________________
૪૨૪ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
અનાદિથી જીવ નિરંતર વિકારનો અનુભવ....નિરંતર વિકારનો અનુભવ કરી રહ્યો છે તેનું જ નામ સંસાર છે તેમ નિરંતર પૂર્ણાનંદનો અનુભવ....નિરંતર પૂર્ણાનંદનો અનુભવ કરતાં રહેવું તેનું નામ મોક્ષ છે. સંસાર અને મોક્ષ વચ્ચેના સાધકદશાના કાળમાં વિભાવથી ખસીને જીવ સ્વભાવ સન્મુખ થઈને સ્વભાવનું ધ્યાન કરે છે તેમાં અધૂરા આનંદનો અનુભવ થાય છે. એવું ધ્યાન કરતાં કરતાં પૂર્ણાનંદની પ્રાપ્તિ થઈ જાય અને તે સદાકાળ રહે તેનું જ નામ મોક્ષ છે.
નિગોદથી માંડીને નવમી ઐવેઈક સુધીના સર્વ સંસારી જીવો શું કરી રહ્યા છે ! શેને અનુભવે છે ?—કે સુખ-દુઃખની કલ્પનારૂપી દુઃખને અનુભવે છે. એટલે કે શરીરના રોગાદિને કે અનુકૂળતાને અનુભવતા નથી પણ શુભાશુભ સંકલ્પ-વિકલ્પરૂપ દુઃખને અનુભવે છે. અનાદિથી જીવ વિકારના દુઃખને જ વેદી રહ્યો છે તે દુઃખ હવે કેમ મટે ?
જો તારે દુઃખ મટાડીને સુખી થવું હોય—પૂર્ણાનંદનો અનુભવ કરવો હોય તો નિજશુદ્ધાત્મા પૂર્ણાનંદ ભગવાન પોતે જ છે તેમાં દૃષ્ટિ લગાવ ! તેનું ધ્યાન કર ! નિર્મળ પર્યાય વડે જ તે ધ્યાન થઈ શકશે. કારણ કે અનાકુળ વસ્તુનું ધ્યાન અનાકુળ પર્યાય વડે જ થાય. ધ્યાનમાં આનંદ ઓછો છે અને તેના ફળરૂપ મોક્ષમાં પૂર્ણાનંદ આવશે અને સદાકાળ એવો આનંદ આવ્યા જ કરશે.
શ્રોતા :—ખોળિયામાંથી આત્માને જાગૃત કરવો પડશે ને !
પૂજ્ય ગુરુદેવશ્રી :—ખોળિયું તો જડ માટી છે. તેમાં આત્મા નથી. આત્મા તો આત્મામાં છે. પણ અનાદિથી પુણ્ય-પાપ, કામ-ક્રોધ, માન-માયા, મિથ્યાભ્રાંતિ આદિનું કરવું અને વેદવું કરી રહ્યો છે તે પરનું ધ્યાન છે. તેનાથી તેને સંસાર ફળે છે એટલે ચારગતિમાં રખડવું પડે છે. તેને આચાર્યદેવ કહે છે કે જો હવે તારે આ દુઃખથી છૂટીને સ્વાધીનપણે સુખી થવાની દશા પ્રગટ કરવી હોય તો તારો ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે, તેનું ધ્યાન કર ! જેવી પરમાં એકાગ્રતા છે તેવી એકાગ્રતા નિજવસ્તુમાં કર તો તને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રગટ થશે અને તેનાં ફળમાં પૂર્ણાનંદની પ્રાપ્તિરૂપી મોક્ષ પ્રાપ્ત થશે અને દુઃખરૂપ એવા વિભાવનો સર્વથા ક્ષય થશે.
આત્મામાં પૂર્ણાનંદનું સત્ત્વ રહેલું છે તે પર્યાયમાં પ્રગટ થઈ જાય તેનું નામ ‘મોક્ષ' છે. એકવાર એવી પૂર્ણ શુદ્ધદશા પ્રગટ થઈ તેનો અનુભવ આદિ અનંતકાળ થયા જ કરશે. જેમ અનાદિથી સંસારદશા અનુભવતો હતો તેમ હવે મોક્ષદશાનો અનુભવ કર્યા-જ કરશે. દ્રવ્ય તો ત્રણેકાળ ધ્રુવ ચિદાનંદતત્ત્વ જેમ છે તેમ જ રહે છે પણ બહિર્મુખર્દષ્ટિથી સંસાર ફળે છે અને અંતર્મુખદૃષ્ટિથી મોક્ષ ફળે છે. મિથ્યાશ્રદ્ધા, રાગ અને દ્વેષ પરિણામનું વેદન એ સંસાર છે અને મારો આનંદ મારામાં છે એમ અંતરદૃષ્ટિ કરીને અંતરમાં એકાગ્ર થવું તે આત્માનું ધ્યાન છે. તેને જ મોક્ષનો માર્ગ કહેવાય છે. સમ્યગ્દર્શન, સમ્યગ્નાન અને