________________
પ્રવચન-૬૭ ]
( ૪૪૭ જે આત્માને જાણવાથી એટલે સ્વસંવેદનશાનવડે જાણવાથી સ્વ અને પર બધાં પદાર્થ જાણવામાં આવે છે તે પોતાના આત્માને તે યોગી! તું આત્મજ્ઞાનના બળથી જાણ! સ્વસંવેદનજ્ઞાનમાં જ જાતની ભાત પડે છે માટે જ તે સાચું જાણવું કહી શકાય. સ્વસંવેદનજ્ઞાનથી આત્માને જાણે તો જ આત્માને જાણ્યો કહેવાય.
સ્વસંવેદનજ્ઞાનથી આત્માને જાણવાથી સ્વ અને પર બધાં પદાર્થો જાણવામાં આવે છે. એકને જાણે તેને બધું જણાય છે પણ જે બધાંને જાણવાં જાય છે તેને કાંઈ જણાતું નથી. જ્ઞાનસ્વરૂપ પ્રભુને જાણવાથી પોતાનું સ્વરૂપ અને પરના દ્રવ્ય, ગુણ, પર્યાય આદિ બધું જાણવામાં આવી જાય છે. અહીં નિજઆત્માને જાણવાનું કહ્યું છે. અરિહંત, સિદ્ધના આત્મા તારી પાસે નથી પણ તારો આત્મા તો તારી પાસે જ તું જ છો. તેને જાણ તો બધું જણાશે.
શેઠીયાનો (-દીપચંદજીનો) દીકરો ગુજરી ગયો ત્યારે તેણે મારા જ્ઞાન...મારા જ્ઞાન ગાયું હતું ને ! દીકરો મારો નથી, મારું તો જ્ઞાન છે. અહા ! આ શરીરમાં હાડકાં વ્યવસ્થિત હાથ, પગ, કોણી, ગોઠણ વગેરેમાં કેવાં ગોઠવાઈ ગયા છે ! –પણ એ સળગીને રાખ થઈ જવાના છે. જે માટી છે એ તો માટી જ રહે, શરીર તો જડનો સંચો છે. તેમાં રજકણે રજકણ સ્વતંત્રપણે પોતાથી કામ કરે છે તેને આત્મા ચલાવી શકતો નથી. બહારથી અવયવો સારા લાગે પણ તેના રજકણો ક્યાંકથી આવ્યા છે અને કયાંય ચાલ્યા જવાના છે, તારા થઈને રહેવાના નથી. ધૂળનું ઢીંગલુ વિખાઈ જવાનું છે. તું તો જ્ઞાનચક્ષુનો ધારી ચૈતન્યગુણધારી મહિમાવંત પ્રભુ છો તેને જાણે તેણે બધું જાણ્યું.
આવા આત્માને શેનાથી જાણવો? – આત્મજ્ઞાનના બળથી જાણવો એ કાંઈ વિકલ્પથી કે શરીરથી કે કોઈ નિમિત્તોથી જણાય તેવો નથી. કષાયની મંદતા કરવાથી પણ તે જણાય તેવો નથી. ચિદાનંદમૂર્તિ આત્મા એકમાત્ર જ્ઞાનબળથી જ જણાય તેવો છે માટે તું સમ્યજ્ઞાનને બળ વડે આત્માને જાણ ! .
| હે યોગી! તું તારા આત્માને જ્ઞાનબળથી જાણ એમ કહ્યું છે પણ શુભરાગના બળથી આત્માને જાણ કે વિકલ્પથી કે નિમિત્તથી કે તેના બળથી આત્માને જાણ એમ કહ્યું નથી. દેવ-શાસ્ત્ર-ગુરુના બળથી પણ આત્મા નહિ જણાય. આત્મા તો સમ્યજ્ઞાનના બળ વડે જ જણાશે.
ભાવાર્થ –રાગાદિ વિકલ્પજાળથી રહિત સદા આનંદસ્વભાવી જે નિજ આત્મા તેને જાણવાથી સ્વ અને પર બંને જણાય છે. સદા આનંદસ્વભાવી એક નિજઆત્માને જાણવાથી બધું જણાય છે. સમ્યજ્ઞાન થતાની જ સાથે જ અતીન્દ્રિય આનંદ પણ સાથે આવે છે. માટે હે યોગી ! હે ધ્યાની ! તુ તે આત્માને વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાનની ભાવનાથી ઉત્પન્ન પરમાનંદ સુખરસના આસ્વાદથી જાણ અર્થાત્ તન્મય થઈને અનુભવ કર.