________________
પ્રવચન-૭ર /
[ ૪૮૭
આ તો આત્મરાજાની જાન છે. સ્વરૂપમાં એકાગ્રતા કરવી એ લગન છે. બાકી બધું ધૂળ ધાણી અને વા-પાણી જેવું છે.
ભગવાન પરમાત્મા ભલામણ કરે છે કે મારા જેવી જ તારામાં શક્તિ છે. મેં મારી શક્તિનો ઉકેલ કરીને પર્યાયમાં પ્રગટ કરી છે. બહારથી કયાંયથી શક્તિ આવી નથી. કુવામાં હોય તેમાંથી જ અવેડામાં આવે છે. તેમ અંદરમાં શક્તિ પડી છે તેમાંથી જ પોયમાં કેવળજ્ઞાન અને આનંદ આવે છે. તારા આત્મામાં પણ આવી શક્તિ પડી છે તેમાં એકાગ્ર થા અને બહારની એકાગ્રતા છોડી દે તો તને આત્માનું ધ્યાન થતાં સમ્યગ્દર્શન થશે અને સમ્યગ્દર્શન થતાં ધર્મકળા તારા હાથમાં આવી જશે એ ધર્મકળા વડે જ કર્મનો નાશ થશે, બીજી કોઈ રીતે કર્મનો નાશ થાય તેમ નથી.
અંદર ભગવાન આત્મા કે જે અનંત અનંત અતીન્દ્રિય શાંતિ અને આનંદનો સાગર છે, તેનો મહિમા અને રાગાદિ વિકલ્પરૂપ સંસારનો મહિમા–એ બન્ને એકસાથે રહી શકે નહિ. જેને શુભાશુભ રાગનો ને તેના કર્તાપણાનો મહિમા છે તેને આનંદનો નાથ અને વિશ્વનો ઉદાસીન સાક્ષી એવા નિજ ચૈતન્ય પ્રભુનો મહિમા નથી. જેમાં પરનું કરવું-ભોગવવું કાંઈ છે નહિ, માત્ર અંદર સ્વરૂપમાં સ્થિત રહેવાનું છે એવા ચારિત્રવંત શાંત શાંત અકષાયસ્વભાવી નિજ ચૈતન્યનો મહિમા ને રાગાદિ સંસારનો મહિમા એકસાથે રહી શકે નહિ.
- પૂજ્ય ગુરુદૈવી