________________
૩૨ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો અનાકુળ આનંદનું ટીપું પણ મળ્યું નથી. હવે મને એ અનાકુળ આનંદનું સ્વરૂપ સમજાવો એમ શિષ્ય ગુરુને વિનંતી કરે છે.
જેમ સમુદ્રમાં પાણીના મોજાની કલ્લોલો ઊછળે છે તેમ આ સંસારસમુદ્રમાં વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી રહિત શુભાશુભ ભાવરૂપ મહાન સંકલ્પ વિકલ્પજાળની કલ્લોલમાળાઓ ઉઠી રહી છે, એવા દુઃખરૂપ સંસારમાં રહેતાં હે પ્રભુ ! મને અનંતકાળ વીતી ગયો.
જેને લોકો જીવ માનવા પણ તૈયાર ન થાય એવી એકેન્દ્રિય પર્યાયમાં મેં અનંતકાળ ગાળ્યો. પૃથ્વી, પાણી, વનસ્પતિ, વાયુ અને અગ્નિ એ બધાં એકેન્દ્રિય જીવો છે. પાણીના એક ટીપામાં અસંખ્ય જીવ છે, અગ્નિના એક કણમાં અસંખ્ય જીવ છે. વનસ્પતિમાં લીમડાના એક પાનમાં અસંખ્ય જીવ અને બટાટાની એક કટકીમાં અનંત જીવ છે, આવા ભવોમાં પ્રભુ ! મેં અનંતકાળ ગાળ્યો છે, એમ કહીને શિષ્ય પોતાના પૂર્વનો ઇતિહાસ ખડો કરે છે.
એકેન્દ્રિયમાંથી બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચારઇન્દ્રિય સ્વરૂપ વિકલત્રય પર્યાય પ્રાપ્ત કરવી પણ દુર્લભ છે. તેનાથી વધીને પંચેન્દ્રિય થવું તે વધુ દુર્લભ છે. તેમાં પણ સંશી પંચેન્દ્રિય થવું, છ પર્યાપ્તિની પૂર્ણતા મળવી તે તેનાથી પણ દુર્લભ છે. તેમાં પણ મનુષ્ય થવું તે તો અત્યંત દુર્લભ છે. તેમાં પણ આર્યક્ષેત્ર, ઉત્તમકુળ—બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્યકુળમાં જન્મ મળવો દુર્લભ છે, તેનાથી પણ સુંદરરૂપ, પાંચ ઇન્દ્રિયોની પ્રવીણતા, લાંબુ આયુષ્ય આદિ મળવું ઉત્તરોત્તર દુર્લભ છે. જૈનકુળમાં જન્મે પણ બે-પાંચ વર્ષના ટૂંકા આયુષ્યમાં ચાલ્યો જાય તો શું કામનું ? માટે લાંબુ આયુષ્ય મળવું પણ દુર્લભ છે. તેમાં પણ શરીરમાં બળ અને નીરોગતા ન હોય તો રોગની સારવારમાં રોકાય જાય છે. હવે કહે છે એ શરીરની નીરોગતા હોય તોપણ વીતરાગી જૈનધર્મ પ્રાપ્ત થવો તે તો મહા મહાદુર્લભ છે.
આટલી વસ્તુઓ કદાચિત્ મહાભાગ્યે મળી જાય તોપણ શ્રેષ્ઠ બુદ્ધિ, અને વીતરાગી તત્ત્વનું શ્રવણ મળવું પણ દુર્લભ છે. સત્ય વાત સાંભળવા પણ ન મળે તે શું કરે ? જુઓ ! આમાં બાયડી—છોકરાં મળવા દુર્લભ છે એમ ન કહ્યું પણ વીતરાગે કહેલો ધર્મ શ્રવણ કરવા મળવો તેને દુર્લભ કહ્યો છે પણ મૂરખ ધર્મને માટે કદી રોતો નથી પણ ઘરમાંથી એક માણસ મરે ત્યાં રોવા બેસે છે પણ રોનારા ક્યાં અહીં બેસી રહેવાનો છો ? તારે પણ એક દિવસ જવાનું જ છે માટે રોવાનું છોડ અને ધર્મ મહાભાગ્યે સાંભળવા મળ્યો છે તેનું શ્રવણ કર.
ધર્મનું શ્રવણ મળ્યા પછી પણ તેનું ગ્રહણ ન થાય, વાત સમજવામાં ન આવે તો શું લાભ ? આત્મા અનંત ગુણનો પિંડ છે, તે પરનું કાંઈ કરી શકતો નથી, રાગાદિ થાય તે ધર્મ નથી, તે આત્માનું સ્વરૂપ નથી, આવી વાત સાંભળવા મળે પણ પકડાય નહિ માટે કહ્યું કે ધર્મશ્રવણ મળ્યા પછી તેનું ગ્રહણ થવું કે ગુરુ આમ કહેવા માગે છે તે ગ્રહણ થવું પણ દુર્લભ છે.