________________
=
આત્માને જાણતાં સર્વ જણાય છે
(સળંગ પ્રવચન નં. ૬૭) आत्मा प्रकाशयति आत्मानं परं यथा अम्बरे रविरागः। योगिन् अत्र मा भ्रान्तिं कुरु एष वस्तुस्वभावः ।।१०१।। तारागणः जले बिम्बितः निर्मले दृश्यते यथा। आत्मनि निर्मले बिम्बितं लोकालोकमपि तथा।।१०२॥ आत्मापि परः अपि विज्ञायते येन आत्मना विज्ञातेन ।
तं निजात्मानं जानीहि त्वं योगिन् ज्ञानबलेन ।।१०३।। શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે. પ્રથમ અધિકારની આ ૧૦૧ ગાથા લેવાની છે. એક આત્માને જાણે તે સર્વને જાણે” એ માટે આગળ ચાર બોલ આવી ગયા છે.
૧. સ્વસંવેદનજ્ઞાનથી આત્માને જાણે છે.
૨. નિર્વિકલ્પ શાંતિથી એક આત્માને જાણે ત્યાં રાગાદિ બધાં ભેદો પર છે એમાં બધાં ભેદોનું જ્ઞાન આવી જાય છે.
૩. ભાવશ્રુતજ્ઞાનથી આત્માને જાણતાં અનુમાનજ્ઞાનમાં લોકાલોકનું પરોક્ષજ્ઞાન થઈ જાય છે. એ રીતે આખું લોકાલોક જ્ઞાનમાં જણાય જાય છે.
૪. જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનું ધ્યાન કરતાં પ્રત્યક્ષજ્ઞાન-કેવળજ્ઞાન પ્રગટ થઈ જાય તેમાં પૂર્ણ લોકાલોક પ્રત્યક્ષ જણાઈ જાય છે.
હવે ૧૦૧મી ગાથામાં આ જ વાતને દ્રષ્ટાંતથી સિદ્ધ કરે છે.
ગાથાર્થ –જેમ, આકાશમાં સૂર્યનો પ્રકાશ પોતાને અને પરને પ્રકાશિત કરે છે તેમ આત્મા પોતાને અને પરને પ્રકાશિત કરે છે. માટે તે યોગી ! તેમાં ભ્રમ ન કર. ૧૦૧.
જ્ઞાનાનંદ ભગવાન આત્મા સ્વભાવથી પૂર્ણ સર્વજ્ઞસ્વભાવથી ભરેલો છે. તેનું ચોથા ગુણસ્થાનમાં જ્યાં સ્વસંવેદનજ્ઞાન થયું ત્યારથી એ પોતાને જાણતાં સર્વને જાણે છે. સર્વ ભેદોને જાણે છે. ભાવશ્રુતજ્ઞાનથી સર્વને જાણે છે અને કેવળજ્ઞાન થતાં તો લોકાલોકને પ્રત્યક્ષ જાણે છે. તેમાં ભ્રમ ન કર એટલે સંદેહ ન લાવ કે આત્મા એક સમયમાં બધાને જાણે ! આત્માનો સ્વભાવ જ એક સમયમાં સર્વ જાણી લેવાનો છે.
જેની એક સમયની પર્યાયનો સ્વભાવ એવો છે કે સર્વને જાણે, તે આવો મોટો આત્મા કયાં સંતાઈ ગયો છે?—ક્યાંય સંતાયો નથી. પૂરી શક્તિ લઈને બિરાજમાન જ છે