________________
પ્રવચન-૭૧ ]
[ ૪૭૭
ગાથાર્થ ઃ—હે જીવ! જ્યાં તારી બુદ્ધિ છે ત્યાં જ તારી ગતિ છે તેથી મરીને તું મતિ અનુસાર જ ગતિ પામીશ. માટે તું પરમબ્રહ્મને છોડીને પરદ્રવ્યમાં બુદ્ધિને ન લગાવ !
૧૧૨.
હે જીવ! જો તારી મતિ ભગવાન આત્મામાં છે તો દેહ છૂટીને પણ તું પરમબ્રહ્મ તરફના વલણમાં જ રહીશ અને એ નવો દેહ છૂટીને તું પરમાત્મા થઈ જઈશ. માટે તું પરમબ્રહ્મ આત્માને છોડીને બુદ્ધિને ક્યાંય બીજે લગાવીશ નહિ.
ભાવાર્થમાં ખૂબ મીઠા શબ્દોથી સમજાવે છે.
ભાવાર્થ :—શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી ભગવાન આત્મા ટાંકણાથી ઘડાયેલા અઘિટત ધાટ જેવો છે—એવા અમૂર્તિક પદાર્થ, જ્ઞાયકમાત્ર સ્વભાવ, સદા આનંદરૂપ, અદ્વિતીય અતીન્દ્રિય સુખરૂપ, અમૃતના રસથી તૃપ્ત, એવા નિજશુદ્ધાત્મતત્ત્વને છોડીને દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મમાં દેહાદિ પરિગ્રહમાં મનને ન લગાવ.
શું કહે છે ?–કે શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી જોઈએ તો આત્મા અણઘટિત ઘાટ છે–અનાદિનો એવો ને એવો જ છે, વળી રંગ, ગંધ, રસ, સ્પર્શ વિનાનો અમૂર્તિક પદાર્થ છે, એકલો જાણનાર સ્વભાવી છે, સદા આનંદરૂપ છે, અદ્વિતીય એટલે અજોડ એવા અતીન્દ્રિય સુખ રસથી આત્મા તૃપ્ત થયેલો છે. આ પર્યાયની વાત છે. પાઠમાં પરિણત શબ્દ છે તેનો અર્થ ભાવાર્થકારે ‘તૃપ્ત' કર્યો છે. જેમ, ખૂબ તૃષા લાગી હોય અને સાકર નાંખેલો મુસંબીનો ઠંડો રસ મળી જાય તો કેવી તૃપ્તિ થાય! તેમ આ આત્મરસપ્યાસુ જીવને અતીન્દ્રિયઅમૃતરસ મળી જતાં તે તૃપ્ત થયો છે તેની વાત છે. તેને માટે ભાષા પણ કેવી વાપરી છે ! ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવ વસ્તુ છે તેમાં એકરૂપ અતીન્દ્રિય સુખામૃતથી પરિણત થયેલો જીવ છે એવા નિજશુદ્ધાત્મતત્ત્વને છોડીને અન્ય કોઈમાં મન લગાવીશ નહિ એમ આચાર્યદેવ સંબોધન કરે છે. યોગીન્દ્રદેવને જાણે શબ્દો ઓછા પડે છે એટલા ભાવ અંદ૨માં ભરેલા છે.
જગડું શેઠ પાસે હીરાનો બળદ હતો એવી કથા આવે છે તેમ, આ આત્મા એકલા ચૈતન્યહીરાથી ભરેલો છે. પહેલો તો બળદ હતો પણ આ તો ભગવાન છે. આવા ચૈતન્યભગવાનની અતીન્દ્રિય અમૃત આનંદરસની પરિણતિ જેને પ્રગટ થઈ છે, તેમાં તૃપ્ત થયો છે તેને કહે છે કે આવા નિજશુદ્ધાત્મતત્ત્વને છોડીને દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ–જે દેહાદિ પરિગ્રહ તેમાં મનને લગાવીશ નહિ. અરે ! જેનું ચિત્ત આનંદમાં ચોંટી ગયું છે તેને બીજે ક્યાંય ચિત્ત લગાવવા જેવું નથી. તેને વિકલ્પનું કે વિકલ્પના પ્રેમનું શું કામ છે ! દુનિયાની પ્રસિદ્ધિનું તારે શું કામ છે! તું તારામાં તૃપ્ત થયો હવે તારે બીજાં પાસેથી તૃપ્તિની અપેક્ષા ક્યાં રહી ?