________________
જ્ઞાનીને શુભભાવની ભાવના નથી
(સળંગ પ્રવચન નં. ૬૯)
आत्मा ज्ञानस्य गम्यः परः ज्ञानं विजानाति येन ।
त्रीण्यपि मुक्त्वा जानीहि त्वं आत्मानं ज्ञानेन तेन ॥ १०७ ॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ ભાગની ૧૦૬ ગાથાનો ભાવાર્થ છે. તેમાં ગુરુ શિષ્યને કહે છે શું કહે છે !
હે પ્રભાકર ભટ્ટ! મુનિરૂપ ધર્મ, અર્થરૂપ સંસારના પ્રયોજન અને કામ (વિષય અભિલાષા) આ ત્રણેય આત્માથી ભિન્ન છે. જ્ઞાનરૂપ નથી. નિશ્ચયનયથી સર્વ પ્રકારે નિર્મળ એક કેવળજ્ઞાનસ્વરૂપ પરમાત્મપદાર્થથી ભિન્ન આ ત્રણેય પુરુષાર્થથી ભિન્ન આ ત્રણેય પુરુષાર્થને છોડીને વીતરાગસ્વસંવેદનસ્વરૂપ શુદ્ધાત્માનુભવરૂપ જ્ઞાનમાં રહીને આત્માને જાણ ! શિષ્યે ગુરુને એવું પૂછ્યું છે કે પ્રભુ! મને એવું બતાવો કે જેથી મને જલ્દી આત્મજ્ઞાન થાય. બીજા કોઈ વિકલ્પોનું મારે કામ નથી. એ આત્માની પ્રાપ્તિ જ ધર્મ અને સુખનું કારણ છે માટે તેનો ઉપાય બતાવો.
ગુરુ શિષ્યને જવાબ આપે છે કે મુનિરૂપ ધર્મ એટલે કે મુનિના પંચમહાવ્રતાદિરૂપ વ્યવહાર આચરણ છે તે ખરો ધર્મ નથી, પુણ્ય છે અને લક્ષ્મી કમાવાનો ભાવ થાય છે તે પાપભાવ છે અને કામ એટલે વિષયભોગની અભિલાષા થવી તે પણ પાપભાવ છે. આ ત્રણેય ભાવો આત્માના જ્ઞાનાનંદ ભાવથી જુદા છે, જ્ઞાનસ્વરૂપ નથી, માટે તે આત્માનું સ્વરૂપ નથી. અજ્ઞાનસ્વરૂપ છે એટલે કે તેમાં જ્ઞાનનો અંશ પણ નથી. માટે આ શુભ-અશુભ વિકલ્પ છે તે ધર્મ નથી અને ધર્મનું કારણ નથી.
નિશ્ચયનયથી સર્વ પ્રકારે વિશદ નામ નિર્મળ એક કેવળજ્ઞાનસ્વરૂપ હું આત્મા છું તો મને મારા આત્મધર્મની પ્રાપ્તિ કેમ થાય ?—કે તારાથી ભિન્ન જે કોઈ શુભ-અશુભ ભાવ છે તેને તારાથી ભિન્ન જાણ અને તું તેનાથી ભિન્ન છો એમ જાણ ! શુભાશુભભાવો ઓ આસ્રવતત્ત્વ છે અને તું તો જીવતત્ત્વ છો. માટે એ ધર્મ, અર્થ અને કામના પુરુષાર્થને છોડીને, કેવળ એક આત્મા છું એમ જાણ.
અહીં કેવળ એટલે કેવળજ્ઞાનની વાત નથી. અહીં તો કેવળ એટલે માત્ર એક ત્રિકાળી દ્રવ્યની વાત છે. તેનાથી ભિન્ન એવા ધર્મ, અર્થ અને કામનો પુરુષાર્થ તો છોડવાયોગ્ય છે. જુઓ ! ગુરુએ શિષ્યને પ્રથમ જ આ કરવાનું કહ્યું છે. પહેલાં દયા, દાન, વ્રત, ભક્તિ પાળજે અને પછી ધર્મનો પુરુષાર્થ કરજે એમ કહ્યું નથી. વચ્ચે ભલે એવો વ્યવહારનો ભાવ આવે પણ તે કાંઈ આદ૨વા જેવી ચીજ નથી. મુનિ અને શ્રાવકને યોગ્ય વ્રતાદિના ભાવને