________________
જ0 ]
| | ઘરમાકાશ પ્રવચનો અસંખ્યમા ભાગમાં ત્રણકાળ ત્રણલોક જણાય છે. તે જ્ઞાનમાં જોઈને ભગવાન કહે છે કે તું પણ મારી જેવડો છો ભાઈ ! તારામાં પણ અનંત જ્ઞાન અને અનંત આનંદ ભર્યો પડ્યો છે. આત્માનું ક્ષેત્ર ભલે નાનું હો પણ તેમાં અનંતજ્ઞાન અને આનંદરૂપે પરિણમવાનું સામર્થ્ય છે. માટે હે જીવ! તું ભોગોની વાંછારૂપ ખોટા ધ્યાનોને છોડીને, અત્યંત નિશ્ચિત થઈને, તારા ચિત્તને પરમાત્મસ્વરૂપમાં સ્થિર કર ! ત્યારપછી દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મરૂપ 'અંજનથી રહિત જે નિરંજનદેવ પરમ આરાધવાયોગ્ય નિજશુદ્ધાત્મા છે તેનું ધ્યાન કર !
શુભ-અશુભભાવ તે ભાવકર્મ છે, અંદરમાં આઠ કર્મની ધૂળ છે તે દ્રવ્યકર્મ છે તેને લક્ષમાંથી છોડી, નોકર્મરૂપ શરીરાદિનું પણ લક્ષ છોડી, આ ત્રણેય પ્રકારના અંજનથી રહિત જે નિરંજનદેવ પોતાની અંદર બિરાજમાન છે તેનું ધ્યાન કરવા યોગ્ય છે પણ આ જીવ કદી પરના મહાભ્યમાંથી નવરો થયો નથી. પોતાની અંતરમાં નજર કરીને અંદરના માહાભ્યને સેવવા કદી એણે અવકાશ જ લીધો નથી. સાંઢની જેમ અજ્ઞાનીએ અનાદિથી ઉકરડા ઉથામવાનું કામ કર્યું છે. શુભ-અશુભના વિકલ્પો કર્યા, બાકી એના હાથમાં કાંઈ આવ્યું નથી. વિકલ્પોની જાળમાં કરોળિયાની જેમ ફસાયો છે. તેને કરુણા કરીને ભગવાન કહે છે હવે તો સુખનો રસ્તો લે ! | તારા નિરંજનદેવમાં અંજન કેવા ! તારો ભગવાન આત્મા તો નિરંજનદેવ સ્વરૂપ છે. પુણ્ય-પાપના વિકલ્પો અને ચિંતા ઉઠે છે તે કાંઈ તારું તત્ત્વ નથી. એ તો મલિન એવું આસવતત્ત્વ છે. જે વડે નવા આવરણ આવે એવું એ આસ્રવતત્ત્વ છે. ચિંતા એ પણ અંજન છે–મેલ છે, તારું તત્ત્વ નથી. અહો ! તારું તત્ત્વ તો નિરંજનદેવ છે. તે તારી શ્રદ્ધામાં કેમ બેસે ! એ માટે ઉપાય કર !
અરે ! આ પ્રભુ કેવો રાંકો થયો છે. સવારમાં બાયું પોદળાં (પશુની વિઝ) વીણવાં નીકળે છે તો મોટો પોદળો જુએ ત્યાં રાજી થઈ જાય છે. પોદળાંનો ટોપલો ભરાય જાય ત્યાં રાજી-રાજી થઈ જાય છે તેમ મોટો ભિખારી (પૈસાવાળો) પાંચ-પચીસ લાખ રૂપિયા મળે ત્યાં રાજી રાજી થઈ જાય છે પણ ભાઈ એ બધાં પોદળાં છે–વિષ્ટા જ છે. તું કેવડો છો તેની તેને ખબર નથી પ્રભુ ! તારી વાત પણ તેં કદી સાંભળી નથી. ચિદાનંદપ્રભુ એવો આત્મદેવ તો નિરંજન છે. તેમાં કોઈ જાતના અંજન કહેતાં મલિનતા નથી અને ગુણનો પાર નથી એવો ચૈતન્યદેવ જ પરમ આરાધવા યોગ્ય છે.
દેવ-શાસ્ત્ર-ગુરુ આરાધ્ય છે પણ તે શુભરાગના કાળે આરાધવા યોગ્ય છે. અશુભથી બચવા શુભભાવમાં દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિ કરવા યોગ્ય છે પણ પરમ આરાધવા યોગ્ય દેવ તો ચૈતન્યદેવ જ છે. પ્રભુ ! તારા સ્વરૂપમાં જ પ્રભુતા અને પરમેશ્વરતા રહેલી છે તો જ તેમાંથી પ્રગટ થાય છે ને ! ન હોય તો ક્યાંથી આવે ! એમ પહેલાં વિચાર કર ! આત્મા આવો અનંત શક્તિવાળો હોઈ શકે કે નહિ તેનો સસમાગમ વડે પહેલાં નિર્ણય કર !