________________
૪૬૮ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
ખુલાસો હવે ૧૧૦ ગાથામાં કરશે. કોઈ એમ માનતું હોય કે આવી સ્થિતિ સાતમા ગુણસ્થાને જ થાય, એ પહેલાં ન થાય, તો એમ નથી.
ભગવાનનું નામ જ પરલોક છે એમ ગાથામાં કહે છે
જુઓ ! અહીં કહે છે કે મુનીશ્વરોના સમૂહમાં તથા ઇન્દ્ર, વાસુદેવ, રુદ્રોના ચિત્તમાં આત્મદેવ વસી રહ્યાં છે. તેને જ ઉત્કૃષ્ટથી પણ ઉત્કૃષ્ટ જ્ઞાનમયી પરલોક કહેવામાં આવે છે. સંતોના જ્ઞાનમાં પરમેશ્વર બિરાજે છે. સંતોના જ્ઞાનમાં પંચમહાવ્રત કે દયા, વ્રત, તપાદિ બિરાજતાં નથી. ઇન્દ્ર તો ચોથા ગુણસ્થાને છે તેની જ્ઞાનપર્યાયમાં પણ પરમાત્મા બિરાજે છે. કોઈ જાતનો રાગ એના જ્ઞાનપદમાં બિરાજતો નથી. સમ્યજ્ઞાનની પર્યાયના પદમાં પરમેશ્વર જ બિરાજે છે. બીજું કોઈ તેમાં બિરાજતું નથી. વ્યવહાર વિકલ્પ આવે તેનું જ્ઞાન થાય
પણ તે વિકલ્પ જ્ઞાનપદમાં બિરાજતો નથી. જ્ઞાન ભલે બધાંને જાણે છે પણ તેના જ્ઞાનપદમાં તો એક આત્મદેવ જ બિરાજે છે. ભગવાન આત્મા જ જ્ઞાનપદમાં સ્થપાયેલો છે.
પરમાત્મપ્રકાશમાં એવી અલૌકિક રીતે વાત લીધી છે. જ્ઞાનીના મતિ, શ્રુતજ્ઞાનમાં ભગવાન આત્મા જ બિરાજે છે. કોઈ રાગ, વિકલ્પ કે નિમિત્તો તેમાં વસતા જ નથી. કેમકે તે જ્ઞાનનું લક્ષ આત્મામાં છે, રાગ કે નિમિત્તમાં તેનું લક્ષ નથી. કોઈ રાગને તે પાળતા નથી. એ તો પરમાત્માને પાળે છે. જ્યાં પરમેશ્વર વસે છે ત્યાં રાગ વસી શકતો નથી કારણ કે એક મ્યાનમાં બે તલવાર સમાતી નથી. તેમ જ્ઞાનપદમાં આત્મદેવ અને રાગ, બે સમાઈ શકતાં નથી. જ્ઞાનમાં પરમેશ્વર જ બિરાજે છે, જ્ઞાનીનું મન એટલે નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાનના અર્થમાં લેવું છે—તેમાં ભગવાન વસે છે, વિકલ્પાદિ કોઈ તેમાં વસતા નથી.
શ્રોતા :અમારો પરમેશ્વર ક્યાં ખોવાઈ ગયો છે ?
પૂજ્ય ગુરુદેવશ્રી :—ક્યાંય ખોવાઈ ગયો નથી. નજર કરતાં નથી તેથી દેખાતો નથી. ગોદડાં ઓઢીને સૂતો હોય તેને સોનાના નળિયા થઈ જાય (દિવસ ઊગી જાય) તે દેખાતા નથી. કેમકે આંખ ખોલીને તે જોતો નથી. તેમ પોતાના પરમાત્મા સામે નજર કરે તો પરમાત્મા દેખાય ને ? જ્ઞાનનેત્ર વડે જુએ તો પરમાત્મા તો બિરાજમાન જ છે. અવલોકન કરે તો દેખાય.
શ્રોતા :—આંખ ખુલતી નથી.
પૂજ્ય ગુરુદેવશ્રી :—આંખ તો ખુલે છે પણ તે પરને જોવા માટે ખુલે છે. પોતાને જોવા માટે એ આંખને ખોલતો નથી તેથી પરમાત્મા દેખાતો નથી. અજ્ઞાનીનો જ્ઞાનનો ક્ષયોપશમ પરને અને રાગને જોવામાં જ રોકાઈ ગયો છે. સ્વને જોતો જ નથી. પામરતાને, વિકારને અને નિમિત્તને જ દેખે છે તે જ્ઞાનને જ્ઞાન જ કહેવાતું નથી. એ જ્ઞાન આત્માની પર્યાય નથી, એ તો પામર પર્યાય છે.