________________
પ્રવચન-૭૧
( ૪૭૫
પ્રવાહ સંસારમાં જાય છે. આત્માને છોડીને ભલે સૂક્ષ્મ શુભવિકલ્પમાં મતિ રોકાણી હોય પણ તે આત્મસ્વભાવથી વિપરીતભાવ છે તેમાં તેને “આ ઠીક છે' એમ લાગ્યું તેથી તે વિકારરૂપ પરિણમીને વિકારના ફળમાં દીર્ધસંસારમાં પરિભ્રમણ કરશે.
જેમ નદીના વહેણ બે તરફ જાય છે તેમ મતિના વહેણ બે તરફ જાય છે. તેમાંથી જેના વ્હેણ દ્રવ્યસ્વભાવ તરફ ગયાં તે મોક્ષમાં પહોંચી જશે અને જેના વ્હેણ વિકાર તરફ ગયા તે તેને આત્માથી દૂર કરીને વિકારમાં રખડાવશે.
શ્રોતા: ઘરબાર ધંધા આદિને છોડીને બેઠા છીએ તેનું શું?
પૂજ્ય ગુરુદેવશ્રી —ઘર-બાર, વેપાર આદિ ક્યાં એના છે? એક ત્રિકાળી પ્રભુ જ એનો પોતાનો છે અને તેને ન માને તો વિકારને મારો માને એ સિવાય ત્રીજી કોઈ ચીજ જીવની નથી. દુકાન, મકાન, શરીરાદિ તો બધું જડ છે. જીવ બેમાં જ એકત્વ કરી શકે કાં તો વીતરાગસ્વભાવમાં અને કાં રાગમાં એકત્વ કરે, બાકી પરમાં જીવ એકત્વ પામી શકતો નથી.
અહો ! જ્ઞાનસ્વરૂપ પ્રભુ એકલો નિર્દોષ–વીતરાગરસનો કંદ છે. જ્ઞાનસ્વરૂપમાં વળી દોષ કેવો ! તેમાં જેણે મતિ સ્થાપી તેની મતિ વિકલ્પમાંથી ઊઠી ગઈ, દૃષ્ટિમાંથી વિકારનો આદર ચાલ્યો ગયો. તે હવે વીતરાગતામાં જ પરિણમન કરતો કરતો કેવળજ્ઞાન પામશે અને અજ્ઞાની કે જેના પ્રેમ રાગે લૂંટ્યા છે—જે રાગમાં ફસાણો છે તેનું પરિણમન વિકારમાં જ તીવ્રપણે થઈને ચારગતિના ફળને આપ્યા કરે છે. આ બે પ્રવાહ છે તેમાંથી તને જ્યાં રુચે ત્યાં જા....
અભરાગની રુચિ તો મિથ્યાત્વ છે જ. પણ, શુભરાગની રુચિ પણ મિથ્યાત્વ જ છે. તેથી જેની મતિ શુભરાગમાં સ્થપાણી છે તેની ગતિ મિથ્યાત્વ અને તેના ફળમાં જ થાય છે. ભગવાન આત્માથી વિરુદ્ધભાવનો પ્રેમ છે તેથી તેને સંસાર જ ફળે છે. અને જેની મતિ શુદ્ધસ્વરૂપ પૂર્ણાનંદના નાથ નિજ આત્મામાં સ્થપાણી તેની ગતિ પરમાત્માની જ થશે. તે મતિ નિશ્ચયરત્નત્રયસ્વરૂપ છે. શુદ્ધદ્રવ્યસ્વરૂપની પ્રતીતિ, તેનું જ્ઞાન અને તેમાં સ્થિરતા એ મતિ છે તેના ફળમાં મોક્ષ ગતિ–પરમાત્મામાં ગતિ થાય છે. માટે અહીં કહ્યું કે જેણે પરમાત્મામાં પ્રેમ જોડ્યો છે અને રાગાદિ વિકલ્પનો પ્રેમ તોડ્યો છે તે મોક્ષ પામે છે. બસ..તેને મતિ એવી ગતિ થઈ ગઈ.
જેને ઊછળી ઊછળીને રાગ અને પુણ્ય-પાપનો પ્રેમ આવે છે, ઉત્સાહ આવે છે, અધિકતા ભાસે છે, મીઠાસ આવે છે તેની મતિ ત્યાં જ ચોંટી ગઈ છે, તેને આખા વીતરાગસ્વભાવનો અનાદર થઈ રહ્યો છે અને વિકારનો જ આદર આવે છે તે મિથ્યારત્નત્રયરૂપે પરિણમતો દીર્ધસંસારમાં ભમે છે. રાગની રુચિ તે મિથ્યાત્વ છે, રાગનું એકત્વપૂર્વક જ્ઞાન