગાવીને તેનું ધ્યાન કર !
“સમ્યગ્દર્શન પણ સ્વરૂપની એકાગ્રતારૂપ ધ્યાન છે.'
આરાધવાયોગ્ય નિજપ્રભુનું ધ્યાન કર તો તને શાંતિ અને આનંદની પ્રાપ્તિ થશે. જે શાંતિ અને આનંદ ચક્રવર્તીના કે ઇન્દ્રના પદમાં નથી. ચક્રવર્તી અને ઇન્દ્રના પદમાં તો દુઃખની જ્વાળા સળગે છે. રાગ અને દ્વેષ બંનેમાં દુઃખની જ્વાળા છે તેમાં મૂઢ જીવ સળગી રહ્યો છે. રાગ-દ્વેષ-રાગ-દ્વેષની કલ્પનામાં મૂઢ સળગે છે અને માને છે કે અમે સુખી છીએ. અજ્ઞાની પાગલ થઈ ગયો છે. જ્યાં દુઃખ છે ત્યાં સુખ માને છે અને જ્યાં સુખ છે ત્યાં જોવાનો પ્રયત્ન પણ કરતો નથી તેને પાગલ ન કહે તો શું કહે !
પોતાનું સુખ કાંઈ નાનું નથી. અતીન્દ્રિય સુખનો મોટો પર્વત છે તેને જોવા માંગે તો કેમ ન દેખાય !
શ્રોતા અતીન્દ્રિય આનંદની વાત કરો છો પણ ચખાડો ને !
પૂજ્ય ગુરુદેવશ્રી ચખાડનાર કાંઈ જીભમાં મૂકવા આવે ! ચાખવાની તૈયારી તો પોતાની જોઈએ. સાકરની વાત સાંભળવાથી સાકરનો સ્વાદ ન આવે, સાકરનો સ્વાદ લેનારને જોવાથી સાકરનો સ્વાદ ન આવે, સાકરનો સ્વાદ પોતે લે તેને સ્વાદ આવે તેમ, આત્માની વ્યાખ્યા માત્ર સાંભળે તેને આત્માના સુખનો સ્વાદ ન આવે, આત્માનો સ્વાદ લેનારાને જોવાથી જોનારને આત્માના સુખનો સ્વાદ ન આવે પણ જે પોતે આત્માનું સ્વરૂપ ઓળખીને અનુભવે તેને આત્માના સુખનો સ્વાદ જરૂર આવે.
બાપુ ! અંદરમાં એકલા આનંદરસનો કંદ છે પણ એને એની શ્રદ્ધા પણ નથી. હું આવો મહાન છું એવો વિશ્વાસ જ નથી. હું તો પૈસાવાળો, આબરૂવાળો, રૂપાળો, વૈભવવાળો....એવો પોતાને માને છે અને એવી પોઝીશનમાં કાંઈક ફેર પડે પૈસામાં ખોટ જાય કે આંખ ચાલી જાય, આબરૂ ઓછી થઈ જાય તો શરમાય અને દુઃખી થાય..જ્ઞાનીને તો આ બધું ગાંડપણ લાગે છે. જે મારે નથી તેને મારું માને અને જે પોતાનું છે તેને મારું સ્વરૂપ માને નહિ તેનો શો ઉપાય !
અજ્ઞાની પરને પોતાનું કહ્યું છે તેથી પરમાં એટલે શરીરમાં કાંઈક તંદુરસ્તી આદિ હોય, સંયોગ સારા હોય તો સુખની કલ્પનામાં દુઃખી થાય અને જેને મારું માન્યું તેમાં કાંઈક ખરાબી થાય, શરીર બગડે, સ્ત્રી બગડે તોપણ દુઃખી થાય એમ અનુકૂળતા કે પ્રતિકૂળતા બંનેમાં અજ્ઞાની દુ:ખી જ થાય છે. એ ભલે ઇન્દ્રના ઇન્દ્રાસનમાં સુખ માને, મોટરોવાળાને સુખી માને પણ તેનું અંતર જુએ તો ખબર પડે કે ત્યાં-સુખ છે કે દુઃખ
છે.