________________
પ્રવચન-૬૬ ]
[ ૪૩૯
ભગવાન આત્મા જ્ઞાનનું મોટું પાનું છે. એક જ્ઞાનશક્તિમાં મોટું કેવળજ્ઞાનનું સત્ત્વ રહેલું છે. એક દર્શન શક્તિમાં અનંતદર્શનનું સત્ત્વ રહેલું છે. એક આનંદગુણમાં અનંત આનંદ રહેલો છે. એક ચારિત્ર ગુણમાં સ્થિરતાનો મોટો પાઠડો પ્રત્યક્ષ રહેલો છે. તે પણ, બધાં ગુણો એકસાથે રહેલાં છે. નામાના પાના તો એક પછી એક હોય પણ આ તો બધાં એક સાથે છે.
આવો પરમ સ્વભાવ એટલે એક એક ગુણમાં અનંત શક્તિ એવા અનંત સ્વભાવમયી એક ભગવાન આત્માને જેણે જાણ્યો તેને આ ચારેય બોલ જાણવામાં આવી જાય છે. બધાં સંતોએ આ ચારેય બોલ સ્વીકાર્યા છે.
એક આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યું' એ પ્રવચનસારની ૪૮-૪૯ ગાથામાં પણ આવે છે. શ્રીમમાં પણ આવે છે. અહો ! જેણે, એક સમયમાં અનંતા ગુણો અને એક ગુણના અંશો ત્રિકાળ રહે એવી અનંત પર્યાયો સહિત આત્માને જાણ્યો તેણે બધું જાણ્યું. એક જ્ઞાનમાં બધું સમાય છે. એને બાર અંગ જણાય જશે, બધાં ભેદો જણાય જશે, કેવળજ્ઞાનમાં બધું પ્રત્યક્ષ થઈ જશે. જેણે પહેલાં આત્માને શ્રદ્ધા, જ્ઞાનમાં લીધો તેને કેવળજ્ઞાનમાં અનંતગણો પ્રત્યક્ષ થઈ જશે. માટે, ‘એક જાણ્યું તેણે બધું જાણ્યું' એમ અત્યારે પણ કહેવામાં આવે છે.
સમયસાર હો કે પરમાત્મપ્રકાશ હો બધાં શાસ્ત્રોમાં વીતરાગ પરમેશ્વરદેવે કહેલો આત્મા કહેવાય છે. અજ્ઞાનીઓ કહે છે તેવું આત્માનું સ્વરૂપ નથી. વીતરાગ અરિહંતદેવે આત્માને જેવો કહ્યો તેવો જેણે જાણ્યો તેણે એક આત્માને જાણતાં બધું જાણી લીધું. પોતાના આત્માને જાણતાં અનંતા આત્માઓ પણ મારા જેવા જ છે એ ખ્યાલમાં આવી ગયું. બધાં આત્મા અનંત આનંદમયી જ છે. વિકાર તે ક્ષણિક આસ્રવતત્ત્વમાં છે, આત્મતત્ત્વમાં નથી. એમ આત્મા જાણ્યો ત્યાં આત્માથી ભિન્ન બધાં પદાર્થ પણ જણાઈ ગયાં. આમ જ્ઞાન-આનંદમય જીવો જણાયા અને આત્માથી જ્ઞાન-આનંદ વિનાના દ્રવ્યો પણ જણાઈ ગયાં.
આત્મા વીતરાગસ્વરૂપ છે એટલે કે નિર્દોષ ગુણસ્વરૂપ છે તેને નિર્દોષ પર્યાય દ્વારા જાણવો તે જૈનશાસન છે. આવી દશાને પામ્યા તે બધાં જિનશાસને પામ્યા છે તેણે ચારેય બોલ અનુસાર બધું જાણ્યું છે એમ આ બે ગાથાઓમાં કહેવામાં આવ્યું છે.