________________
- આત્મા જાણ્યો તેણે સર્વ જાણું
(સળંગ પ્રવચન નં. ૬૬) योगिन् आत्मना ज्ञातेन जगत् ज्ञातं भवति । आत्मनः संबन्धिनिर्भावे बिम्बितं येन वसति ॥६६॥ आत्मस्वभावे प्रतिष्ठितानां एष भवति विशेषः ।
दृश्यते आत्मस्वभावे लघु लोकालोकः अशेषः ॥१००॥ શ્રી પરમાત્મપ્રકાશનો આ પ્રથમ અધિકાર છે, તેમાં ૯૯ ગાથાનો ભાવાર્થ ફરીને
લઈએ.
પાઠમાં એ કહેવું છે કે આત્માને જાણતાં જગત આખું જણાશે. આ આત્માનો સ્વભાવ તો એકલો જ્ઞાન, આનંદ અને ચૈતન્યસ્વરૂપ છે. આવા આત્માને જાણ્યો તેણે બધું જાયું; એક આત્માને જાણશે તે બધાંને જાણશે.
ભગવાન આત્મા જ્ઞાન-દર્શનનો ચૈતન્યનો સૂર્ય છે. માટે, વીતરાગ સ્વસંવેદનજ્ઞાનથી પોતાના આત્માને જાણવો એ જ સાર છે. વીતરાગ સ્વસંવેદનજ્ઞાન એટલે શુભાશુભ રાગથી છૂટું પડેલું અરાગી વીતરાગી શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર દ્વારા આત્માનું વેદન. પોતાનું પોતાથી થયેલું નિવિકલ્પ વીતરાગી વેદન તે સ્વસંવેદનજ્ઞાન છે. આવા નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાનથી પોતાને જાણવો તે જ સાર છે. શુદ્ધાત્મતત્ત્વને સ્વસંવેદનથી જાણનારને બાર અંગનું પણ જ્ઞાન થાય છે.
ભગવાન આત્મા તો જ્ઞાનનો પુંજ છે એટલે કે સમજણનો પિંડ છે અને આનંદની મૂર્તિ છે. તેની સ્વસમ્મુખ દૃષ્ટિ, સ્વસમ્મુખ જ્ઞાન અને સ્વભાવ સન્મુખની શાંતિ વડે આત્માને જાણવાથી સમસ્ત બાર અંગના શાસ્ત્રને જાણી શકાય છે. અર્થાત્ એક આત્માને જાણતા બારેય અંગનું તાત્પર્ય અનુભવમાં આવી જાય છે. આ નીચલી ભૂમિકાની વાત છે. કેવળજ્ઞાનમાં બધું જણાય છે તે વાત નથી.
આ શરીર દેખાય છે તે તો જડ છે, કર્મ પણ જડ ધૂળ છે, અંદરમાં કામ, ક્રોધાદિ ભાવ થાય છે તે વિકાર છે તેનાથી રહિત અંદરમાં ચૈતન્ય આનંદકંદ આત્મા બિરાજે છે પણ અજ્ઞાનીએ કદી તેની દરકાર કરી નથી કોણ જાણે આત્મા કોણ હશે! આખો દી આ શરીરની સંભાળ, રળવું, ખાવું, પીવું ને વ્યવહાર સાચવવા એમાંથી ઊંચો આવતો નથી પણ એ ધૂમાડાના બાચકા છે તેમાં કાંઈ હાથ આવતું નથી.
મુમુક્ષુ આખી જિંદગી આમ ને આમ ચાલી ગઈ છે.