________________
૪૩૮ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
વિભુત્વ આદિ તેનો સ્વભાવ છે. તે સ્વભાવમાં જે એકાકાર થાય છે તેને સમસ્ત લોકાલોક શીઘ્ર દેખાય છે. અનંત ગુણરૂપ ત્રિકાળ એકસ્વભાવમાં દૃષ્ટિ મૂકીને તેમાં જે ઠરે છે તેને શીઘ્ર એટલે અલ્પકાળમાં સમસ્ત લોકાલોકનું જ્ઞાન થઈ જાય છે.
બીજો અર્થ એ પણ થાય છે કે ‘અન્વસહાય નદુ’—પોતાનો સ્વભાવ શીઘ્ર દેખાય જાય છે. જે આત્મસ્વભાવમાં દૃષ્ટિ કરીને ઠરે છે તેને પોતાનો આખો સ્વભાવ જાણવામાં આવી જાય છે. પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ પ્રભુતા, પૂર્ણ સ્વચ્છતા....એમ બધો જ સ્વભાવ પૂર્ણ રીતે પ્રત્યક્ષ અનુભવમાં આવી જાય છે—જાણવામાં આવી જાય છે. આ કામ શીઘ્ર થાય તેવું છે પણ તેના પ્રમાણમાં તેનો પ્રયત્ન જોઈએ.
વસ્તુ અનંતગુણની ખાણ છે તેને શ્રદ્ધા, જ્ઞાનમાં લઈ તેમાં સ્થિર થતાં આત્માના બધા ગુણસ્વભાવો પ્રત્યક્ષ જણાય છે. સ્થિર થવું એટલે આત્મામાં એકાકાર થવું. જાપ કરવો તે સ્થિરતા નથી. આ બધી અલૌકિક વાતો છે કેમ કે ભગવાન આત્મા લોકોત્તર ચીજ છે. શરીરને બાદ કરો, પુણ્ય-પાપને બાદ કરો, અલ્પજ્ઞ પર્યાય જેવડો પણ આત્મા નહિ એમ બાદ કરતાં જે બાકી રહી જાય છે તે આખો અનંતગુણનો કંદ તે આત્મા છે. શ્રીમદે કહ્યું છે ને ‘અબાધ્ય અનુભવ જે ૨હે તે છે જીવસ્વરૂપ.' શરીર તે આત્મા નથી, ઇન્દ્રિયો તે આત્મા નથી, કર્મો છે તે આત્મા નથી અને પુણ્ય-પાપના વિકલ્પો તે પણ આત્માનું સ્વરૂપ નથી માટે તે બધાને બાદ કરતાં જે બાકી રહે છે તે ‘આત્મા' છે. પણ થયું છે એવું કે નામામાં બાદબાકી કરીને નફો કાઢતાં આવડે છે પણ આમાં બાદબાકી કરતાં કદી આવડી જ નથી.
અનંતગુણરૂપ પરમસ્વભાવને જેણે જાણ્યો તેને પૂર્ણસ્વભાવ શીઘ્ર જણાય જશે. પહેલાં તો શ્રદ્ધામાં શક્તિરૂપ સ્વભાવને શ્રધ્યો અને જાણ્યો તેને અલ્પકાળમાં જ પૂર્ણ સ્વભાવ જ્ઞાનમાં પ્રત્યક્ષ જણાઈ જશે અને આખો લોકાલોક પણ જેમ છે તેમ જણાઈ જશે.
અહીં પણ ખાસ કરીને પૂર્વ સૂત્રકથિત ચારેય પ્રકારનું વ્યાખ્યાન મોટા મોટા આચાર્યોએ પણ માન્ય કર્યું છે. તેમાં એક બોલે, જે કોઈ ભગવાન આત્માને જાણે છે તેણે બધું જાણ્યું છે. બીજા બોલે, ભગવાન આત્માને અતીન્દ્રિય આનંદથી જાણે તે તેનાથી ભિન્ન બધાં ભેદોને જાણી લે છે. ત્રીજો બોલ, ભગવાન આત્માને ભાવશ્રુતજ્ઞાનથી જાણે છે તે ભાવશ્રુતજ્ઞાનની વ્યાપ્તિથી લોકાલોકને પણ જાણે છે અને ચોથો બોલ, ભગવાન આત્માને જાણે તેને અતીન્દ્રિય કેવળજ્ઞાન પ્રગટ થઈને લોકાલોક જણાય છે. આ ચાર બોલ આ રીતે આ ૧૦૦ ગાથામાં પણ લઈ લીધાં.
લોકો કહે છે ને, ચોપડાના પાના ફેરવતાં, પાનું ફરે ને સોનું ઝરે છે' એટલે કે ઊઘરાણી-લેણું ભુલાઈ ગયું હોય તે યાદ આવી જાય છે પણ અહીં તો કહે છે કે જ્ઞાનનું પાનું ફેરવતા અંદરથી પૂર્ણજ્ઞાન ઝરે છે; તેની પાસે સોનાની કાંઈ કિંમત નથી.