________________
પ્રવચન-૬૯ ]
| ૪૬૧
આ છઠ્ઠા-સાતમા ગુણસ્થાનવાળા મુનિની જ વાત ન સમજવી. ચોથા ગુણસ્થાનથી જ જ્ઞાનીને કોઈ પરદ્રવ્ય કે પરભાવની અભિલાષા નથી.
મુમુક્ષુ ઃ—જ્ઞાનીને નિકાંક્ષિત ભાવ પ્રગટ થઈ ગયો છે ને!
પૂજ્ય ગુરુદેવશ્રી : હા. જ્ઞાનીને કોઈ પરદ્રવ્યની ભાવના જ નથી. જેના જ્ઞાનમાં આનંદકંદ વસ્તુ આવી તેને બીજાં કોની અભિલાષા હોય! બીજો ભાવ હો પણ તેની ભાવના નથી. પંચાધ્યાયીમાં અભિલાષાના વિષયમાં બહુ ખુલાસો લીધો છે. જ્ઞાનીને કોઈ પ્રકારની અભિલાષા નથી.
આ બધાં આર્ષવચનો છે એટલે કે વસ્તુસ્વરૂપને બતાવે તે બધાં આર્ષના જ વાક્યો છે. આચાર્યોના હ્રદય છે.
પૂર્ણાનંદ ભગવાન જેનાં સમ્યજ્ઞાનમાં અનુભવમાં આવ્યો તેને હવે શી ખામી રહી કે બીજાની અભિલાષા કરે ! જેને ધર્મ નામ પુણ્યનો પણ પરિગ્રહ નથી તેને અન્ય પરિગ્રહ ક્યાંથી હોય ! ધર્મીને તો એક શુદ્ધ આત્માના આનંદની જ ભાવના છે. પુણ્યરૂપ વ્યવહારધર્મની ભાવના પણ નથી તો અશુભભાવની ભાવના કેમ હોય ! આત્મજ્ઞાની સર્વ અભિલાષાથી રહિત છે. કારણ કે તેને શુદ્ધાત્માનું વેદન હોવાથી તેમાં જ એકાગ્ર થવાની ભાવના છે. વ્યવહારધર્મ એ પણ વિકલ્પ છે તેથી તેની ધર્મીને ભાવના નથી.
સમકિતી તો આત્માના આનંદના પિપાસુ છે. સમ્યજ્ઞાન દ્વારા આત્માને જોયો, જાણ્યો અને અનુભવ્યો છે તેને પુણ્ય-પાપ ભાવની ભાવના નથી. જ્યાં સ્વરૂપમાં ઇચ્છા જ નથી ત્યાં ઇચ્છાની ભાવના કેમ હોય ! શુભાશુભભાવ છૂટી ગયા નથી, આવે છે પણ તેની પક્કડ કે ભાવના નથી. વીતરાગબિંબ ભગવાનને જેણે વીતરાગ-પરિણતિ વડે જાણ્યો તેને હવે બીજી શી ભાવના હોય ! પુણ્યાદિ વિકલ્પ વચ્ચે આવે છે તેને જાણે છે પણ તેને વધારવાની ભાવના નથી. સ્વરૂપની એકાગ્રતા વધારવાની ભાવના છે, રાગ વધારવાની ભાવના નથી.
આ બધી ચોથા ગુણસ્થાનથી શરૂ કરીને બધાં જ્ઞાની-મુનિની વાત છે. આત્મજ્ઞાની સર્વ અભિલાષાથી રહિત છે. સ્વરૂપમાં ઇચ્છા જ નથી ત્યાં ઇચ્છાની ભાવના કેમ હોય ! વ્યવહારધર્મની ભાવના નથી તેને અન્ય કોની ભાવના હોય ! વ્યવહારધર્મનો ભાવ આવે છે પણ તેની પક્કડ નથી માત્ર જ્ઞાનમાં જાણે છે.
જગતને ભારે કઠણ પડે તેવી વાત છે.
શિષ્ય કહે છે કે પ્રભુ ! મને તો એક આત્મા બતાવો, મારે બીજા વિકલ્પોનું કામ નથી. મને તો આત્મા કેમ પ્રાપ્ત થાય એ એક જ કામ છે. તેના ઉત્તરમાં આ ગાથા આવી છે કે ભાઈ ! તું વીતરાગ સ્વસંવેદનજ્ઞાનથી એક આત્માને જાણ, અન્ય સર્વ શુભાશુભ ભાવોને છોડીને એક આત્માને જાણ ! આ એક જ કામ તારે કરવાનું છે.
*