________________
૪૪૮ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
જ્ઞાનના બળથી આત્માને જાણતાં અનાકુળ અતીન્દ્રિય આનંદ પણ અનુભવમાં આવે છે. રાગમાં તો આકુળતા હતી, વિકલ્પ ઉઠે છે તે જ આકુળતા છે, દુઃખ છે અને જ્ઞાનમાં તો જ્ઞાનની સાથે આનંદ પણ છે તેમાં તન્મય થઈને આત્માનો અનુભવ કર. આત્માના આનંદનો સ્વાદ લઈને આત્માને જાણ ! આકુળતામાં તો અનંતકાળ ગાળ્યો પણ તેનાથી કદી આત્મા જણાયો નહિ. ખરેખર, આકુળતા અને પરનું જ્ઞાન એ કાંઈ વસ્તુનું સ્વરૂપ નથી. શુભાશુભભાવ અને પરને જાણનાર ઉઘાડજ્ઞાન ઘણું દેખાય પણ તે કાંઈ વસ્તુ નથી, તેમાં આત્માનું જ્ઞાન કે સુખ નથી, તેમાં તો આકુળતા છે. માટે ત્યાંથી ખસી, સ્વ તરફ ઢળી આત્માના અનાકુળ આનંદ સહિત આત્માને જાણ! તેમાં જ્ઞાનનું બળ છે, પરના જ્ઞાનમાં તો આકુળતા છે.
ગાથા દીઠ વાત નવી નવી કરે છે. એનું એ લાગે પણ દરેક ગાથામાં નવો ભાવ આવે છે. આ ગાથામાં એ આવ્યું કે પરના જ્ઞાન સાથે આકુળતા છે અને સ્વના જ્ઞાનમાં નિરાકુળ અતીન્દ્રિય આનંદ છે માટે સ્વસંવેદનજ્ઞાન–પોતાથી પોતાના આત્માનું જ્ઞાન જ સારભૂત છે. આવો ઉપદેશ શ્રી યોગીન્દ્રદેવે પ્રભાકર ભટ્ટને આપ્યો છે, તે જ બધાંને લાગુ પડે છે. બધાએ આવું આત્મજ્ઞાન કરવું તે જ સાર છે.
*Z
આ જ્ઞાયક આત્માને વિભાવભાવરૂપ અશુદ્ધપણું દૂર રહો અર્થાત્ છે જ નહીં પણ તેને દર્શન–જ્ઞાન–ચારિત્ર એવા ભેદ પણ નથી. અભેદ જ્ઞાયકભાવમાં ભેદની હયાતી જ નથી. સમ્યગ્દર્શનનો વિષય જે એકરૂપ અભેદ જ્ઞાયકભાવ તેમાં દર્શન–જ્ઞાન–ચારિત્ર એવા ભેદો વિદ્યમાન નથી.
— પૂજ્ય ગુરુદેવશ્રી