________________
પ્રવચન-૬૯ ]
[ ૪૫૯
પ્રકારના ઊંધા પુરુષાર્થને છોડીને જ્ઞાન વડે આત્માને જાણ ! સ્વસંવેદન જ્ઞાન વડે આત્મામાં ઠરીશ ત્યારે જ આત્મા જણાશે.
ભાવાર્થ :નિજ શુદ્ધાત્મા જ્ઞાનને જ ગોચર છે. કારણ કે મતિજ્ઞાનાદિ પાંચ ભેદોથી રહિત જે પરમાત્મા શબ્દનો અર્થ પરમપદ છે તે જ સાક્ષાત્ મોક્ષનું કારણ છે. તે સ્વરૂપ પરમાત્માને વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાન વિના દુર્ધર તપ કરવાવાળા પણ ઘણાં પ્રાણી પામતા નથી માટે જ્ઞાનથી જ તારું સ્વરૂપ અનુભવમાં લે.
જ્ઞાન એટલે શુભાશુભ વિકલ્પ અને રાગથી રહિત નિર્મળ પર્યાય વડે આત્મા ગમ્ય થાય છે—જણાય છે. આ જ્ઞાન સિવાય લાખ-કરોડ ક્રિયા કરીને મરી જાય તોપણ આત્મા ગમ્ય થઈ શકે તેમ નથી. ક્રિયા અને એવો શુભરાગ હોય તેની ના નથી. અશુભ રાગથી બચવા માટે શુભરાગ અને તે કાળે એવી ક્રિયા પણ હોય છે પણ તેનાથી ધર્મ થતો નથી—આત્મા ગમ્ય થતો નથી.
રાગથી પણ આગળ વધીને અહીં તો મતિજ્ઞાનાદિ પાંચ ભેદોનો પણ નિષેધ કર્યો છે. ભેદોથી પણ રહિત એકલો અખંડાનંદ ભગવાન આત્મા છે તેને પરમાત્મા અર્થાત્ પરમપદ કહેવાય છે. આ પરમપદ જ સાક્ષાત્ મોક્ષનું કારણ છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, · અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન આવા પાંચ ભેદોથી રહિત અખંડ જ્ઞાન ઓનંદ સ્વરૂપ વસ્તુ તે પરમપદ છે. તેની પ્રાપ્તિ નિર્વિકલ્પ શ્રદ્ધા, નિર્વિકલ્પ જ્ઞાન અને નિર્વિકલ્પ શાંતિરૂપ સ્વસંવેદન વડે જ થાય છે. તેના વિના કોઈ દુર્ધર તપ કરે તોપણ પરમપદની પ્રાપ્તિ થતી નથી. માટે ગુરુ શિષ્યને કહે છે કે તું. જ્ઞાનથી તારા સ્વરૂપનો અનુભવ કર. ધ્રુવ...ધ્રુવ....એકરૂપ ભગવાન આત્માનો સભ્યજ્ઞાન દ્વારા અનુભવ કર.
આવું જ કથન શ્રી કુંદકુંદ આચાર્યે સમયસારની ૨૦૫ ગાથામાં કર્યું છે. તેનો અર્થ એ છે કે સમ્યજ્ઞાન નામના નિજગુણથી રહિત પુરુષ આ બ્રહ્મપદને બહુ કષ્ટ કરીને પણ પામતો નથી અર્થાત્ મહાન દુર્ધર તપ કરવા છતાં પણ આ પદને પામતો નથી. ત્રિકાળ આત્મસ્વભાવનું જે નિર્મળ જ્ઞાનસમ્યજ્ઞાન જેને નથી તે પુરુષ તપ કરીને સૂકાય જાય પણ આત્માનો અનુભવ થતો નથી.
કોઈને પ્રશ્ન થાય કે તપ એ તો ધર્મ છે તેનાથી આત્મા કેમ ન પ્રાપ્ત થાય !—ભાઈ ! આ તાપ એટલે શુભરાગની મંદકષાયની ક્રિયારૂપ તપથી ધર્મ થતો નથી એમ કહ્યું છે. સ્વરૂપમાં ઠરવારૂપ તપની આ વાત નથી. નિશ્ચયતપ વિના ઉપવાસ કરે, ઉણોદરી કરે, વૃત્તિપરિસંધ્યાન કરે, રસનો ત્યાગ કરે, દેવ-શાસ્ર-ગુરુનો વિનય કરે, ભક્તિ કરે, જાત્રા કરે....એવા એવા અનેક પ્રકારના દુર્ધર તપ કરે તોપણ ભગવાન આત્માનું જ્ઞાન થતું નથી. માટે જો તું આકુળતાના વિકારના દુઃખથી છૂટવા માગતો હો, સિદ્ધપદની ઇચ્છા રાખતો હો તો આત્મજ્ઞાન કરીને નિજપદની પ્રાપ્તિ કર !
ૐ