________________
૪૩૬ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
સર્વજ્ઞ, પરમેશ્વર વીતરાગદેવ સો ઇન્દ્રોની હાજરીમાં સમવસરણમાં આમ કહેતાં કે ભાઈ ! જ્યાં ચેતન છે ત્યાં અનંતગુણો છે. જ્યાં જાણવા-દેખવાનો ભાવ હોવાપણે જણાય છે ત્યાં ભગવાને અનંતગુણો જોયા છે. અપરંપાર અનંતાગુણો જોયા છે. આવા આત્માની દૃષ્ટિ અને અનુભવ જે કરે તેણે આખા જૈનશાસનને જાણી લીધું છે. વીતરાગની વાણીમાં જે કહેવું હતું, જૈનશાસનમાં જે ભાવ રહેલો હતો તે તેણે જાણી લીધો.
...પણ એને પોતાની કિંમત નથી. એને જડ હીરાની કિંમત આવે છે પણ ચૈતન્યહીરાની કિંમત આવતી નથી. ભગવાને ચૈતન્યહીરામાં કેટલાં ગુણો જોયા છે ! આકાશના અનંત પ્રદેશ કરતાં અનંતગુણા ગુણ ભગવાને દરેક આત્મામાં જોયા છે. એવા ગુણથી ભરેલા ગુણી આત્માને જેણે સ્વસંવેદનજ્ઞાનથી જાણ્યો તેણે સર્વ જૈન શાસનનો જાણ્યું છે એમ જિનસૂત્રમાં એટલે વીતરાગી ભગવાનની વાણીમાં કહેવામાં આવ્યું છે. જેણે આત્માને જાણ્યો નહિ તેણે કાંઈ જાણ્યું નથી.
પરખ્યા માણેક મોતીડાં, પરખ્યા હેમ કપૂર;
એક ન પરખ્યો આતમા, ત્યાં રહ્યો દિગ્મૂઢ.''
દુનિયાની બાબતોમાં દોઢડાહ્યો હોય પણ તેને કહો કે તું કોણ? તો એની ખબર ન હોય. ‘દીવા નીચે અંધારા' જેવું છે. અહીં તો કહે છે કે જેણે એક આત્માને જાણ્યો તેણે આખું જૈનશાસન જાણી લીધું, એણે બાર અંગને જાણી લીધાં. આનંદમય આત્માને અનુભવીને તેનાથી ભિન્ન સર્વભાવોને પણ જાણી લીધા અને અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રગટ કરીને લોકાલોકને પણ તે જીવ જાણશે.
સમ્યગ્દષ્ટિએ સ્વને જાણી લીધો તેથી બીજું બધું તેને પરપણે જણાય છે. રાજ-પાટમાં હોય તો આખો રાજવૈભવ હોય, ૯૬ હજાર સ્ત્રી સાથે લગ્ન પણ કરે, વે૨ી સાથે લડાઈ પણ કરે એવી અનેક પ્રકારની પ્રવૃત્તિ અને શુભાશુભરાગ હોય પણ જ્ઞાની તેને ભિન્ન તરીકે જાણે છે. પોતાના માનતાં નથી. જ્યાં હોય ત્યાં પોતે આનંદ અને જ્ઞાનમાં જ ઊભા હોય છે. પરમાં અને રાગમાં હું નથી અને મારામાં પરદ્રવ્ય અને રાગાદિ પરભાવ નથી એમ ધર્મી જાણે છે.
એણે કદી આત્મા તરફ પડખું જ ફેરવ્યું નથી. જે પડખે તે ઊભો છે ત્યાં તો રાગ-દ્વેષ અને પુણ્ય-પાપના પરિણામ જ છે. એ પડખું ફેરવીને આત્મા તરફ જાય તો ખબર પડે કે આત્મા કેવો છે ! આત્મા જ્ઞાન અને આનંદમય છે એમ જાણતાં આત્માથી ભિન્ન જે છે એ પણ બધું જણાય છે. તે મારાથી ભિન્ન છે એમ જણાય છે પણ સંયોગમાં રહે છે તે પણ આત્મામાં સ્થિરતા વધતાં સંયોગમાંથી પર ચીજ છૂટતી જાય છે, પરભાવ છૂટતાં જાય છે.