________________
૪૪૪ ]
[ પરમ પ્રકાશ પ્રવચનો અહો ! આવો મહાન પદાર્થ ! જેની શક્તિનું અપારપણું કેવું કે તેની પ્રગટ દશામાં એક સમયમાં અપાર શક્તિ પ્રગટ થાય છે છતાં શક્તિનો પિંડ તો એવો ને એવો પડ્યો છે. તેની ખાણમાંથી ક્યારેય કાંઈ ખૂટે તેમ નથી. અખૂટ ખજાનો છે. અનંતકાળ સુધી અનંતુ નીકળ્યા કરે તો પણ તે ખૂટે તેમ નથી.
કોઈની પાસે અબજો રૂપિયા હોય અને લાખોની પેદાશ હોય તેને એમ થાય કે હું રોજના લાખ વાપરું તોપણ કદી ખૂટે તેમ નથી. પણ ભાઈ ! તું અહીં કેટલો ટાઈમ રહેવાનો છો? અને લાખ વાપરતાં પણ તને શાંતિ ક્યાં છે ! પૈસામાં ક્યાં શાંતિ હતી કે તેમાંથી તને શાંતિ મળે ! અહીં તો એવી ખાણ છે કે જેમાંથી કેવળજ્ઞાનરૂપી રત્ન દરેક સમયે નીકળ્યા જ કરે નીકળ્યા જ કરે પણ સાદિ અનંતકાળ એ ખાણમાંથી રત્ન ખૂટવાના નથી. પણ અરે ! જીવોને આવા વસ્તુસ્વભાવની વાત બેસતી નથી તેથી જ આચાર્યને કહેવું પડ્યું કે “આ આત્મવસ્તુનો સ્વભાવ છે તેમાં શંકા ન કરીશ.'
“અરે ! બહારમાં ક્યાંય સુખ નથી. ઇન્દ્રો પણ જેમાં શેકાય છે ત્યાં શેઠિયાની શું વાત ! અનુકૂળતાની લહેરો ચાલી જતી હોય, એક પછી એક ચડિયાતી અનુકૂળતા મળતી રહેતી હોય પણ તેના તરફનો આશ્રિતભાવ દુ:ખરૂપ છે તો પ્રતિકૂળતામાં તો દુઃખ છે જ. અનુકૂળતા હો કે પ્રતિકૂળતા હો પણ બંનેમાં પરાશ્રિતભાવ હોવાથી જીવ એ અગ્નિમાં શેકાય છે. પરદ્રવ્યનો વિચાર અને વિકલ્પ પણ દુઃખરૂપ છે. એક માત્ર સ્વભાવ સુખરૂપ છે જેમાંથી સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જાણનારું કેવળજ્ઞાન નીકળ્યા જ કરે એવી તારી ચૈતન્યખાણનો આશ્રય કરે અને તેનો અનુભવ કરે તો તને સુખ થશે. બાકી બધું થોથાં છે
વસ્તુના સ્વભાવના માપ શા ! અમાપ સ્વભાવના માપ ન હોય. બેહદ સ્વભાવને હદ ન હોય. એવા બેહદ અમાપ–અમાપ સ્વભાવની શ્રદ્ધા કર ! શંકા ન કર! નિઃસંદેહ થઈને એવા સ્વભાવનો અનુભવ કર ! વિકારની અગ્નિમાં શેકાવાનું રહેવા દે.
આ જગ્યાએ એવો સારાંશ છે કે કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતસુખ અને અનંતવીર્યરૂપ કાર્યસમયસાર છે તે આરાધવા યોગ્ય છે એટલે કે પ્રગટ કરવા યોગ્ય છે. કેવળ એટલે એકલું જ્ઞાન, એકલું દર્શન, એકલું સુખ અને એકલું વીર્ય પ્રગટ કરવા લાયક છે એટલે કે દ્રવ્યમાં એકાગ્ર થવાલાયક છે. મોક્ષમાર્ગ પ્રગટ કરવા લાયક છે એમ ન કહ્યું કેમ કે મોક્ષમાર્ગ એ પ્રગટ તો કરવાનો છે પણ એટલામાં અટકવાનું નથી.
આગળ આ જ અર્થનો ફરી ખુલાસો કરવા માટે દ્રષ્ટાંત આપીને ૧૦૨મી ગાથા કહે છે.
અર્થ :–જેમ તારાઓનો સમૂહ નિર્મળ જળમાં પ્રતિબિંબિત થતો પ્રત્યક્ષ દેખાય છે તેમ, મિથ્યાત્વ રાગાદિ વિકલ્પોથી રહિત સ્વચ્છ આત્મામાં સમસ્ત લોકઅલોક ભાસે છે.