________________
૪૭૮ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
જેનું મન અતીન્દ્રિય વિજ્ઞાનધનના સુખમાં લાગ્યું છે તેને આઠકર્મનું શું કામ છે ! તેને રાગાદિ ભાવકર્મનું શું કામ છે ! તેને દેહાદિ પરિગ્રહમાં મન લગાવવાનું શું કામ છે ! જેને આત્માના સુખની ખબર નથી તે તો બહારમાં પોતાને મોટો મનાવવા પાંચ-પચીશ હજાર રૂપિયા પણ ખંખેરી નાંખે છે. કોઈ એને મોટો કહે, સારો કહે, ઠીક કહે તો એને આનંદ આવે. પર પાસેથી મોટાઈની અપેક્ષા રાખનારો એવો જીવ હેરાન....હેરાન છે.
કોની પદવીને મોટી કહેવી ! કોને તિલક કરવા? ભગવાન કહે છે તે તને તિલક કર્યા તો હવે જગતનું તારે શું કામ છે ! અનંત ગુણનો ચૈતન્યરત્નાકર જેના હાથમાં આવ્યો તેમાં દૃષ્ટિ સ્થાપી, શ્રદ્ધા-જ્ઞાનને આત્મામાં વાળ્યા તેને હવે બીજાનું શું કામ છે. સારાં કર્મ બંધાય તો સારાં ફળ મળશે એવો વિચાર તારે કરવાની જરૂર નથી. તારે કર્મ જ નથી. વિકલ્પ છે એ પણ તારાં સ્વરૂપમાં નથી.
અરે ! આવા વીતરાગીતત્ત્વના તને ગાણાં ગાતાં પણ આવડતા નથી ? રાગના જ ગાણા ગાયા કરે છો ? રાગના ગાણામાં જ રંગાઈ ગયો છો ! કોઈ એના વખાણ કરે તો અજ્ઞાનીને બહુ ગમે, સાંભળ્યા જ કરે, રાત પડે પણ ઊંઘ ન આવે. જો વખાણ બહુ ગમે છે તો પૈસા દઈને માણસ રાખી લે એટલે એ તારાં વખાણ કર્યા જ કરે.... તો તો તને જ કંટાળો આવી જશે.
આત્મામાં તો એકવાર જે એકાગ્ર થશે તે હવે એકાગ્રતા કર્યા જ કરશે. એકાગ્ર થતો થતો પરમાત્મા થઈ જશે. તેને તીર્થંક૨ગોત્રના ઊંચામા ઊંચા કર્મનું પણ કાંઈ કામ નથી. ભગવાન આત્મામાં જેનું મન લાગી ગયું તેને શંકાનું શું કામ છે !
એક તરફ રામ છે અને એક તરફ ગામ છે. આત્મારામમાં જેણે મતિ સ્થાપી તેને ગામનું કાંઈ કામ નથી. આ વાત આવી એટલે હવે શિષ્ય પ્રશ્ન પૂછશે કે પરદ્રવ્ય કહેવા કોને? તે ૧૧૩ ગાથામાં આવશે.
20,