________________
- વર્તમાનમાં જ આત્મા પરમેશ્વર-સ્વરૂપ છે
| (સળંગ પ્રવચન નં. ૭૨) यत् निजद्रव्याद् भिन्नं जडं तत् परद्रव्यं जानीहि । पुद्गलः धर्माधर्मः नभः कालं अपि पञ्चमं जानीहि ।।११३।। यदि निमिषार्धमपि कोऽपि करोति परमात्मनि अनुरागम् ।
अग्निकणिका यथा काष्ठगिरिं दहति अशेषमपि पापम् ॥११४॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ અધિકારની આ ૧૧૨ ગાથા થઈ ગઈ. હવે ગાથા ૧૧૩ લેવાની છે.
“પરલોકની વ્યાખ્યા કરી અને તેનાથી ભિન્ન ચીજોની મમતા છોડવાનું કહ્યું. તેથી શિષ્ય ગુરુને પૂછે છે કે પરદ્રવ્ય કોને કહેવા? કોની મમતા છોડવી? તેનું સમાધાન ગુરુ કરે છે.
ગાથા –આત્માથી જુદા જે કોઈ દ્રવ્યો છે તેને પરદ્રવ્ય જાણો. પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ આ પાંચ દ્રવ્યો જીવદ્રવ્યથી ભિન્ન છે માટે પરદ્રવ્ય છે. ૧૧૩.
પાઠમાં આટલું કહીને ટીકામાં તેનો ખુલાસો કરે છે આ જગતમાં તીર્થકર કેવળજ્ઞાની પ્રભુએ છ પ્રકારના દ્રવ્યો જોયા છે. તેમાંથી પાંચ દ્રવ્ય તો જડ-અચેતન છે. એક જીવદ્રવ્ય જ ચેતનસ્વભાવી છે તેમાં પણ પોતાના આત્મા સિવાય બીજાં બધાં આત્માઓ ભિન્ન છે–પરદ્રવ્ય છે.
અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્યસ્વરૂપ અનંત ચતુષ્ટયયુક્ત હું જીવદ્રવ્ય છું, બીજા અનંત આત્માઓ છે તે મારા નિજદ્રવ્યથી ભિન્ન છે. હું મારા અને ચતયસ્વરૂપ છું. હું કર્મસ્વરૂપ કે દેવસ્વરૂપ તો નથી પણ હું રાગસ્વરૂપ પણ નથી. હું તો જ્ઞાનસ્વરૂપ છું. અલ્પ પર્યાય જેવડો પણ હું નથી. ભગવાન સર્વજ્ઞદેવે મારા આત્માને બેહદ અનંત જ્ઞાન, બેહદ અનંત દર્શન આદિ બેહદ સ્વભાવમય જોયો છે અને કહ્યો છે એવો હું આત્મા છું. ગુણો તો અનંત છે પણ તેમાં આ અનંત ચતુષ્ટય મુખ્ય છે.
અહો ! આત્મા અનંત અનંત જ્ઞાનથી ભરેલો પદાર્થ છે, અનંત અનંત દર્શનશક્તિથી ભરેલો છે, અનંત અનંત અતીન્દ્રિય આનંદથી ભરેલો પદાર્થ છે અને અનંત અનંત આત્મવીર્યથી ભરેલું તત્ત્વ છે. એમ ભગવાને જોયું છે કહ્યું છે કે આત્મા અત્યારે જ આવી શક્તિથી ભરેલો છે તેને અંતરમાં સમ્યગ્દર્શન-જ્ઞાન દ્વારા જાણવો તેનું નામ “ધર્મ” કહેવાય છે. આ સમયે હો ! આ જ સમયે આત્મા અનંત અનંત બેહદ શક્તિથી અંદરમાં ભરેલો