________________
૪૮૨ )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો નિજજ્ઞાયક દેવ જ છે. તેની શ્રદ્ધા, જ્ઞાન કરીને તેમાં કરવું એ જ એક મોક્ષમાર્ગ છે. એ જ પરમાત્મા થવાનો માર્ગ છે.
૧૧૩ ગાથા પૂરી થઈ. હવે ૧૧૪ ગાથામાં યોગીન્દ્રદેવ વીતરાગ નિર્વિકલ્પ પરમ સમાધિનું સામર્થ્ય બતાવે છે.
અંતરમાં આનંદ અને શાંતિ આપનારી સમાધિની આ વાત છે. બાવા લોકો સમાધિ ચડાવે છે એવી સમાધિની વાત નથી. અહીં તો એક અંતર્મુહૂર્તમાં કર્મમળને ભસ્મ કરી નાંખે એવી વીતરાગ-નિર્વિકલ્પ સમાધિરૂપ અગ્નિનું સામર્થ્ય બતાવે છે. આ વિતરાગે કહેલી, દરેક જીવના નિજઘરની વાત છે પણ તેણે કદી સાંભળી નથી. જેને એક સમયમાં ત્રણકાળ ત્રણલોકનું જ્ઞાન પ્રગટ થયું છે એવા પરમેશ્વર તીર્થંકર ત્રિલોકનાથની વાણીમાં એમ આવ્યું છે કે તારો આત્મા અનંત અનંત જ્ઞાન-દર્શનથી ભરેલો છે તેમાં એકાગ્રતારૂપ અગ્નિ પ્રગટ કર તો પુણ્ય-પાપના વિકલ્પના અભાવરૂપ પવન લાગતાં કર્મો બળીને ભસ્મ થઈ જશે. અસ્તિમાં એકાગ્રતારૂપી અગ્નિ અને નાસ્તિમાં વિકલ્પના અભાવરૂપી પવન એ બે થઈને સમાધિ કહેવાય છે.
ગાથાર્થ :–જો અર્ધ નિમેષ માત્ર પણ કોઈ પરમાત્મામાં પ્રીતિ કરે તો જેમ અગ્નિની કણી લાકડાના પહાડને ભસ્મ કરી નાંખે તેમ બધાં પાપોને ભસ્મ કરી નાંખે. ૧૧૪.
એક આંખના પલકારાથી અડધા સમયમાત્ર પણ જો જીવને અનંતગુણના ધણી એવા ) પરમાત્મસ્વરૂપમાં પ્રીતિ થાય અર્થાત્ એકાગ્રતા કરે તો કર્મની ભસ્મ થઈ જાય. આગળ કહી ગયા છે કે અનંત ચતુષ્ટય એ જીવનું પરમસ્વરૂપ છે તેમાં એક અર્ધી ક્ષણ પણ જો એકાગ્રતા કરે તો જેમ અગ્નિની કણી લાકડાના મોટા ડુંગરને બાળીને રાખ કરી નાંખે છે તેમ એકાગ્રતારૂપ સમાધિ જીવને લાગેલા સર્વ પાપને બાળીને ભસ્મ કરી નાંખે.
ઘાસની મોટી ગંજી ભરી હોય તેને એક દિવાસળી લગાડો તો ભસ્મ થઈ જાય તેમ પરમાત્મા કહે છે કે તું તારા આત્મામાં એકાગ્રતા કર તો કર્મના ઈધન બળીને ભસ્મ થઈ જશે. કર્મને નાશ કરવાનો આ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. અહીં પાપ”ને ભસ્મ કરી નાંખે એમ કહ્યું છે તેમાં પુણ્ય અને પાપ બંને સમજવા. કારણ કે પુણ્ય પણ પાપ જ છે. અંતરસમાધિ વડે પુણ્ય-પાપ કર્મોનો નાશ થઈ જાય છે.
પ્રથમ તો આઠકર્મ અને રાગાદિભાવો એ કોઈ મારા નથી એવી દૃષ્ટિ વડે તેનાથી જુદો પડી જાય છે અને સ્વભાવમાં દૃષ્ટિપૂર્વક તેમાં વિશેષ સ્થિરતા થતાં દ્રવ્યકર્મ અને 'ભાવકર્મનો સર્વથા અભાવ થઈ જાય છે. શુભકર્મ અને શુભભાવ પણ બાળવાયોગ્ય જ છે. શુભ પણ વિભાવ છે માટે મારા નથી. એટલું જ નહીં, એક સમયના પર્યાય જેવડું પણ મારી સ્વરૂપ નથી, હું તો પરમસ્વરૂપ છું એમ પ્રથમ દૃષ્ટિ કર અને પછી તેમાં જ એકાગ્રતા કર !