________________
પ્રવચન-૬૬ ]
L[ ૩૫ આવું જ કથન શ્રી સમયસાર ગાથા ૧૫મા કુંદકુંદઆચાર્યું કર્યું છે.
जो पस्सइ अप्पाणं अबद्धपुढे अणण्णमविसेसं ।
अपदेससुत्तमझं पस्सइ जिणसासणं सव्वं ।।१५।। અર્થ એ છે કે જે કોઈ નિકટ મોક્ષગામી જીવ સ્વસંવેદનજ્ઞાનથી પોતાના આત્માને અનુભવે છે, સમ્યગ્દષ્ટિપણાથી પોતાને દેખે છે તે સર્વ જૈનશાસનને દેખે છે એમ જિનસૂત્રમાં કહ્યું છે.
પોતાના આત્માને જે જ્ઞાનના વેદન દ્વારા પ્રત્યક્ષ અનુભવે છે, સમ્યગ્દષ્ટિપણે એટલે સમ્યફશ્રદ્ધાથી પોતાના આત્માને પ્રતીતમાં લે છે તે જૈનશાસન છે.
આવી વાત...ઘરમાં ચાલે નહિ, બહાર જાય ત્યાં પણ સાંભળવા મળે નહિ, કોઈકવાર આવા સ્થાને સાંભળવા મળી જાય પણ સમજાય નહિ. આવી જ રીતે અનંતકાળ ચાલ્યો ગયો. અરે ! એણે ઝેરને જ વલોવ્યાં, આત્માના આનંદને એણે કદી અનુભવ્યો નથી. એકવાર પણ જે આત્માને જાણી લે છે તેણે તો સર્વ જાણી લીધું. આખું જૈનશાસન જાણી લીધું. તે હવે સંસારમાં લાંબો કાળ રહેશે નહિ. આત્માના ભાન વિના તો જીવ ઝેરને હોંશે હોંશે પીવે છે. રાગ-દ્વેષાદિ વિકાર ઝેર છે પણ તેને ઝેર છે એમ ખબર નથી અને આનંદ શેમાં છે એ પણ ખબર નથી એટલે ઝેરને જ હોંશે હોંશે પીવે છે. શરીરમાં તો માંસના લોચા છે તેને મારા માનીને, શરીરને ઉપકારી એવા સંયોગો મળતાં હરખાય છે.
શ્રોતા –શરીર તો ધર્મનું સાધન છે ને !
પૂજ્ય ગુરુદેવશ્રી –શરીર ધર્મનું સાધન નથી. ધર્મનું સાધન તો પોતાની અંદર જ છે. સ્વભાવમાં જ સાધન રહેલું છે. એ સિવાય જે કોઈ સાધન કહેવાય છે તે ઉપચારથી સાધન છે. અખંડાનંદ પ્રભુ ઉપર દૃષ્ટિ મૂકતાં સ્વભાવ સાધનનું પરિણમન થાય તેમાં બધું જાણવામાં આવી જાય છે. “સબ આગમભેદ સુઉર બસૈ.”
તું એકવાર ધીરજથી સાંભળ તો ખરો ! ભગવાન ! તું અનંતગુણની રાશિ છો. મહાપ્રભુ છો. સિદ્ધ ભગવાનને જેટલા ગુણોની દશા પ્રગટી એટલા જ ગુણો તારામાં પડ્યા છે. આ ભગવાનની વાણીમાં આવેલી વાત છે.
જ્યાં ચેતન ત્યાં અનંત ગુણ, કેવળી બોલે એમ, પ્રગટ અનુભવ આપનો, નિર્મળ કરો સપ્રેમ.”
ચેતનપ્રભુ! ચેતનસંપદા રે તારા ધામમાં. તારા અસંખ્યપ્રદેશી ધામમાં તારી સંપદા પૂરી ભરેલી છે પણ તને ખબર નથી. સવાર-સાંજ લોકો માંગલિકનો ગડિયો બોલી જાય પણ ભાન કાંઈ ન મળે.