________________
૪૪૬ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
લક્ષ્મી વધી, અધિકાર વધ્યો-મોટી પદવી અને બિરુદ મળ્યાં, કુટુંબ વધ્યું, તે પણ બધા રૂપાળા અને હોશિયાર થયાં તોપણ કાંઈ વધ્યું નહિ? ના. એ બધાં તારા નરદેહને હારી જવાના લક્ષણ છે. પણ અરે ! તને તેનો કાંઈ વિચાર નથી. આ વૈભવ તને વૈભવ લાગે છે અને તારા સ્વભાવનો વૈભવ તને શ્રદ્ધામાં બેસતો નથી! તું તો વૈભવનો ભંડાર છો.
કુંદકુંદ આચાર્ય કહે છે કે હું મારા વૈભવથી તને કહીશ એ તો પર્યાયના વૈભવની વાત છે પણ દ્રવ્યના વૈભવનું તો શું કહેવું! દીકરીને પરણાવે ત્યારે તેનો કરિયાવર જોવા બધાંને બોલાવે છે; તેમાં તો કાંઈ જોવા લાયક નથી. જોવા લાયક તો આ ભગવાન તારો વૈભવ તને બતાવે છે તે જોવા જેવો છે. પહેલાં વૈભવ તો સાધારણ પુણ્યથી મળેલાં છે પણ આ તો શુદ્ધભાવથી મળેલો વૈભવ છે. સંસારના વૈભવ તો નિગોદમાંથી નીકળીને જીવ પામી શકે છે. જે તને બહુ કિંમતી લાગે છે એવા વૈભવ મળવા યોગ્ય પુણ્યનો બંધ તો નિગોદના જીવ પણ કરી શકે છે માટે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. નિગોદમાં તો દાનાદિના પરિણામ નથી છતાં સાધારણ શુભભાવના ફળમાં ત્યાંથી નીકળીને કરોડોપતિ રાજા થઈ શકે છે. એવી સંપદાની તને મહિમા આવે છે તો શુદ્ધભાવની સંપદા અને તે જેમાંથી આવે છે એવા સ્વભાવની સંપદાનું માહા... તને નથી આવતું :
આગળ ચાર બોલ કહ્યા હતાં તેના જ આ બધાં દષ્ટાંત છે. “એક આત્માને જાણે તે સર્વને જાણે ! એક જ્ઞાનની પર્યાયમાં આખું લોકાલોક પ્રત્યક્ષ જણાય છે. એવો જ્ઞાનનો સ્વભાવ છે. એકને જાણતાં જગત જણાય એ ગાથાનો જ આ વિસ્તાર છે. “જગત”ના ચાર પ્રકાર પાડ્યા કે એક આત્માને જાણતાં બીજું બધું પર છે એ પણ જણાય છે. આત્મા આનંદમય છે એવું જાણતાં આનંદની વિરુદ્ધ એ બધાં રાગના ભેદો જણાય જાય છે કે મારાં આનંદથી આ બધાં ભાવો જુદા છે માટે મારા નથી. શુદ્ધ આત્માને જાણવાની સાથે તેના વ્યાપ્તિજ્ઞાનથી આખા જગતનું અનુમાન આવી જાય છે અને જ્ઞાન પૂર્ણ થાય ત્યારે તો કેવળજ્ઞાનમાં સ્વ-પર બંને પૂર્ણપણે જણાય છે. આમ, એક આત્માને જાણતાં આખું જગત જણાય છે એમ સિદ્ધ કર્યું છે.
નિર્મન માન-નિર્મળ એટલે મિથ્યાત્વ અને રાગાદિથી રહિત સ્વચ્છ આત્મામાં સમસ્ત લોકાલોક જણાય છે. રાગાદિથી મલિન આત્મામાં લોકાલોક જણાતું નથી.
ભાવાર્થ: આ વિષયનું વ્યાખ્યાન આગળ આવી ગયું છે તે પ્રમાણે અહીં પણ જાણવું. સાર એ છે કે જે બધાંનો જ્ઞાતા-દષ્ટા આત્મા છે તે ઉપાદેય છે. આ ગાથા આગળના ચાર બોલને જ દઢ કરે છે. “એક આત્માને જાણતાં સર્વ જણાય છે. પરમાત્મપ્રકાશ અલૌકિક છે.
હવે આગળ કહે છે કે જે આત્માને જાણવાથી બધાં પર પદાર્થ જણાય જાય છે એ જ આત્માને તું સ્વસંવેદનજ્ઞાનના બળથી જાણ !