________________
૪૨૬ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો આ ભરતક્ષેત્રમાં આ પંચમકાળમાં શુક્લધ્યાનનો નિષેધ કરે છે. આ કાળમાં શુક્લધ્યાન થઈ શકતું નથી, ધર્મધ્યાન થઈ શકે છે. ધર્મધ્યાનમાં પણ શુક્લસ્વરૂપમાં એકાગ્રતા થાય છે, શુભરાગરૂપ ધ્યાન હોતું નથી. શુભજોગને કોઈ ધ્યાન કહે તો તે યથાર્થ નથી. અહીં તો ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં એકાગ્રતામાં ફેર છે એમ બતાવવું છે. ધર્મધ્યાનમાં એકાગ્રતા ઓછી છે તેથી તેનાથી મોક્ષ થતો નથી. શુક્લધ્યાન ઘણું જ ઉજ્વળ હોય છે, તેની એકાગ્રતા પણ ઘણી છે, તેનાથી જ મોક્ષ થાય છે. ' ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી એ બન્ને આ કાળમાં આવી શકતી નથી. ગુણસ્થાન પણ સાતમા સુધી હોય છે તેનાથી ઉપરના ગુણસ્થાન હોતાં નથી. આ કાળમાં કોઈ મુનિ હોય તેને સાતમું ગુણસ્થાન હોઈ શકે છે પણ તેનાથી વિશેષ ગુણસ્થાન આવતું નથી.
અહીં તાત્પર્ય એ છે કે પરમાત્માના ધ્યાનથી અંતર્મુહૂર્તમાં મોક્ષ થાય છે માટે સંસારની સ્થિતિ ઘટાડવા માટે અત્યારે પણ ધર્મધ્યાનનું આરાધન કરવું જોઈએ. જેનાથી પરંપરા મોક્ષ મળી શકે છે. તવેવ ધ્યાતિવ્યનિતિ ભાવાર્થ: તદેવ=ધર્મ-ધ્યાનનું આરાધન કરવા જેવું છે જેથી સંસારની સ્થિતિ ઘટીને ભવિષ્ય શુક્લધ્યાન થતાં સંસારનો અભાવ થઈને મોક્ષ પ્રાપ્ત થશે. શુભજોગને ઉપચારથી ધર્મધ્યાન કહે છે પણ કોને? કે જેને અંતરમાં શુદ્ધાત્માની દૃષ્ટિ પ્રગટી છે, એમાં એકાગ્રતા કરે છે એવા ધ્યાનીને જે શુભ વિકલ્પ આવે છે તેને વ્યવહાર-ધર્મધ્યાન કહેવાય છે, જે પુણ્યબંધનું કારણ છે. નિશ્ચયધ્યાન તો આત્મામાં એકાગ્રતા થવી તે જ છે. એકાગ્રતાની અલ્પતા તે ધર્મધ્યાન છે અને એકાગ્રતાની ઉગ્રતા તે શુક્લધ્યાન છે. ધર્મધ્યાનમાં ઉજ્વળતા ઓછી છે અને શુક્લધ્યાનમાં ઉજ્વળતા વિશેષ છે અને શુભજોગ તો મલિન છે માટે તે ખરેખર ધ્યાન નથી, તેનાથી પરંપરા મોક્ષ ન મળે.
અત્યારે કોઈને શાસ્ત્રનો અભ્યાસ નહિ. ધંધામાં ગૂંચવાયેલાં હોય એમાંથી માંડ એક બે કલાક સાંભળવા જાય ત્યાં ગુરુ તેને શુભજોગથી પરંપરા મોક્ષ થશે એવો સહેલો રસ્તો 'બતાવે એટલે તરત રુચિ જાય. પણ શુભરાગથી ધર્મ ન થાય, પુણ્ય થાય. વ્યવહારે તેને ધર્મ કહેવાય પણ નિશ્ચયથી તે પુણ્ય જ છે. વ્યવહાર પણ કોને? કે જેને નિશ્ચયધર્મધ્યાન હોય તેને જે શુભભાવ છે તેને વ્યવહારધર્મ કહેવાય છે. ધર્મધ્યાનમાં આત્મામાં એકાગ્રતા થોડી છે તેથી મોક્ષ થતાં અલ્પકાળ લાગે છે. શુક્લધ્યાનમાં એકાગ્રતા વિશેષ છે તેથી તુરત કેવળજ્ઞાન પામે છે.
તદેવ શબ્દમાં ધર્મધ્યાનની વાત કરી છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં તારતમ્યતા છે એટલે હીનાધિકતા છે પણ જાત તો એક જ છે. ધર્મધ્યાન ગૃહસ્થાશ્રમમાં પણ હોય શકે છે. આત્માની દૃષ્ટિ થઈ છે અને જેટલી સ્થિરતા છે એટલી એકાગ્રતા તો સદાય છે અને કોઈ વખતે ઉપયોગરૂપ પણ થઈ જાય છે. સમજાણું કાંઈ? આવા ધર્મધ્યાનયુક્ત જીવને પરંપરા મોક્ષ મળે છે.