________________
૪૬૦ )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો આત્મજ્ઞાનથી જ મુક્તિની શરૂઆત થાય છે અને એ જ જ્ઞાનથી સ્થિરતા દ્વારા મુક્તિ થાય છે. માટે તું શુદ્ધાત્માનું જ્ઞાન કર તેમાં શ્રદ્ધા અને સ્થિરતા પણ સાથે આવી જાય છે. માટે કહ્યું કે આત્મજ્ઞાનથી જ આત્માની સિદ્ધિ થાય છે.
અહીં સારાંશ એ છે કે જે ધર્મ, અર્થ, કામ આદિ બધાં પરદ્રવ્યની ઇચ્છાને છોડે છે તે નિજ શુદ્ધાત્મસુખરૂપ અમૃતમાં તૃપ્ત થયેલો, પરિગ્રહ રહિત છે એમ સિદ્ધાંત કહે છે. તેને જ નિગ્રંથ કહેવાય છે અને તે જ પોતાના આત્માને જાણે છે.
શુભાશુભભાવની પક્કડ છે તે પરિગ્રહ છે. ધર્મ એટલે પુણ્ય, અર્થ એટલે પૈસાની ઇચ્છા અને કામ એટલે વિષયોની ઇચ્છા એ ત્રણેય પારદ્રવ્યની ઈચ્છા છે. તે ઈચ્છાથી રહિત થઈને જે અતીન્દ્રિય આનંદના સ્વાદમાં તૃપ્ત થયો છે તે જ ઇચ્છાના પરિગ્રહથી રહિત છે. તેને જ પરદ્રવ્યની મમતાથી રહિત કહેવાય છે. પુણ્ય-પાપની ઇચ્છાના સ્વાદમાં આકળતા છે, દુઃખ છે. તેનાથી જે રહિત છે તે પરદ્રવ્યની મમતાથી રહિત છે.
બનારસીદાસના કથનમાં આવે છે ? ચાહે રહો ઘરમેં, ચાહો વસો વનમેં એ તો પરક્ષેત્રની વાત થઈ. આત્મા તો ત્રિકાળ પોતાના અસંખ્યાત પ્રદેશી ક્ષેત્રમાં જ રહેલો છે. આત્મા કદી પરક્ષેત્રમાં ગયો જ નથી, પરક્ષેત્રને અડ્યો પણ નથી.
જે મમતાથી રહિત છે તેને પરિગ્રહથી રહિત કહેવાય છે. પુણ્ય-પાપના વિકલ્પની પક્કડ છોડી જે આત્માના જ્ઞાનની પક્કડ કરીને તેમાં કર્યો છે તેને મમતાથી રહિત અપરિગ્રહી કહેવાય છે, તેને જ નિગ્રંથ કહેવાય છે. આત્મા તો નિગ્રંથસ્વરૂપ જ છે અને તેમાં દૃષ્ટિ અને સ્થિરતા થવી તે નિગ્રંથભાવ છે. પુણ્ય-પાપના ભાવ તે ગ્રંથ છે તેનાથી રહિત તે નિગ્રંથ છે.
આવી જ વાત સમયસારજીમાં ‘રિહો....' ઇત્યાદિ ગાથામાં કહી છે. જિનસિદ્ધાંતમાં પરિગ્રહ રહિત અને ઈચ્છારહિતને જ્ઞાની કહેવામાં આવે છે. પરિગ્રહ એટલે પુણ્ય-પાપની પક્કડ અને તેની ઈચ્છા વિનાનો છે તે જ્ઞાની છે..
જેને વ્યવહારધર્મની પણ કામના નથી તેને અર્થ તથા કામની ઇચ્છા કેમ હોય ! ધર્મ એટલે મહાવ્રતના ભાવ કે જે પુણ્યભાવ છે. તેને પણ જે ચાહતો નથી તેની ભાવના નથી. એક માત્ર જ્ઞાનાનંદ શુદ્ધ સ્વરૂપની જ ભાવના છે, તેને પાપરૂપ એવી અર્થ અને કામની ભાવના કેમ હોય ! તેને તો એક શુદ્ધસ્વરૂપની જ પક્કડ છે. વ્યવહારધર્મ છે પણ તેની જ્ઞાનીને પક્કડ નથી. શુભભાવની પણ ભાવના નથી તેને અશુભભાવની ભાવના ક્યાંથી હોય ! અશુભભાવ આવી જાય તે જુદી વાત છે પણ તેની ભાવના હોતી નથી. શુભ ભાવ આવે છે પણ તેમાં એકાગ્ર થઈને તેની વૃદ્ધિ કરે એવી ભાવના નથી. માટે કહ્યું કે આત્મજ્ઞાની સર્વ અભિલાષાથી રહિત છે.