________________
૪૭૬ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
તે મિથ્યાજ્ઞાન છે અને રાગમાં સ્થિરતા તે મિથ્યાચારિત્ર છે આ મિથ્યારત્નત્રયના ફળમાં તે જીવ સંસારમાં ભ્રમણ કરે છે.
આમ જાણીને સર્વ રાગાદિ વિકલ્પોને ત્યાગીને પોતાના નિજસ્વરૂપમાં ભાવના અર્થાત્ નિજસ્વરૂપમાં શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા કરવી જોઈએ. ભગવાન આત્માની સન્મુખ થઈ, દૃષ્ટિ, જ્ઞાન અને રમણતા કરવી જોઈએ. એ જ આત્માને હિતકર અને મોક્ષનો ઉપાય છે.
શ્રોતા :—દૃષ્ટિનું પરિવર્તન કેમ કરવું ?
પૂજ્ય ગુરુદેવશ્રી :—રાગના પ્રેમમાં દૃષ્ટિ પડી છે તેને ત્યાંથી ફેરવીને ભગવાન ઉપર મૂક ! જેની મહિમા વીતરાગ સર્વજ્ઞદેવ પણ વાણીમાં પૂરી કહી શક્યા નથી એવા મહિમાવંત નિજભગવાનમાં દૃષ્ટિને સ્થાપ ! ભગવાનના જ્ઞાનમાં પૂરું સ્વરૂપ આવી ગયું પણ વાણીમાં તો નિર્મળપર્યાયનું પણ પૂરું સ્વરૂપ આવી શકતું નથી. એ દ્રવ્યની મહિમાનું શું કહેવું? તું તારી મતિમાં આ ચિદાનંદ ભગવાન આત્માનું સ્વરૂપ સ્થાપ! એ જ કરવાનું છે. એ સિવાય બીજું કાંઈ કરવા જેવું નથી.
આ ત્રણ એકડાવાળી–૧૧૧ ગાથા પૂરી થઈ. તેમાં એ કહ્યું કે જે મતિએ ભગવાન આત્માની કિંમત કરી તેને સંસાર કેમ હોય ! તેને તો મુક્તિ જ હોય અને જે મતિએ રાગની કિંમત કરી તેને આત્માનો લાભ કેમ હોય ! તેને તો સંસાર જ હોય. હવે રુચિનું ડાકલું કઈ તરફ વગાડવું તે તારા હાથમાં છે. એક સમયમાં જે પૂર્ણ.........પૂર્ણ વીતરાગવિજ્ઞાનધન છે તેની મતિ જેણે કરી તેણે આત્માની કિંમત કરી તેની મતિમાંથી પુણ્ય-પાપની કિંમત ઊંડી ગઈ. તેને વિષય-ભોગની મીઠાશ તો ન ૨હી પણ તેના રાગની પણ મીઠાશ ચાલી ગઈ. દૃષ્ટિની દિશા બદલાણી—મતિ અંદ૨માં ગઈ ત્યાં રાગનો સ્તંભ પણ રોકાઈ ગયો—‘વિકલ્પ એ મારું સ્વરૂપ નથી' એમ તેની પ્રીતિ છૂટી ગઈ. જ્ઞાનીને રાગાદિ હોય છતાં પ્રીતિ નથી—રાગમાં ગતિ નથી. ભૂમિકા અનુસાર ત્રણ કષાય, બે કષાય, એક કષાય તો જ્ઞાનીને હોય છે પણ મતિ—પ્રીતિ ત્યાં નથી. મતિ તો પ્રભુમાં સ્થપાઈ ગઈ છે, પ્રભુની જ પ્રીતિ છે, રાગની મીઠાશ ઉડી ગઈ છે.
અજ્ઞાનીએ અનાદિથી ભગવાન આત્મામાં મતિ નહિ લગાવતાં રાગમાં મતિને સ્થાપી છે તેથી આકુળતામાં દુ:ખી થાય છે. ભગવાન આત્માથી વિરુદ્ધ ભાવમાં આકુળતા જ હોય ને! આનંદથી ઉલટા ભાવમાં મતિને પ્રીતિથી સ્થાપી છે તે દુ:ખી જ થાય છે. તેને દુઃખ સિવાય બીજું શું હોય ! તે ચારગતિમાં ભમતો અંતે નિગોદમાં જઈને આનંતકાળ ત્યાં રહેશે. એક શરીરમાં અનંત જીવની સાથે રહેશે.
આગળ ૧૧૨ ગાથામાં આ જ વાતને દૃઢ કરે છે. પરમાત્મપ્રકાશે પરમાત્માનો પ્રકાશ કર્યો છે.