________________
મતિ એવી ચિંત
(સળંગ પ્રવચન નં. ૭૧)
मुनिवरवृन्दानां हरिहराणां यः मनसि निवसति देवः । परस्माद् अपि परतरः ज्ञानमयः स उच्यते परलोकः ॥ ११०॥
सः परः उच्यते लोकः परः यस्य मतिः तत्र वसति ।
यत्र मतिः तत्र गतिः जीवस्य एव नियमेन येन भवति ॥ १११॥
यत्र मतिः तत्र गतिः जीव त्वं मरणमपि येन लभसे ।
तेन परब्रह्म मुक्त्वा मतिं मा परद्रव्ये कार्षीः ।। ११२ ।।
આ પરમાત્મપ્રકાશનો પ્રથમ અધિકાર છે. તેની ૧૧૦મી ગાથા ચાલે છે.
ભાવાર્થ :—‘પરલોક' શબ્દનો અર્થ એવો છે કે પર અર્થાત્ ઉત્કૃષ્ટ વીતરાગ ચિદાનંદ શુદ્ધ સ્વભાવ આત્મા, તેનું લોક અર્થાત્ અવલોકન, નિર્વિકલ્પ સમાધિમાં ઉત્કૃષ્ટ આત્માને અનુભવવો તેનું નામ ‘પરલોક' છે.
‘પરલોક' એટલે ‘ઉત્કૃષ્ટ લોક' વીતરાગ ચિદાનંદ શુદ્ધ સ્વભાવ—ત્રિકાળી આત્મા ઉત્કૃષ્ટ છે તેને નિર્વિકલ્પ પરમસમાધિમાં અવલોકવો-અનુભવવો તેનું નામ ‘લોક' છે એટલે નિર્વિકલ્પ સમાધિમાં ત્રિકાળી આત્માને અનુભવવો તે ‘પરલોક’ છે. જ્ઞાનાનંદરૂપી વજ્રની કાતળી એવા આત્મતત્ત્વને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્વિકલ્પ સમાધિમાં અનુભવવો તે જ એક કર્તવ્ય છે.
આત્મવસ્તુ પોતે તો વીતરાગ-સમાધિ સ્વરૂપ જ છે, અકષાયસ્વરૂપ છે, શાંતસ્વરૂપ છે તેને અકષાયદૃષ્ટિ દ્વારા અવલોકવો તેનું નામ ‘પરલોક' કહેવામાં આવ્યું છે. તેમાં જે નિર્વિકલ્પશાંતિ વેદાય છે તેનું જ નામ ધર્મ છે. વસ્તુ તો સમાધિનો પિંડલો છે. એકલો નિર્દોષ વીતરાગ સમાધિનો પિંડ—તે જ આત્મા છે. તેને અંતર દૃષ્ટિ, જ્ઞાન અને શાંતિ-સમાધિ દ્વારા અવલોકવો તેનું નામ ‘પરલોક' છે. તે સિવાય બાકી બધો તુચ્છ લોક છે. રાગ-દ્વેષને અને પરને અવલોકવું તે બધું તુચ્છ લોકમાં જાય છે.
મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય વિના, નિર્વિકલ્પશાંતિ અને સમાધિ દ્વારા આત્માને અવલોકવો તેનું નામ પરલોક કહેવાય છે અથવા બીજી રીતે કહીએ તો, પરમાત્માના કેવળજ્ઞાનમાં જીવાદિ પદાર્થ-લોકાલોક દેખાય છે માટે પરમાત્માને પરલોક' કહેવાય છે અથવા વ્યવહારનયથી સ્વર્ગ અને મોક્ષને પરલોક કહેવાય છે. તે સ્વર્ગ અને મોક્ષનું કારણ