________________
પ્રવચન-૬૭
| ૪૪૩
ઉત્કૃષ્ટ પ્રતિકૂળતા સાતમી નરકના નારકીને છે અને ઉત્કૃષ્ટ અનુકૂળતા દેવલોકના દેવ શક્રેન્દ્રને છે. જેને ૩૨ લાખ તો વિમાન છે. એક એક વિમાનમાં અસંખ્ય દેવો છે તેનો સાહેબો નાથ છે એટલે અર્ધલોકનો સ્વામી છે. કરોડો અપ્સરા છે, કદી રોગ થતો નથી, ક્ષુધા, તૃષાનું દુઃખ નથી. ઇચ્છા થાય ત્યાં અમૃત ઝરે છે. એવો જીવ પણ દુઃખી છે કેમ કે પરદ્રવ્યનો ઓશિયાળો છે. એની લાગણી પરાધીન છે. સ્વદ્રવ્યની ખબર નથી માટે તે દુઃખી છે. શક્રેન્દ્ર તો જ્ઞાની હોય છે તેથી તેને સ્વદ્રવ્યનું જ્ઞાન છે પણ જેટલી અસ્થિરતા છે એટલું દુઃખ તેને પણ છે.
સમકિતી દેવને પોતાનું ભાન હોવાથી બધો વૈભવ પર લાગે છે. આ મારું નહિ....નહિ...તેના પ્રત્યેનો ભોગનો વિકલ્પ ઊઠે તે પણ તેને દુઃખદાયક ભાસે છે. બે—બે સાગરના અસંખ્ય અબજો વર્ષના આયુષ્ય છે તે પ્રમાણે ત્યાં રહે છે પણ શાસ્ત્ર કહે છે તે દુઃખના અંગારામાં સળગે છે. પુણ્ય-પરિણામના ફળરૂપે આવેલી અનુકૂળતાનો રાગ પણ અંગારા સમાન છે તેમાં એ સળગે છે. ભગવાન આત્માના આશ્રય સિવાય જેટલો પરાશ્રિત વિકલ્પ ઊઠે છે તે અંગારા છે તેમાં એ શેકાય છે. ૩૨ લાખ વિમાન, કરોડો દેવી, બે સાગરની સ્થિતિ....એ બધા તરફની લાગણી એને અંગારા જેવી દુઃખદાયક લાગે છે. એવું જેને દુઃખ લાગ્યું છે અને સ્વભાવને શોધીને અંદ૨માં જાય છે તેને આનંદ આવે છે. પ્રતિકૂળતાથી કંટાળે છે એ તો દ્વેષ છે, તેને કાંઈ ખરા દુઃખની ખબર નથી તેથી તે સ્વભાવને શોધતો નથી.
ચિદાનંદ ભગવાન આનંદકંદને મૂકીને જે બહારની અનુકૂળતામાં સુખ અને પ્રતિકૂળતામાં દુઃખ માને છે એ તો મૂઢ છે. કોઈ પરપદાર્થ સુખ દુઃખના કારણ નથી. આત્મપદાર્થ એક જ સુખનું કારણ છે, સુખનું ધામ છે. એ પદાર્થનું સ્વરૂપ છે. તેને માને તેણે પોતાના પદાર્થને જેમ છે તેમ જાણ્યો કહેવાય. બાકી, રાગ ઊઠે છે તે તો આસ્રવ છે, દુઃખદાયક છે તે કાંઈ આત્માનું સ્વરૂપ નથી. અન્ય પદાર્થો તો અજીવતત્ત્વ છે તેમાં પણ આનંદ નથી, તે કાંઈ આત્માનું સ્વરૂપ નથી, તે તો દુઃખના નિમિત્ત છે, તેના તરફની લાગણી પોતે દુઃખરૂપ છે. આત્મપદાર્થ તો સુખસ્વરૂપ છે, તેનો આશ્રય છોડીને જેટલો પરનો આશ્રય લે એટલું દુ:ખ છે. એમ જાણીને જે દુઃખથી પાછો હટીને આત્માનું જ્ઞાન કરે, આત્માનો આશ્રય લે તેને સમ્યગ્દર્શન અને સમ્યગ્નાન થાય છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્રરૂપ કારણસમયસારના ફળમાં અર્હત્ અવસ્થારૂપ કાર્યસમયસાર સ્વરૂપ પરિણમન કરીને કેવળજ્ઞાનથી સ્વ અને પર બંનેને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી પ્રકાશે છે. માટે કહ્યું કે સર્વજ્ઞ છે તે સર્વદ્રવ્યને, સર્વક્ષેત્રને, સર્વકાળને, સર્વભાવને એક સમયમાં જાણે છે. કોઈ એમ કહે કે સર્વજ્ઞ હોય પણ તે ત્રણકાળને ન જાણે' તો તે સર્વજ્ઞના સ્વરૂપને સમજ્યો જ નથી.