________________
૪૫ર
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો ક્ષેત્રમાં જ અનંત ભાવો વસેલા છે. એક આત્મા તેના અસંખ્ય પ્રદેશ અને તેમાં અનંત અનંત ગુણો એક જ ક્ષેત્રમાં વસેલા છે. જ્ઞાન, આનંદ, સુખ, વિર્ય, સ્વચ્છત્વ, પ્રભુત્વ આદિ અનંત ગુણો અને એક એક ગુણમાં અનંત સામર્થ્ય એ બધું આત્માના સ્વક્ષેત્રની અંદર રહેલું છે.
આમ, જ્ઞાન અર્થાત્ આત્મા દેહપ્રમાણ પણ કહેવાય છે અને અસંખ્યપ્રદેશની અપેક્ષાએ લોકપ્રમાણ પણ કહેવાય છે. લોકના પ્રદેશોની જેટલી સંખ્યા છે એટલી જ આત્માના પ્રદેશોની સંખ્યા છે પણ આત્મા આખા લોકમાં વ્યાપી જતો નથી. આત્મા તો દેહપ્રમાણ સ્વક્ષેત્રમાં જ વ્યાપે છે. સંસારદશામાં આત્માની પર્યાયમાં સંકોચ-વિસ્તાર થવાની યોગ્યતા હોવાથી હાથીના શરીરમાં જાય તો આત્મા હાથીના શરીર પ્રમાણમાં વ્યાપે છે. 'કીડીના શરીરમાં જાય તો આત્માના પ્રદેશો સંકોચાઈને એટલા જ ક્ષેત્રમાં રહે છે. પ્રદેશોની સંખ્યામાં વધ-ઘટ ન થાય, પ્રદેશો નાના-મોટા ન થાય પણ તેનો વિસ્તાર હોય તે સંકોચ પામે. એવો એ પર્યાયનો સંકોચ-વિસ્તાર સ્વભાવ સ્વતઃ જ છે.
ભાવાર્થ :–નિશ્ચયનયથી અર્થાત્ સત્ય દૃષ્ટિથી જોઈએ તો મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ આ પાંચ જ્ઞાનોથી અભિન્ન તથા વ્યવહારનયથી જ્ઞાનની અપેક્ષારૂપ જોવામાં નેત્રોની જેમ લોક-અલોકમાં વ્યાપક છે. અર્થાત્ જેમ આંખરૂપી પદાર્થને જુએ છે પણ તે-રૂપ થઈ જતી નથી. તેમ આત્મા લોકાલોકને જાણે છે પણ લોકાલોકરૂપ થઈ જતો નથી, પોતાના સ્વરૂપે જ રહે છે.
મતિ, શ્રુત આદિ પાંચ પર્યાયોથી આત્મા જુદો નથી, અભિન્ન છે. ત્રિકાળ જ્ઞાનગુણ તેની પાંચ પર્યાયોથી અભિન્ન છે અને તે અસંખ્ય પ્રદેશોમાં જ વ્યાપક છે. કેવળજ્ઞાન થાય એટલે કાંઈ જ્ઞાન વધી ગયું અને આખા લોકાલોકમાં ફેલાય જાય છે એમ નથી. પોતાના અસંખ્યપ્રદેશમાં રહીને જ જ્ઞાન સર્વને જાણે છે. અવધિજ્ઞાનમાં અસંખ્ય દ્વીપ, સમુદ્ર સુધીના પદાર્થો જ્ઞાનમાં જણાય છે પણ તે પોતામાં રહીને જ જણાય છે. જ્ઞાન કાંઈ આત્માથી જુદું પડીને તે પદાર્થને જોવા જતું નથી. જ્ઞાન અને આત્મા ત્રણે કાળ અભિન્ન જ છે. જ્ઞાનની પર્યાય આત્માથી ભિન્ન પડીને ક્યાંય જતી નથી. જ્ઞાનની પર્યાય આત્મામાં અભિન્ન છે. બાળકો ! આમાં ધ્યાન રાખો. વાતો કરતાં કરતાં આ વાત સમજાય તેમ નથી. સૂક્ષ્મ વાત છે.
તારો મતિજ્ઞાનનો કણિયો જાગે તે પણ દ્રવ્ય, ગુણથી અભિન્ન છે અને શ્રુતજ્ઞાન થોડું જાગે કે બાર અંગને જાણતું શ્રુતજ્ઞાન જાગે તે પણ આત્માથી અભિન્ન છે. આત્માના અસંખ્યપ્રદેશમાં જ આ મતિ-શ્રુતાદિ જ્ઞાનની પર્યાય થાય છે. અસંખ્યાત દ્વીપ, સમુદ્ર સુધીના રૂપી પદાર્થને જાણતી અવધિજ્ઞાનની પર્યાય પણ આત્મા સાથે અભિન્ન છે. તે આત્માના અસંખ્યપ્રદેશમાં જ વ્યાપે છે, તેનાથી બહાર વ્યાપતી નથી.