________________
પ્રવચન-૬૮
[ ૪૫૩ શ્રોતા :–પર્યાય તો ઉપર ઉપર તરે છે ને !
પૂજ્ય ગુરુદેવશ્રી –હા, પર્યાય ઉપર-ઉપર જ તરે છે. દ્રવ્યની અંદર પ્રવેશી ગઈ નથી પણ, દ્રવ્યના પ્રદેશોમાં જ પર્યાય થાય છે. તેનાથી બહાર પર્યાય થતી નથી એમ કહેવું છે. પર્યાય પોતાનું ક્ષેત્ર છોડીને દૂર જતી નથી. પર્યાય દ્રવ્ય, ગુણ સાથે અભિન્ન છે. અસંખ્યપ્રદેશી ભગવાન આત્મા, તેમાં એકરૂપ ત્રિકાળી જ્ઞાનગુણ અને તેની એક સમયની પ્રગટતી પર્યાય એ દ્રવ્ય-ગુણરૂપ થઈ જતી નથી, ઉપર-ઉપર જ તરે છે પણ અસંખ્યપ્રદેશને છોડીને બહાર નીકળતી નથી. જ્ઞાન ખૂબ વધી ગયું માટે ઘણાં શેયોને જાણે છે તો સ્વક્ષેત્રમાંથી બહાર નીકળી જાય છે, એમ નથી.
ગાથા દીઠ નવી વાત કહેવા માટે નવી ગાથા ઉપાડે છે. એની એ વાત નથી.
મન:પર્યયજ્ઞાન પ્રગટ થાય તે અઢીદ્વીપના મનુષ્યો અને તિર્યંચોના મનની વાત જાણી લે છે પણ તે જાણવા માટે કાંઈ તેને મનુષ્ય, તિર્યંચની પાસે જવું પડતું નથી. પોતાના અસંખ્યપ્રદેશમાં રહીને જ પર્યાય બધું જાણે છે. એક અંશમાત્ર પણ તેને પોતાના ક્ષેત્રથી બહાર જવું પડતું નથી. પોતાના દ્રવ્ય, ગુણ સાથે અભિન્ન રહીને જ્ઞાનની પર્યાય જાણવાનું કાર્ય કરે છે.
એ જ રીતે, કેવળજ્ઞાન પર્યાય આખા લોકાલોકને જાણે છે પણ પોતાના અસંખ્યપ્રદેશથી બહાર વ્યાપતી નથી. કેવળ એટલે એકલું ત્રિકાળી જ્ઞાન છે એ તો શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ ધ્રુવ છે તે તો દ્રવ્યની બહાર નથી પણ પ્રગટેલી કેવળજ્ઞાન પર્યાય પણ દ્રવ્યથી બહાર વ્યાપતી નથી. દ્રવ્ય, ગુણ, પર્યાય પોતાના અસંખ્યપ્રદેશમાં અભિન્નપણે રહેલા છે.
એ બાળકો ! ગુણની વ્યાખ્યા શીખ્યા છો ને ! ગુણ કોને કહેવાય?—જે દ્રવ્યના પૂરા ભાગમાં અને તેની સર્વ હાલતમાં રહે તેને ગુણ કહેવાય છે. આ ભાષા તો શીખ્યા છો હવે તેનો ભાવ સમજો. આત્મા એક દ્રવ્ય છે અને જ્ઞાન તેનો ગુણ છે તેથી જ્ઞાન આત્માના અસંખ્ય પ્રદેશોમાં અને સર્વ હાલત એટલે મતિ, શ્રત, અવધિ આદિ બધી પર્યાયમાં વ્યાપેલું છે. એક પ્રદેશ પણ જ્ઞાન આત્માથી દૂર રહેતું નથી. આત્મામાં જ રહે છે. કેવળજ્ઞાન પર્યાય તો આખા લોકાલોકને જાણે છે પણ આત્માના પ્રદેશથી બહાર નીકળતી નથી. જ્ઞાનગુણ તે હાલતમાં એટલે પર્યાયમાં રહેલો છે પણ દ્રવ્યની બહાર જ્ઞાનગુણ આવતો નથી.
જ્ઞાનગુણ આત્મામાં ત્રિકાળ રહે છે અને જ્ઞાનની પર્યાય એક સમય માત્ર જ રહે છે પણ આત્માના પૂરા પ્રદેશમાં વ્યાપે છે. જ્ઞાનની જેમ બધા જ ગુણો અનાદિ અનંત આત્માના અસંખ્યપ્રદેશમાં વ્યાપેલા છે અને પર્યાયો એક સમય પૂરતી હોય છે પણ અસંખ્યપ્રદેશમાં વ્યાપે છે. આ બધું વસ્તુનું સ્વરૂપ એ માટે કહેવાય છે કે આનાથી વિપરીત કોઈ કહેતું હોય તો તે સાચું નથી. સર્વજ્ઞભગવાને જોયેલું વસ્તુનું સ્વરૂપ આવું છે એવું જ