________________
પ્રવચન-૭૩ ]
[ ૪૮૯ સુખની સરખામણી નથી. તારો આત્મા તો કેવળજ્ઞાની પ્રભુ જેવો છે. ભગવાને જેવો
આત્મા જોયો અને અનુભવ્યો છેતેવો જ તારો આત્મા છે. તેને તું અંતરમાં દૃષ્ટિ લગાવીને 0 અનુભવ. આત્માનો અનુભવ જ ચારગતિના દુ:ખને મટાડવાનો ઉપાય છે. અને તે જ સત્ ચિદાનંદપ્રભુની પ્રાપ્તિનું કારણ છે.
ભાવાર્થમાં આત્માને “હંસ” ! કહીને સંબોધ્યો છે કેમ કે વિવેક કરવો છે ને ! જેમ હંસની ચાંચ અડતાં જ દૂધ અને પાણી જુદાં પડી જાય છે. પાણી પડ્યું રહે અને દૂધ તે પી જાય છે તેમ, હે હંસલા ! તારામાં પણ જ્ઞાનની વિવેક શક્તિ પડી છે તેનો ઉપયોગ કર ! એક તરફ ભોગો છે કે જેને તે પૂર્વે દેખેલાં છે, સાંભળેલાં છે અને ભોગવેલાં છે અને એક તરફ પરમાત્મસ્વરૂપ આત્મા છે. ભોગોની વાંછા તને દુઃખદાયક છે અને સત્ ચિદાનંદ પરમાત્મસ્વરૂપનો અનુભવ કરે તો તને સુખદાયક છે તેં કદી તેના ઉપર નજર કરી નથી. પ્રતીતિ કે અનુભવ કર્યો નથી. શુભ-અશુભની કલ્પના તો વિકલ્પના જાળ છે તેમાં ક્યાંય સુખ નથી, પાંચ ઇન્દ્રિયના ભોગોની કલ્પના એ પણ વિકારી દુઃખરૂપદશા છે. એ કાંઈ જીવના સ્વરૂપમાં નથી, નવી ઊભી કરેલી દુઃખરૂપદશા છે માટે તેની ઈચ્છાને છોડી, નિશ્ચિત થઈ નિજાત્માને ભજ!
અરે ! અનંતકાળે આવો મનુષ્યદેહ મળ્યો છે. તે જન્મ-મરણનો અભાવ કરવાનો કાળ છે માટે તું આત્માની ચિંતા તો કર ! બીજી ચિંતા છોડી દે ! ચિંતા એટલે આત્મામાં એકાગ્રતા કર ! એમ કહે છે. વિકલ્પની જાળથી નિશ્ચિત થા અને આત્મામાં એકાગ્ર થા.
પોતાના ચિત્તને પરમાત્મસ્વરૂપમાં સ્થિર કર ! પરમ આત્મસ્વરૂપ એટલે અતીન્દ્રિય આનંદથી ભરેલું પોતાનું પરમ સ્વરૂપ. વસ્તુનું સ્વરૂપ જ પરમાત્મસ્વરૂપ છે. અંદરમાં અનંતજ્ઞાન-દર્શન પૂર્ણાનંદથી ભરેલી પાટ છે. જીવને પોતાના આવા સ્વરૂપની ખબર નથી તેથી મારે બીડી વિના ન ચાલે, શ્રી વિના ન ચાલે, આબરૂ વિના ન ચાલે, પૈસા વિના ન ચાલે, મકાન વિના ન ચાલે એમ અનેક ચીજોની રાંકાઈ પોતે ઊભી કરી છે. અરે ! એને પોતાના વિના ચાલે છે–અતીન્દ્રિય આનંદસ્વરૂપ આત્મા વિના ચાલે છે પણ આ સંયોગો વિના ચાલતું નથી એ ગજબ વાત છે ને ! અનાદિથી આમ જ રખડી મર્યો છે.
જેમ કરોળિયો જાળ બનાવીને પોતે જ તેમાં ફસાય છે તેમ, આ જીવ વિકલ્પની જાળ ઊભી કરીને તેમાં પોતાની મેળે ફસાણો છે. વળી તેને ખબર નથી કે હું ફસાઈ ગયો છું. પુણ્ય-પાપના વિકલ્પો તે જાળ છે તેમાં જીવ દુઃખી થાય છે તે જાળમાંથી છૂટવા માટે અહીં તેનો રસ્તો બતાવે છે. આ તો મૂળ ધર્મની વાત છે. મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ ભગવાને પોતાની વીતરાગી પૂર્ણ જ્ઞાન-આનંદની દશામાં જોયું કે તું પૂર્ણ જ્ઞાન અને આનંદથી ભરપૂર છો.
સર્વજ્ઞ પરમાત્માને જ્ઞાનની શક્તિનો પૂર્ણ વિકાસ થઈ ગયો છે. એક સેકન્ડના