________________
૪૭૦ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
જ્ઞાન અને સમાધિની પર્યાયમાં આત્માને અવલોકે અને અનુભવે તો તેને ‘પરલોક’ કહેવાય. રાગ વિનાની જ્ઞાનપર્યાય દ્વારા આત્માને અનુભવવો તેનું નામ ‘પરલોક' છે.
આત્માનું સ્વરૂપ એવું છે કે બહારથી ક્યાંયથી મળે તેવું નથી અને અંદરમાંથી ક્યાંય ગયું નથી. માત્ર મતિ-શ્રુતજ્ઞાનની નિર્મળતામાં તેને અવલોકે તો તે પ્રગટ થાય તેવું છે. મુનીશ્વરો તો આત્માને અવલોકે જ છે પણ ઇન્દ્રો અને વાસુદેવો પણ તેને અવલોકે છે. તેમના ચિત્તમાં પણ પરમાત્મા વસે છે. ચોથા ગુણસ્થાને માત્ર દેવ-શાસ્ર-ગુરુની શ્રદ્ધા જ હોય, આત્માનું અવલોકન ન હોય, એમ નથી. જે એમ માને છે કે ચોથા ગુણસ્થાનમાં અનુભવ ન હોય તેની યોગ્યતા એ પ્રકારની છે એટલે એમ માને છે પણ તે તેને દુઃખરૂપ છે. વસ્તુસ્વરૂપથી વિપરીત માન્યતાવાળો જીવ દુઃખી છે, તેની ઉપર તિરસ્કાર ન થાય પણ તેની દયા આવે. અરે ભાઈ ! જ્યાં નિર્વિકલ્પ પર્યાય દ્વારા આત્મા અવલોકાય છે તેને તું એકલા શુભરાગથી આત્માનું ધ્યાન થવું માને છે એ તો તારી ઉલટી દૃષ્ટિ છે, તેમાં તને નુકશાન છે. તારી દૃષ્ટિમાં નુકશાન થાય અને અમને તિરસ્કાર આવે ! ના, દયા આવે છે.
આ કોઈ વ્યક્તિની વાત નથી, આ તો વસ્તુસ્થિતિ જણાવાય છે. મુનિપણું આવું હોય; ચોથું ગુણસ્થાન આવું હોય....એમ સ્વરૂપ કહીએ છીએ. કોઈને એવી દશા નથી અને એમ માને છે તેને દુઃખી કરવા માટે કહેવાતું નથી. એક તો ઉલટી દષ્ટિથી તેને અંદરમાં આકુળતા વેદાય રહી છે તેની તો તેને ખબર નથી પણ દુ:ખી તો છે તેને ‘તું બરાબર નથી' એમ કહીને દુઃખી કરવો નથી.
શ્રીમદ્ કહે છે ને !
‘કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ, માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ .’
ભાઈ! તું દુઃખના પંથે પડ્યો છો અને સુખનો પંથ માને છો પણ રસ્તો એમ મળશે નહિ ભાઈ.....કોઈ વ્યક્તિની નિંદા કે અનાદર કરવાનો ભાવ નથી. પરમેશ્વર સ્વભાવની દૃષ્ટિ અને જ્ઞાન કરવાની રીતને માનતો નથી અને બીજી રીતે માને છે તે પોતે જ પોતાને નુકશાન કરે છે. બાકી બીજો તો કોણ કોની નિંદા કરે કે કોણ કોની સેવા કરે ! યોગસારમાં આવી ગાથા આવે છે. જીવ પોતે જ સાચી દૃષ્ટિ વડે પ્રભુને અવલોકીને સુખી થાય છે અને ન સમજે તો પોતે જં વિપરીત દૃષ્ટિ વડે દુઃખી થાય છે.
જેના જ્ઞાનમાં પ્રભુ બિરાજે છે તેને અહીં ‘પરલોક’ કહે છે. તેને સમ્યજ્ઞાન છે તે વડે તે સુખી થશે અને સિદ્ધદશાને પામશે અને જે આત્માને નથી જાણતો તેના મિથ્યાજ્ઞાનના પરિણામ પ્રમાણે દુઃખી થશે, નિગોદમાં જશે. કોઈને કાંઈ કહેવાની વાત નથી. અહીં તો પરમાત્મપ્રકાશમાં વસ્તુસ્થિતિ જેમ છે તેમ જણાવી છે, તેને તમે જાણો. *